કચ્છ: શું આપ નોકરીની શોધ કરી રહ્યા છો? તો કચ્છની પ્રથમ મહાનગરપાલિકામાં આગામી સમયમાં 1,050 થી વધુ સ્ટાફની ભરતી થવાની છે. જેમાં વિવિધ પોસ્ટ પર ભરતી કરવા માટે સરકારમાં દરખાસ્ત કરી દેવામાં આવી છે. વર્ગ 1, વર્ગ 2 અને વર્ગ 3 તેમજ વિવિધ વિભાગોમાં ભરતી યોજાશે તો જાણો, તમે તમારી લાયકાત મુજબ કંઇ કંઇ પોસ્ટ પર અરજી કરી શકશો...
મનપામાં 1050 જગ્યા માટે ભરતી કરાશે: ગાંધીધામ મહાનગરપાલિકા કે, જે 1 જાન્યુઆરી 2025થી અમલમાં આવી છે અને મહાનગરપાલિકાનો વહીવટ ધમધમી રહ્યો છે. ત્યારે મનપાના કાર્યો માટે મોટી સંખ્યામાં કર્મચારીઓની જરૂરિયાત છે. ત્યારે લોકો સુધી માળખાગત તેમજ પાયાની સુવિધાઓ પહોંચાડવા માટે મહેકમ કવાયત મહાનગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવી છે. ગાંધીધામ મહાનગરપાલિકાની મુખ્ય કચેરી 2 ઝોનલ ઓફિસ અને વોર્ડ ઓફિસમાં 1050થી વધુના સ્ટાફની ભરતી માટે સરકારમાં દરખાસ્ત કરી દેવામાં આવી છે.
![ગાંધીધામ મનપામાં વિવિધ વિભાગોમાં 1050 જગ્યાઓ પર ભરતી યોજાશે.](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/17-02-2025/gj-kutch-03-gmc-bharti-photo-story-7209751_17022025114711_1702f_1739773031_244.jpg)
ઝોન ઓફિસમાં 470 કર્મચારીઓની ભરતી: ગાંધીધામ મહાનગરપાલિકાના અધિકારીઓએ મહાનગરપાલિકાના જરૂરી તમામ વિભાગોને સાંકળીને ઝીણવટપૂર્વક અભ્યાસ કરીને મુખ્ય કચેરીની 22 શાખા અને ઝોનલ કચેરીની 11 વિભાગ માટે જરૂરિયાત મુજબના સ્ટાફની ભરતી માટેની દરખાસ્ત સરકાર સમક્ષ કરી છે. જેમાં ગાંધીધામ મહાનગરપાલિકાની મુખ્ય કચેરીમાં 400થી વધુનો સ્ટાફ રહેશે. જ્યારે ઝોન ઓફિસમાં 470 જેટલા કર્મચારીઓની ભરતી કરવામાં આવશે.
મુખ્ય કચેરીમાં વિવિધ વિભાગમાં 400 સ્ટાફ: ગાંધીધામ મહાનગરપાલિકાના નાયબ કમિશનર મેહુલ દેસાઈએ માહિતી આપતા જણાવ્યું હતું કે, મહાનગરપાલિકા દ્વારા ભરતી માટે જે સરકાર સમક્ષ દરખાસ્ત કરવામાં આવી છે. તેમાં મુખ્ય કચેરીમાં વહીવટી વિભાગમાં 56 અધિકારીઓ ,સેક્રેટરીયેટમાં 14, સંકલન સ્ટોર અને સાંસ્કૃતિક વિભાગ માટે 11, હિસાબી શાખામાં 17, વેરા વિભાગમાં 10, સેનિટેશન વિભાગમાં 13, સિવિલ ઇજનેર અને સિટી બ્યુટીફિકેશન વિભાગમાં 17, મિકેનિકલ ઇજનેરી વિભાગમાં 13, ઈલેક્ટ્રિકલ વિભાગમાં 8, આરોગ્ય વિભાગમાં 30, ટાઉન પ્લાનિંગ અને એસ્ટેટ વિભાગમાં 51, રખડતા ઢોર અંકુશ વિભાગમાં 32, ઓડિટ વિભાગ માટે 11, ફાયર અને ઇમરજન્સી સર્વિસ વિભાગ માટે 12, અર્બન કોમ્યુનિટી ડેવલપમેન્ટ વિભાગ માટે 10, ગાર્ડન તથા રમતગમત વિભાગ માટે 7, જન સંપર્ક વિભાગ માટે 7, ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન વિભાગ માટે 7, કાયદા વિભાગ માટે 15, સુરક્ષા વિભાગ માટે 37, ચૂંટણી વસ્તી ગણતરી અને બોર્ડ રચના માટે 5 અને લાઇબ્રેરી વિભાગ માટે 16 જેટલા મળી કુલ 400 જેટલા કર્મચારીઓની જરૂરિયાતની દરખાસ્ત મૂકવામાં આવી છે.
