મોરબી: મોરબી-લીલાપર રોડ ઉપર કાળીપાટ પાસેના રામદેવપીર મંદિર નજીક આવેલ પુલ આજે તૂટી પડ્યો છે. પુલનો વચ્ચેનો ભાગ તૂટીને નીચે બેસી ગયો છે. જો કે સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. આ મામલે એ ડિવિઝન પીઆઇ એચ.એ. જાડેજાએ કહ્યું કે, આ અંગે જાણ થતાં તરત રસ્તો બંધ કરાવી દેવામાં આવ્યો છે. ઉપરાંત ત્યાં બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે.
પુલ આજે અચાનક બેસી ગયો: મોરબી જીલ્લામાં ભારે વરસાદ બાદ આખરે મેઘરાજાએ વિરામ લીધો છે. ત્યારે તંત્ર તૂટેલા રોડ રસ્તા સહિતની કામગીરીમાં લાગ્યું છે અને હજુ તો તૂટેલા રોડ રસ્તા રીપેર થયા નથી ત્યારે શહેરના લીલાપર રોડ પર આવેલ પુલ બેસી ગયો હતો. મોરબી શહેરથી લીલાપર ગામ જવાના રોડ પર આવતો પુલ આજે અચાનક બેસી ગયો હતો. પુલ ધરાશાયી થઈને બેસી જતા વાહન વ્યવહાર ઠપ્પ થવા પામ્યો છે. જેથી હવે વાહનચાલકોને લીલાપર જવા માટે રવાપર ચોકડીનો રાઉન્ડ લગાવી લીલાપર ગામ જવું પડે તેવી સ્થિતિ થઈ છે. પુલ અચાનક બેસી જતા અનેક ચર્ચા પણ જોવા મળી હતી. જોકે સદનસીબે કોઈ જાનહાની થઈ નથી, ત્યારે હવે તૂટેલા પુલને તંત્ર કેટલા સમયમાં રીપેર કરે છે તે જોવું રહ્યું છે.
પુલ અંગે લીલાપર ગામના પૂર્વ સરપંચ મુકેશભાઈ સેરશીયા જણાવ્યું હતું કે, 'આ પુલ લગભગ 40 વર્ષ જુનો છે. આ પુલ પર વધારે રીક્ષા ચાલકો અને નગરપાલીકાની સીટી બસો ચાલતી, પણ આ પુલ તૂટવાથી તે વાહનચાલકોને મુશ્કેલી પડશે, પરંતુ સારી બાબત એ છે કે આ પુલ તૂટયો ત્યારે ત્યાંથી કોઈ વાહન પસાર થતું ન હતું અને જીલ્લા પંચાયત અધિકારીઓને જાણ કરી દેવામાં આવી છે.'
આ અંગે જીલ્લા પંચાયત માર્ગ મકાન વિભાગના ઇન્ચાર્જ અધિકારી સોલંકી જણાવ્યું હતું કે, 'બ્રીજ તુટ્યો છે હાલ તે બ્રીજ બંધ રાખવામાં આવશે. જોકે ઘટના સ્થળે ટીમે પોહચી પ્રાથમિક નિરીક્ષણ કર્યું છે. આગામી દિવસોમાં ત્યાં નવો બ્રીજ બનાવમાં આવશે.'
આ પણ વાંચો: