અમદાવાદ: બસમાં દિવ્યાંગો માટે આરક્ષિત સીટ રાખવામાં આવતી હોય છે. જ્યાં સીટ પર ગુજરાતી અથવા અંગ્રેજીમાં તે આરક્ષિત સીટ હોવાના લખાણ કલરથી લખવામાં આવતા હોય છે. પરંતુ તેને દિવ્યાંગ જન વાંચી શકતા નથી. ત્યારે આ સમસ્યાનો હલ લાવતા બ્રેઈલ લિપિમાં લખેલા દિવ્યાંગો માટેની આરક્ષિત સીટના સ્ટીકર હાલ વસ્ત્રાપુર અંધજન મંડળના બ્રેઈલ પ્રેસ દ્વારા બનાવવામાં આવી રહ્યા છે જે ટૂંક સમયની અંદર ST બસોમાં લગાવવામાં આવશે. જેથી દિવ્યાંગ જન પોતાની સીટ આસાનીથી પારખી શકશે. જેથી તેમને ટ્રાવેલિંગ કરવામાં સરળતા રહેશે.
![આરક્ષિત સીટના સ્ટીકર હાલ વસ્ત્રાપુર અંધજન મંડળના બ્રેઈલ પ્રેસ દ્વારા બનાવાય છે](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/07-06-2024/gj-ahd-01-st-divyang-sticker-avb-kajal_07062024072702_0706f_1717725422_130.jpg)
બ્રેઇલ પ્રેસ 1968થી કામ કરી રહ્યું છે: બ્રેઈલ પ્રેસ લગભગ 1968 થી કામ કરી રહ્યું છે. જ્યાં ધોરણ 1 થી લઈને 12 સુધીના બ્રેઈલ લિપિમાં પુસ્તકો બનાવી રહ્યા છે. આ સિવાય તેઓ મેગેઝિન અને અન્ય બ્રેઈલ લિપિને લગતા કામો કરી રહ્યા છે. બ્રેઈલ પ્રેસ દિવ્યાંગ કલ્યાણ ક્ષેત્રે કાર્યરત ગ્રાન્ટ ઇન એઇડ સંસ્થા છે.
![બ્રેઈલ લિપિ સ્ટીકરની મદદથી દિવ્યાંગ જન પોતાની સીટ આસાનીથી પારખી શકશે](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/07-06-2024/gj-ahd-01-st-divyang-sticker-avb-kajal_07062024072702_0706f_1717725422_984.jpg)
બ્રેઈલ પ્રેસ દ્વારા હાલમાં જ એક હોટેલ માટે બ્રેઈલ લિપિમાં મેનુ કાર્ડ પણ બનાવવામાં આવ્યા છે. જેના થકી હવે દિવ્યાંગ જન જાતે જ પોતાનો ઓર્ડર આપી શકશે. તેમને હવે ઓર્ડર આપવા માટે બીજા પર આધાર રાખવો નહી પડે.