ઝોનલ કચેરીમાં 11 જેટલી શાખાઓ: ગાંધીધામ મહાનગરપાલિકાની મુખ્ય કચેરીની સાથે સાથે 2 ઝોનલ કચેરી હશે. જેમાં અલગ અલગ 11 જેટલી શાખાઓ વિભાગ સાથેનું માળખું તૈયાર કરવામાં આવશે. જેના માટે પણ મહેકમની પણ દરખાસ્ત કરવામાં આવી છે. ગાંધીધામ મહાનગરપાલિકામાં કુલ 1050થી વધુ અધિકારીઓ અને કર્મચારીઓની ભરતીની દરખાસ્ત સરકારમાં કરવામાં આવી છે. જેની મંજૂરી મળ્યા પછી તબક્કા વાર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જોકે, આ તમામ માળખું અને મહેકમની સંખ્યા ટેન્ટેટીવ છે. જેમાં સરકાર દ્વારા દરખાસ્તમાં સુધારા વધારા કરવામાં આવશે અને આગામી સમયમાં આખરી મહેકમની યાદી તૈયાર કરવામાં આવશે.
વર્ગ 1 અને વર્ગ 2 ની કેટલી જગ્યાઓ માટે દરખાસ્ત: ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા મહેકમની મંજૂરી માટે જે જગ્યાઓ દર્શાવવામાં આવી છે. તેમાં વર્ગ 1ની ટીબી ઓફિસર, આર.સી.એચ.ઓ ચીફ એકાઉન્ટન્ટ, ફાયર ઓફિસર અને પર્યાવરણ ઈજનેર સહિતની 10 જગ્યાઓ ભરવામાં આવશે. એવી જ રીતે વર્ગ 2માં નાયબ કાર્યપાલક ઈજનેર, તબીબી અધિકારી, જુનિયર ટાઉન પ્લાનર, નાયબ એન્વાયરમેન્ટ ઇજનેર, હિસાબી અધિકારી, બાયોલોજિસ્ટ,વેટેનરી ઓફિસર, જન સંપર્ક અધિકારી, બાયોલોજીસ્ટ, વેટેનરી ઓફિસર, જન સંપર્ક અધિકારી, પોલીસ ઇન્સ્પેક્ટર સહિત કુલ 94 જેટલી જગ્યાઓ ભરવા માટેની દરખાસ્ત સરકાર સમક્ષ મૂકવામાં આવી છે.
વર્ગ 3ની 674 જેટલી જગ્યાઓની ભરતી: ગાંધીધામ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વર્ગ 1 અને વર્ગ 2 ઉપરાંત વર્ગ 3 માટેના મહેકમની પણ દરખાસ્ત કરવામાં આવી છે, જેમાં સૌથી વધુ ભરતી થવાની છે. મુખ્ય કચેરી, 2 ઝોનલ ઓફિસ, વોર્ડ કચેરીમાં અધિક મદદનીશ ઇજનેર, નાયબ સેક્રેટરી, ટ્રાન્સપોર્ટ મેનેજર, ટેક્સ ઇન્સ્પેક્ટર, ડેપ્યુટી ઓડિટર, હાર્ડવેર એન્જિનિયર, ગાર્ડન સુપરવાઇઝર, ફૂડ સેફ્ટી ઓફિસર, સબ ફાયર ઓફિસર, લેબ ટેક્નિશિયન, ક્લાર્ક, ડ્રાઇવર સહિત 674 જેટલા વોર્ડ 3ના કર્મચારીઓની ભરતી કરવામાં આવશે.
