વલસાડ: ડાંગ અને વલસાડ લોકસભા બેઠકો પર કુલ સાત ઉમેદવાર ચૂંટણી મેદાનમાં છે. જ્યારે 7 મેના રોજ યોજાયેલી ચૂંટણીમાં વલસાડની 5 વિધાનસભા બેઠકો તેમજ ડાંગ જિલ્લામાં વાંસદા અને ડાંગ મળી કુલ સાત વિધાનસભા બેઠકો ઉપર 72.71% જેટલું મતદાન નોંધાયું હતું, જેનું પરિણામ ચાર તારીખે સવારે આઠ વાગ્યાથી મત ગણતરી શરૂ થશે.
લોકોના કરેલા કામો જ વિજેતા બનાવશે: કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલના જણાવ્યા અનુસાર નર્મદા તાપી રીવર લિંક હોય, એક્સપ્રેસ હાઈવેનો મુદ્દો હોય કે ડ્રાઇવરો માટે બહાર પાડવામાં આવેલા નવા કાયદાનો વિરોધ હોય આ તમામ સમયે તેમણે લોકો વચ્ચે જઈને લોકોની સાથે રહી લોકોની મુશ્કેલીમાં સાથ આપ્યો છે. ત્યારે ચૂંટણી સમયે લોકો પણ તેમનો સહયોગ કર્યો જ હશે જેને જોતા તેમને પોતાની જીતનો દાવો કર્યો છે. આ સાથે જામને જણાવીએ કે, સૌથી વધુ મતદાન ધરમપુર અને કપરાડા જેવા ક્ષેત્રમાં થયું છે. જેને જોતા તેમને ચોક્કસ ખાતરી છે કે, વિજય નિશ્ચિત છે.
મોદી મેજિક અને મોદીનો વિશ્વાસ જીત અપાવશે: વલસાડ ડાંગ બેઠકો પર ઉભેલા ભાજપના ઉમેદવાર ધવલ પટેલે આગળ જણાવ્યું કે, મોદી સાહેબનો મેજીક અને વિશ્વાસ લોકોમાં અતૂટ છે. આપેલા વચનો તેમણે પાળ્યા છે, સાથે-સાથે વિવિધ યોજનાઓનો સીધે સીધો લાભ સામાન્ય જનતાને મળે તે માટેની યોજનાઓ અમલમાં મૂકી છે. ખેડૂતોને ખેડૂત સન્માન નિધિ યોજના હોય, વિધવા બહેનો માટે વિધવા સહાય યોજના હોય આવી તમામ પ્રકારની યોજનાઓ સામાન્ય જનતા સુધી પહોંચી છે. જેને જોતા મોદી સાહેબનો મેજિક ચાલશે અને વિજય નિશ્ચિત છે એવું તેમણે કહ્યું છે. આ ઉપરાંત વધુમાં જણાવતા તેઓએ જણાવ્યું કે, ભાજપની કાર્યકરોની કામગીરી અને માઈક્રો પ્લાનિંગને લઈને તેમનો વિજય નિશ્ચિત છે.
72.71% મતદાન નોંધાયું છે જે સૌથી વધુ: ગુજરાતમાં સૌથી વધુ મતદાન વલસાડ, ડાંગ લોકસભા બેઠક ઉપર નોંધાયું છે. જેમાં મુખ્યત્વે ડાંગ અને કપરાડામાં સૌથી વધારે મતદાન નોંધાયું છે. કપરાડા અને ધરમપુર તેમજ ડાંગ જેવો વિસ્તાર આદિવાસી સમાજનો બહુલક વિસ્તાર છે, આથી સૌથી વધુ મતદાન થયું અને જે કોઈ પક્ષ તરફ થયું હોય તેને સીધો ફાયદો થશે એટલે કે અંતરિયાળ વિસ્તારમાં થયેલું મતદાન કોઈપણ પક્ષને સીધો ફાયદો કરાવી શકે તેમ છે. જેથી ચાર તારીખે ઇવીએમની પેટી ખુલ્યા બાદ જ હકીકત બહાર આવશે.
ચોક્કસ વિજય મળશે: આમ વલસાડ ડાંગ લોકસભા બેઠક ઉપર ભાજપે ઐતિહાસિક જીતનો દાવો કર્યો છે. જ્યારે કોંગ્રેસના ઉમેદવારે લોકો વચ્ચે જઈને કરેલી કામગીરીને લઈ લોકો તેમને સહયોગ કરશે, જેથી તેમને ચોક્કસ વિજય મળશે તેવું જણાવ્યું છે.