નવસારી : સરકારી પ્રાથમિક શાળામાં બાળકોને પોષણયુક્ત ભોજન મળી રહે એ માટે સરકારે મધ્યાહન ભોજન યોજના અમલી બનાવી છે. પરંતુ NGO દ્વારા પહોંચાડતા મધ્યાહન ભોજનમાં જીવાત નીકળવાની ઘટના બનતી રહે છે. નવસારી જિલ્લામાં ચીખલીના વાંઝણા ગામની મુખ્ય પ્રાથમિક શાળામાં ગત મંગળવારે મધ્યાહન ભોજનના રસાવાળા મગના શાકમાં ઈયળ નીકળતા ચકચાર મચી હતી. આ ઘટના મુદ્દે શિક્ષણ વિભાગે તપાસ આરંભી છે.
પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજન : નવસારી જિલ્લામાં વર્ષોથી મુંબઈની NGO નાયક ફાઉન્ડેશન દ્વારા તમામ સરકારી પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજન પહોંચાડવામાં આવે છે. લાંબા સમયથી NGO દ્વારા વહેલી સવારથી ભોજન બનાવી, તેને વાસણમાં ભરી, સીલ મારીને જિલ્લાના દરેક તાલુકાની પ્રાથમિક શાળામાં ટેમ્પો મારફતે પહોંચાડવામાં આવે છે.
વાંઝણા પ્રાથમિક શાળામાં પીરસવામાં આવેલ મધ્યાહન ભોજનમાં ઇયળ નીકળવાના મામલે તાત્કાલિક તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીને તપાસ રિપોર્ટ આપવા માટે આદેશ કરવામાં આવ્યો છે. સાથે જ ઘટનામાં જે પણ કસૂરવાર નીકળશે તેમની સામે સખત કાર્યવાહી કરવામાં આવશે. -- અરુણ અગ્રવાલ (પ્રાથમિક શિક્ષણાધિકારી, નવસારી)
ભોજનમાં નીકળી ઈયળ : ગત મંગળવારની સવારે NGO એ મમરા, રોટલી, ભાત અને રસાવાળુ મગનું શાક ચીખલી તાલુકાના વાંઝણા ગામની પ્રાથમિક શાળામાં પહોંચાડ્યું હતું. જ્યાં બાળકોને ભોજન પીરસવામાં આવ્યું ત્યારે એક વિદ્યાર્થીની થાળીમાં મગના શાકમાં ઈયળ આવતા જ તેણે શિક્ષકને જાણ કરી હતી. જેથી શિક્ષકોએ તાત્કાલિક બાળકોને ભોજન પીરસવાનું બંધ કરાવ્યું હતું. સમગ્ર મુદ્દો પ્રકાશમાં આવતા જ શિક્ષણ વિભાગ હરકતમાં આવ્યું અને તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીએ શાળા પાસેથી રિપોર્ટ માંગ્યો છે.
ભોજનમાં જીવાત નીકળવાના બનાવ : ઉલ્લેખનિય છે કે, NGO વાસણોમાં ભોજન ભરી તેને સીલ કરીને શાળા સુધી પહોંચાડે છે. શાળામાં પણ સ્વચ્છતા ઉપર ધ્યાન રાખવામાં આવે છે. ત્યારે ક્યાંક બહારથી નહીં પણ NGO દ્વારા બનેલા ભોજનમાં જ ઈયળ હોવાનું પ્રાથમિક તબક્કે ધ્યાને આવ્યું છે. નવસારી જિલ્લામાં NGO નાયક ફાઉન્ડેશન દ્વારા બનાવાતા મધ્યાહન ભોજનમાં અનેકવાર જીવાત નીકળવાની ઘટના બની છે. થોડા મહિના અગાઉ દાળમાંથી ગરોળી પણ નીકળી હતી. પરંતુ આજદિન સુધી પુરવઠા વિભાગ કે શિક્ષણ વિભાગ દ્વારા કોઇ કડક પગલાં લેવામાં આવ્યા નથી.
વહીવટી તંત્રની કાર્યવાહી : મધ્યાહન ભોજનમાં ઈયળ નીકળવાના મામલે નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અરુણ અગ્રવાલ એક્ટીવ થયા હતા. અરુણ અગ્રવાલે જણાવ્યું હતું કે, વાંઝણા પ્રાથમિક શાળામાં પીરસવામાં આવેલ મધ્યાહન ભોજનમાં ઇયળ નીકળવાના મામલે તાત્કાલિક તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીને તપાસ રિપોર્ટ આપવા માટે આદેશ કરવામાં આવ્યો છે. સાથે જ ઘટનામાં જે પણ કસૂરવાર નીકળશે તેમની સામે સખત કાર્યવાહી કરવામાં આવશે.