વડોદરા: શહેરના VMC દ્વારા નરાધમ પશુઓને પકડવાની કામગીરી ચાલી રહી છે. ત્યારે વડોદરા શહેરમાં VMCના કમૅચારીઓ ઉપર પશુમાલિકોએ બીજી વખત હુમલો કર્યો હોવાની માહિતી મળી છે. આજરોજ વડોદરા ગોલ્ડન ચોકડી પાસે VMCના કમૅચારીઓ રખડતા પશુઓને પકડવાની કામગીરી કરી રહ્યા હતા, ત્યારે પશુઓને મુક્ત કરાવવા માટે કેટલાક પશુપાલકોએ આ કમૅચારીઓને ટાર્ગેટ બનાવી પાલિકાના પશુ પાર્ટીના કર્મચારીઓ ઉપર ડાંગ વડે હિંસક હુમલો કર્યો હતો. જેમાં પાલિકાના કામમાં જોતરાયેલા બે કર્મીઓ ઇજાગ્રસ્ત થયા છે. બંનેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ હિંસાનો ભોગ બનેલી ટીમના કર્મચારીઓ હરણી પોલીસ મથક પહોંચ્યા અને આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
બે કમૅચારી ઈજાગ્રસ્ત થતાં હોસ્પિટલે: પાલિકાની નરાધમ પશુઓને પકડવા માટેની કામગીરી ક્યારે આસાન હોતી નથી. અવાર નવાર આ કામગીરી સમયે ઘર્ષણની ઘટના સામે આવતી રહે છે. ત્યારે આજે શહેરના ગોલ્ડન ચોકડી વિસ્તારમાં નરાધમ પશુઓને પકડ્યા બાદ પશુપાલકોએ ઢોર પાર્ટીના કર્મચારીઓ ઉપર ડાંગ અને પથ્થર વડે હુમલો કર્યો હતો. જેમાં બે લોકો ઇજાગ્રસ્ત થયા હતા તેમાંથી એક વ્યકિતનું માથુ પણ ફુટ્યું છે. બંને વ્યક્તિઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા. કર્મચારીઓએ હરણી પોલીસ મથકે હુમલો કરનાર ઈસમો સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
માથાભારે તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરો: પાલિકાની ઢોર પાર્ટીના કર્મી ધર્મેન્દ્રસિંહ છત્રસિંહ સોલંકી જણાવે છે કે, અમે નરાધમ પશુઓને પકડવા માટે રૂટ ફરી ફરીને ગોલ્ડન ચોકડી આવ્યા. ત્યારે અમારી હદમાં અમને એક ગાય દેખાઇ હતી. ચાર પૈકી અમે એક વાછરડી અને એક ગાય પકડી હતી.જેને ચેકપોસ્ટ પાસે ગાય પકડીને ઉભા રહ્યા હતા. ત્યાર બાદ અમે થોડા આગળ ગયા હતા. તેમાં ચાર-પાંચ ભરવાડ ત્યાં આવ્યા, તૈ પૈકી એક ચોટલીવાળો ભરવાડ હતો. તે ડાંગ લઇને આવ્યો, બીજાએ ખીસ્સામાંથી ચપ્પુ કાઢી બાંધેલી ગાયની રસ્સી કાપવા લાગ્યો અમે તેને અટકાવ્યો હતો. જેથી તેણે પાછળ જઇને ડાંગ મારવાનું શરૂ કરી દીધું હતું. અને બીજા એક ઈસમે મને ડાંગ મારી અને ડ્રાઇવરને છુટ્ટો પથ્થર મારી દીધો હતો. જેથી અમે હરણી પોલીસ મથકે આવી ન્યાય મળે તે માટે ફરીયાદ નોંધાવી છે. અમને ન્યાય મળવો જોઈએ અને આવા માથાભારે તત્વો સામે કાયદેસરની કાર્યવાહી હોવી જોઈએ.