સુરત: એકલેરા-ભાણોદ્રા પાસે અવાવરું જગ્યાએથી પ્લાસ્ટિકના બેરલમાંથી યુવતીની લાશ મળવાના કેસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. અનૈતિક સંબંધની શંકામાં નિર્દયી બનેલા પતિએ જ ટૂંપો આપી પત્નીની હત્યા કર્યા બાદ લાશને બેરલમાં પેક કરી તેના પર સિમેન્ટ નાંખી દીધી હતી. બે દિવસ લાશ સાથેના બેરલને ઘરમાં રાખ્યા બાદ તક મળતા જ અવાવરું જગ્યાએ નિકાલ કરી દીધો હતો. ભેસ્તાન પોલીસે આ કેસને ઉકેલી નાંખી પતિની ધરપકડ કરી હતી.
પ્લાસ્ટિકના બેરલમાંથી લાશ મળી આવી: મળતી વિગતો પ્રમાણે ગત મંગળવારે સાંજે એકલેરા-ભાણોદ્રા ગામની સીમમાંથી પ્લાસ્ટિકના બેરલમાંથી મહિલાની લાશ મળી આવી હતી. લાશ ઉપરાંત સિમેન્ટ-રેતી ભરેલી હોવાથી બેરલ વજનદાર બની ગયું હતું. ટેમ્પોમાં બેરલ સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવાયું હતુ. ભારે જહેમતથી કટરથી બેરલને કાપવામાં આવતા તેમાંથી અત્યંત કોહવાયેલી હાલતમાં યુવતીની લાશ મળી આવી હતી. ભેસ્તાન પોલીસ માટે આ હત્યાકાંડનો ભેદ ઉકેલવો પડકારજનક હતો. કારણ કે, હત્યારા સુધી તો દૂરની વાત મૃતકની ઓળખ કરી પણ અતિ મુશ્કેલ હતી.
મૃતક યુુવતી અને આરોપીના પ્રેમ લગ્ન થયા હતા: આખરે ભેસ્તાન પોલીસે આ કેસનો ભેદ ઉકેલી નાંખ્યો છે. ભેસ્તાન પોલીસ સ્ટેશનના PI વિરલ પટેલે જણાવ્યું કે, મૃતક મહિલાની ઓળખ ધર્મિષ્ઠા કાંતિભાઈ ચૌહાણ તરીકે થઇ હતી. મૃતક ધર્મિષ્ઠા મૂળ ખેડાની વતની છે. ધર્મિષ્ઠાની હત્યા તેના પતિ સંજય કરમશી પટેલ (ગોપાણી)એ જ કરી હતી.ભાવનગર જિલ્લાનો વતની 45 વર્ષિય સંજય હાલ સચિન GIDCમાં કનકપુર- કનસાડ નજીક ગોકુલધામ સોસાયટીમાં રહે છે. સંજય અને ધર્મિષ્ઠાના પ્રેમલગ્ન થયા હતા અને તેઓને સંતાનમાં 1 પુત્ર અને 1 પુત્રી છે.
પતિ તેની પત્ની પર અનૈતિક સંબંધનો વહેમ રાખી ઝઘડતો હતો: પુત્ર વતનમાં દાદા સાથે રહે છે ત્યારે 5 વર્ષની પુત્રી તેઓ સાથે રહેતી હતી. ધર્મિષ્ઠાની વિધવા બહેન પણ સાથે રહેતી હતી. વધુમાં પીઆઈ પટેલે ઉમેર્યુ કે, સંજયને પત્ની ધર્મિષ્ઠાના અનૈતિક સંબંધ હોવાનો વહેમ હતો. જે બાબતે તેઓ વચ્ચે વારંવાર ઝઘડા પણ થતા હતા. જે માથાકૂટમાં જ આવેશમાં આવી પત્નીની ગળે ટૂંપો આપી હત્યા કર્યા બાદ લાશને પ્લાસ્ટિકના બેરલમાં પેક કરી દીધી હતી.અને લાશને છૂપાવવા સિમેન્ટ અને રેતી પણ બેરલમાં નાખી દીધી હતી.
બેરલના બેચ નંબર અને સીસીટીવીથી ભેદ ઉકેલાયો: પડકારજનક કેસનો ભેદ ઉકેલવા બેરલના બેચ નંબર અને સીસીટીવી કેમેરા મદદરૂપ બન્યા હતા. પોલીસે પહેલાં તો બેરલ ફરતે તપાસ કેન્દ્રિત કરી હતી. GACL લખેલા બેરલના બેચ નંબરના આધારે તપાસ કરાતા આ પ્રકારનું કેમિકલ ભરેલું બેરલ અમદાવાદની કંપનીમાંથી 4 સ્થળોએ પહોંચ્યું હતુ. જે પૈકી એક બેરલ સચિન GIDCની મીલ અને ત્યાંથી ગભેણીના ભંગારવાળા સુધી પહોંચ્યું હતું.
ભંગારવાળાને ત્યાંથી બાઇક પર બેરલ લઇ જતો યુવક દેખાયો: પોલીસે આ ભંગારવાળાને ત્યાં પહોંચી તપાસ કરતા આ પ્રકારનું બેરલ લઇને જનારાને રડારમાં લીધા હતા. સીસીટીવી કેમેરામાં ભંગારવાળાને ત્યાંથી ગત તા.૨૫મીએ બાઇક પર બેરલ લઇને નીકળેલો યુવક દેખાયો હતો. એક પછી એક સીસી કેમેરાની મદદથી પોલીસ તે યુવકના ઘર સુધી પહોંચી ગઇ હતી અને ગુનો ડિટેક્ટ થઇ ગયો હતો. આરોપી સંજય પહેલાં હીરાના કારખાનામાં નોકરી કરતો હતો. હાલ તે વોચમેન તરીકે કામ કરતો હતો.
બેરલને ઊંચકવા રૂ.400માં 4 મજૂરો ભાડે રાખ્યા: હત્યા કર્યા બાદ સંજયે લાશને બેરલમાં તો પેક કરી દીધી હતી પણ સિમેન્ટ-રેતીના કારણે ડ્રમ 200-250 કિલો વજનનું થઇ ગયું હતુ. પોતે એકલો બેરલ લઇ શકે એમ ન હોય તેને ચારેક મજૂરોની મદદ લીધી હતી. ચારેયને 400 રૂપિયા આપ્યા હતા અને ટેમ્પોમાં બેરલ મુકી ભાણોદ્રા પાસે અવાવરું જગ્યાએ તે ફેંકી દીધું હતું.