કચ્છ : સરહદી વિસ્તાર કચ્છની દરિયાઈ સીમામાંથી ફરી ચરસના પેકેટો મળી આવ્યા છે. આજે મોડી સાંજે જખૌના દરિયાઈ વિસ્તારમાંથી BSF ના જવાનોને ચરસના 20 પેકેટ મળી આવ્યા છે. જેની બજારમાં કિંમત રુ. 10 કરોડ જેટલી આંકવામાં આવી રહી છે.
ચરસના 20 પેકેટ મળ્યા : BSF જવાનોએ જખૌના દરિયાઈ વિસ્તારમાંથી પેટ્રોલિંગ દરમિયાન ફરી ચરસના પેકેટો મળી આવ્યા છે. આ 20 જેટલા ચરસના પેકેટની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત રુ. 10 કરોડ જેટલી આંકવામાં આવી રહી છે. છેલ્લા 14 દિવસમાં જખૌ વિસ્તારમાંથી BSF પેટ્રોલિંગ ટીમને 170થી પણ વધુ ડ્રગ્સના પેકેટ મળી આવ્યા છે. હજુ પણ BSF અને વિવિધ સુરક્ષા એજન્સીઓ દ્વારા હાથ ધરવામાં આવેલું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.
સુરક્ષા દળોનું સર્ચ ઓપરેશન : BSF દ્વારા અન્ય સુરક્ષા એજન્સીઓ સાથે મળીને દરિયાકાંઠે આવેલા અલગ-અલગ ટાપુઓ અને ખાડી વિસ્તારની સઘન તપાસ કરવામાં આવી રહી છે. BSFના જવાનો દ્વારા દરિયાકાંઠાના વિસ્તાર અને ખાડી વિસ્તારમાં છેલ્લા બે અઠવાડિયાથી સતત સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે. હજુ પણ વધુ માત્રામાં ડ્રગ્સના પેકેટ મળી આવવાની સંભાવના BSF દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
પેડલરોની પસંદ કચ્છ શા માટે ? કચ્છની દરિયાઈ સીમા વિસ્તારમાં પાણીનો પ્રવાહ વધુ હોવાથી ડ્રગ્સ પેડલર દ્વારા ફેંકી દેવાયેલ ડ્રગ્સના પેકેટ દરિયાના મોજામાં તણાઈ આવીને કચ્છની દરિયાઈ સીમામાંથી મળી આવે છે. સ્ટેટ IB, મરીન કમાન્ડો, સ્થાનિક પોલીસ અને BSF ટીમ દ્વારા કચ્છની વિવિધ દરિયાઈ સીમા પર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યા છે.