મનપાના 13 વોર્ડમાં 180થી વધુ સ્ટાફની ભરતી: ગાંધીધામ મહાનગરપાલિકાના 13 જેટલા વોર્ડની ઓફિસમાં 180થી વધુનો સ્ટાફ ફરજ બજાવશે. આ અગાઉ પણ જ્યારે ગાંધીધામ નગરપાલિકા હતી. ત્યારે પણ 13 વોર્ડ જ હતા. સરકાર સમક્ષની દરખાસ્તમાં પણ 13 વોર્ડની ઓફિસ માટેનું કર્મચારીઓનું મહેકમ દર્શાવવામાં આવ્યું છે. ઝોનલ કચેરીની દરખાસ્ત મુજબ તેનું પણ માળખું નક્કી કરવામાં આવ્યું છે. જેમાં પણ વહીવટી શાખા, હિસાબી શાખા, વેરા વિભાગ, સેનિટેશન સિવિલ, ઇજનેર-બ્યુટીફિકેશન, આરોગ્ય,એસ્ટેટ, ફાયર, ગાર્ડન સહિતની 11 વિભાગ હશે અને તેમાં અંદાજીત 223 જેટલા કર્મચારીઓના સ્ટાફની ભરતી કરવામાં આવશે.
- ગાંધીધામ મહાનગરપાલિકાના 13 વોર્ડની કચેરીનું માળખું
- વોર્ડ ઓફિસર: 1
- નાયબ કાર્યપાલક ઇજનેર: 1
- ડ્રેનેજ અધિક મદદનીશ ઇજનેર: 1
- સિવિલ અધિક મદદનીશ ઇજનેર: 1
- ટેક્સ ઇન્સપેકટર: 2
- ટેક્સ સર્વેયર: 1
- હેડ ક્લાર્ક: 1
- સેનેટરી સબ ઇન્સપેકટર: 2
- વર્ક આસિસટન્ટ: 1
- કલાર્ક: 2
- પટાવાળા: 1
કાયમી અધિકારીઓની ભરતી કરાશે: ગાંધીધામ મહાનગરપાલિકામાં નિર્માણ સંબંધિત 8 જેટલી જગ્યાઓ છે. જેમાં 2 નાયબ મ્યુનિસિપલ કમિશનર,1 સિટી ઇજનેર સિવિલ, 1 મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ, 2 મદદનીશ મ્યુનિસિપલ કમિશનર, 1ક ચીફ ઓડિટર અને 1 મ્યુનિસિપલ સેક્રેટરીની જગ્યા છે. જેમાં વર્તમાન સમયમાં મોટાભાગના અધિકારીઓ ચાર્જ ઉપર છે. જેવી સરકારમાંથી મંજૂરી મળશે. તેમ આ જગ્યાઓ પર પણ કાયમી અધિકારીઓની ભરતી કરવામાં આવશે.
વર્ગ 4માં 72 જેટલા ફાયરમેનની ભરતી: આ ઉપરાંત ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા આપાતકાલીન પરિસ્થિતિઓને પહોંચી વળવા માટે ફાયર વિભાગને વધુ સક્ષમ બનાવવાના ભાગરૂપે 72 જેટલા ફાયરમેનની વર્ગ-4માં ભરતી કરવામાં આવશે.આ ઉપરાંત 30 જેટલા સિક્યુરિટી ગાર્ડ, 20 જેટલા લેબર, 100 જેટલા પટ્ટાવાળા અને 24 જેટલા મુકાદમની પણ વર્ગ-4માં ભરતી કરવામાં આવશે. આગામી સમયમાં ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા પોતાની વેબસાઇટ પર મહેકમ અને ભરતીની વધુ વિગતો જાહેર કરવામાં આવશે.
આ પણ વાંચો: