રાજકોટ: બે દિવસ પહેલા ભાવનગર જિલ્લાના તળાજા ખાતે સમૂહ લગ્નમાં આહિર સમાજના ગીગાભાઈ ભમ્મર દ્વારા ચારણ અને ગઢવી સમાજની માતાઓ વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરી હતી. જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જ્યારે આ પ્રકારની ટિપ્પણીનો વિડીયો સામે આવ્યા બાદ દેશ-વિદેશમાં રસ્તા વસતા ચારણ અને ગઢવી સમાજમાં ભારે રોજ વ્યાપી જવા પામ્યો છે. એવામાં આજે રાજકોટમાં પણ મોટી સંખ્યામાં ચારણ અને ગઢવી સમાજના લોકો એકઠા થયા હતા. તેમજ આ મામલે જિલ્લા કલેકટર અને પોલીસ કમિશનરને આવેદનપત્ર પાઠવ્યું હતું અને ચારણ સમાજ વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરનાર વિરુદ્ધ આકરી કાર્યવાહી કરવામાં આવી તેવી માંગણી કરાઈ હતી.
બહુમાળી ચોક નજીક મોટી સંખ્યામાં લોકો એકઠા થયા
સમગ્ર મામલે રાજકોટના ચારણ સમાજના અગ્રણી અશોક ગઢવીએ ETV BHARAT સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે બે દિવસ પહેલા ચારણ સમાજના માતાજીઓ વિશે અપમાનજનક શબ્દ બોલનાર વિરુદ્ધ અમે એકઠા થઈએ છીએ. જ્યારે ચારણ સમાજના માતા એ તમામ સમાજના છે તેમજ તેઓ માત્ર ચારણ સમાજના જ નથી. જ્યારે કેટલાક સમાજના લોકો તેમને કુળદેવી પણ માને છે. એવામાં અમારા સોનલમાં વિશે આ પ્રકારની વિવાદાસ્પદ ટિપ્પણી કરવાને લઈને ચારણ સમાજમાં રોષ વ્યાપી જવા પામ્યો છે. જેને લઈને અમે રાજકોટ જિલ્લા કલેકટર અને પોલીસ કમિશનરને આવેદનપત્ર આપ્યું છે. તેમજ સાયબર પોલીસ મથકમાં આ મામલે ફરિયાદ નોંધાવાના છીએ.
બે સમાજ વચ્ચે વિવાદ ઊભો કરવાનો પ્રયત્ન કરાયો
અશોક ગઢવીએ વધુમાં જણાવ્યું હતું કે આ ઘટનાને કારણે રાજ્યના અલગ અલગ જિલ્લાઓ અને તાલુકા મથકે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ રહી છે. જ્યારે આવનાર સમયમાં હજુ પણ આ મામલે પોલીસ ફરિયાદ નોંધવામાં આવશે. ત્યારે અમારી માંગણી છે કે ચારણ અને ગઢવી સમાજ વિરુદ્ધ વિવાદાસ્પદ ટિપ્પણી કરનાર શખ્સની તાત્કાલિક ધરપકડ કરીને આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવે. તેમજ જો આ મામલે સરકાર દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી નહિ કરવામાં આવે તો ચારણ સમાજ અને તેની સાથે જોડાયેલા તમામ લોકો રોડ ઉપર ઉતરશે તેવી ચીમકી પણ સમાજના અગ્રણીઓ દ્વારા ઉચ્ચારવામાં આવી હતી. એવામાં અમારી માંગણી છે કે બે સમાજ વચ્ચે વિવાદ ઊભો કરવાનું જે કામ થયું છે તેના વિરુદ્ધ સરકાર દ્વારા કાર્યવાહી કરવામાં આવે, જેના કારણે અવનાર સમયમાં બે જ્ઞાતિઓને લડાવવાનો પ્રયત્ન ન થાય.