દમણ : સંઘ પ્રદેશ દમણમાં ભાજપના નેતાની તેના જ ભાઈએ કરપીણ હત્યા કરી નાખતા ચકચાર મચી ગઇ છે. ઘટના બાદ દમણ પોલીસે આરોપી ભાઈની ધરપકડ કરી છે. મિલકતના ઝઘડામાં આ હત્યા કરી હોવાની તેમણે કબૂલાત કરી છે. દમણની બોરાજીવ શેરીમાં રહેતો વિક્કી કાશી લોકસભા ચૂંટણી પહેલા ભાજપમાં જોડાયો હતો. દમણ માછી સમાજનો તે યુવા નેતા હતો. દમણ ભાજપ નેતા વિક્કી કાશીની હત્યા તેમના જ ભાઈ અશોક કાશીએ લોખંડના કોયતા વડે હત્યા કરી નાખી હતી.
ઘટના સ્થળે જ મોત : મળતી માહિતી મુજબ દમણની બોરાજીવ શેરીમાં રહેતા બે સગા ભાઈઓ વિક્કી કાશી અને અશોક કાશી વચ્ચે લાંબા સમયથી જમીન મિલકત સંબંધે વિવાદ ચાલી રહ્યો હતો. જેમાં વિક્કી કાશીના ભાઈ અશોક કાશીએ લોખંડના કોયતા વડે વિક્કી પર હિચકારો હુમલો કરતા વિક્કીનું ઘટના સ્થળે જ પ્રાણપખેરું ઉડી ગયું હતું,
પોલીસે સીસીટીવી મેળવ્યાં : ઘટનાને પગલે બૂમાબૂમ થતા પરિવારના સભ્યો અને પાડોશીઓ વિક્કીની મદદે દોડી આવ્યા હતાં. ઘટના અંગે પરિવારના સભ્યો અને સ્થાનિક અગ્રણીઓએ નાની દમણ પોલીસને જાણ કરતા દમણ પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી લાશનો કબજો મેળવ્યો હતો. તેમજ પરિવારના સભ્યોનાં નિવેદન નોંધી ઘટના સ્થળની આજુબાજુના CCTV ફૂટેજ મેળવી આગળની તપાસ હાથ ધરી છે.
ભાજપે પ્રદેશ ઉપપ્રમુખ બનાવ્યાં હતાં : વિકી કાશી પર તેમના જ સગા ભાઈએ હુમલો કર્યો હોવાની પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે વિક્કી કાશીના ભાઈ અશોક કાશીની અટકાયત કરી આગળ તપાસ હાથ ધરી છે. નાની દમણ તીન બત્તી પાસે બોરાજીવા શેરીમાં રહેતા વિક્કી કાશી કે જેઓ હજી બે મહિના પહેલા જ પોતાના સમર્થકો સાથે ભાજપમાં જોડાયા હતા, ભાજપે તેમને પ્રદેશ ઉપપ્રમુખ તરીકેનું પદ પણ આપ્યું હતુ.
હત્યારો ભાઇ ત્રણ દિવસ પહેલા જ લંડનથી દમણ આવ્યો : હત્યારો અશોક કાશી પણ ભાજપના સિમ્બોલ પર DMCની ચૂંટણી લડીને કાઉન્સિલર પદે પણ રહી ચુક્યો છે, બંને ભાઈઓ વચ્ચે ઘણા લાંબા સમયથી જમીન મિલ્કતનો વિવાદ ચાલતો હતો. જે સંદર્ભે અશોક કાશી ત્રણ દિવસ પહેલા જ લંડનથી દમણ આવ્યો હતો. જમીન વિવાદમાં અશોકે નાના ભાઈની હત્યા કરી નાખી હતી, ભાજપ નેતાની તેના જ ભાઈ દ્વારા કરપીણ હત્યા થતા સમગ્ર પંથકમાં ભારે શોકની લાગણી સાથે અરેરાટી વ્યાપી ગઈ હતી. હાલ દમણ પોલીસે હત્યારા ભાઇ અશોક કાશીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.