અમદાવાદ: BZ ગ્રુપ કૌભાંડનો આરોપી ભુપેન્દ્રસિંહ ઝાલા ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. આરોપી ભુપેન્દ્રસિંહ ઝાલાએ જામીન માટે કોર્ટના દરવાજા ખટખટાવ્યા છે. ભુપેન્દ્રસિંહ ઝાલાએ પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજની કોર્ટમાં જામીન માટે અરજી દાખલ કરી છે. આ જામીન અરજી ભુપેન્દ્રસિંહ ઝાલા તરફથી એડવોકેટ વિરલ આર પંચાલ દ્વારા કરવામાં આવી છે.
ભુપેન્દ્રસિંહ ઝાલાએ રેગ્યુલર જામીન માંગી: BZ કૌભાંડના મુખ્ય આરોપી ભુપેન્દ્રસિંહ ઝાલાએ કોર્ટમાં રેગ્યુલર જામીન માંગી છે. આ અરજીમાં દાદ માંગવામાં આવી છે કે, જે ગુનો અને કલમ લગાવવામાં આવી છે. તે અયોગ્ય છે. અમદાવાદની ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં આ મામલે નિયમિત અરજી દાખલ કરવામાં આવી છે. જામીન અરજી મુદ્દે સેશન્સ કોર્ટમાં સુનવણી હાથ ધરવામાં આવી. પરંતુ આરોપી ભુપેન્દ્રસિંહ ઝાલાના વકીલ કોર્ટમાં હાજર રહ્યા નહોતા, એટલા માટે તેમના દ્વારા તારીખ માંગવામાં આવી. જેને કોર્ટે મંજૂર કરી હતી. હવે કોર્ટ દ્વારા 20 જાન્યુઆરીના રોજ સુનવણી હાથ ધરવામાં આવશે.
6 હજાર કરોડનું કૌભાંડ આચર્યુ: ઉલ્લેખનીય છે કે, હાલ ભુપેન્દ્રસિંહ ઝાલા જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. આ મામલે સરકારી વકીલે માહિતી આપી હતી કે, ભુપેન્દ્રસિંહ ઝાલાએ પોતાના અને પરિવારના નામે કરોડોની સ્થાવર અને જંગમ મિલ્કતો ઉભી કરી છે. જે મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યના લોકોને વધુ વળતર આપવાની લોભામણી લાલચ આપી પોન્ઝી સ્કીમમાં રોકાણ કરાવીને 6 હજાર કરોડનું BZ કૌભાંડ આરોપી ભુપેન્દ્રસિંહ ઝાલાએ કર્યું હતું. તે આરોપી 1 મહિના પછી મહેસાણા જિલ્લામાં એક ફાર્મ હાઉસમાં CID ટીમે આરોપીને ઝડપી પાડ્યો હતો. આરોપી ભુપેન્દ્રસિંહ ઝાલાના 7 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા.
આરોપી જેલના સળિયા પાછળ: આરોપીના રિમાન્ડ પૂર્ણ થતા તેને અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચે કોર્ટમાં આગળની તપાસ માટે 6 દિવસના રિમાન્ડની માંગ કરી હતી. પરંતુ કોર્ટ દ્વારા આરોપીની 3 દિવસની રિમાન્ડ મંજૂર કરાઈ હતી. ગયા અઠવાડિયે ભુપેન્દ્રસિંહ ઝાલાની વધુ રિમાન્ડ ન માંગતા કોર્ટે જ્યુડિશિયલ કસ્ટડીનો હુકમ કર્યો હતો. હાલ આરોપી જેલના સળિયા પાછળ છે.
આ પણ વાંચો: