રાજકોટ : જિલ્લા કોંગ્રેસ પ્રમુખ લલિત વસોયાએ નશાકારક પદાર્થોના વેચાણ અને સેવનને લઈને વહીવટી તંત્ર અને ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. લલિત વસોયા દ્વારા ધોરાજી અને ઉપલેટામાં ચાલતા દારૂ અને ગાંજાના વેપલાને લઈને તંત્ર અને ભાજપ પર ગંભીર આક્ષેપ કર્યા છે.
વહીવટી તંત્ર પર ગંભીર આરોપ : ધોરાજી અને ઉપલેટામાં છેલ્લા ઘણા સમયથી નશાનો કાળો કારોબાર ચાલી રહ્યો હોવાનો આક્ષેપ કરતા લલિત વસોયાએ કહ્યું કે, જનતા રેડ થઈ રહી છે અને મીડિયા દ્વારા વિડિયો સાથે પુરાવા બતાવવામાં આવી રહ્યા છે. છતાં સરકારી તંત્ર દ્વારા કોઈપણ જાતના પગલાં નથી લેવામાં આવતા. પોલીસ તંત્રની મીઠી નજર હેઠળ આ કાળો કારોબાર ચાલી રહ્યો છે.
જનપ્રતિનિધિઓ પર નિશાન સાધ્યું : લલિત વસોયાએ વધુમાં જણાવ્યું કે, ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા લોકો આ મુદ્દે ચૂપ કેમ છે, તેવા સવાલો ધોરાજી ઉપલેટાના લોકો કરી રહ્યા છે. ધારાસભ્ય અને સાંસદ સભ્યો આ વિસ્તારના યુવાનો અને આ વિસ્તારના લોકોને બચાવવા માટે, નશાથી થતા અધપતનમાંથી ઉગારવા માટે આગળ આવે તે જરૂરી છે. સાથે જ સરકારી તંત્ર દ્વારા થાય તે યોગ્ય કરવું જોઈએ.