સોમનાથ: સોમનાથ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના જવાનો પર ગઈકાલે રાત્રિના સમયે કોડીનાર નજીક જંગલેશ્વર વાડી વિસ્તારમાં બુટલેગર અને તેના માણસો દ્વારા હિચકારો હુમલો કરાતા ઘાયલ પોલીસ કર્મચારી મયંકસિંહ દ્વારા પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. એસોજીને મળેલી પૂર્વ બાતમીને આધારે જંગલેશ્વર વિસ્તારમાં રહેતો કુખ્યાત બુટલેગર સંજય ચૌહાણ તેના કબજા હેઠળના વાડીમાં આવેલ મકાનમાં ગેરકાયદેસર હથિયાર છુપાવ્યું છે તેની તપાસ કરવા જતા ઘટના બનવા પામી હતી.
ગેરકાયદેસર છુપાવેલા હથિયારની તપાસ કરવા એસોજીના જવાનો પહોંચ્યા હતા. સંજય ચૌહાણ સહિત અન્ય નવ લોકોએ પોલીસ કર્મચારી પર હીચકારો હુમલો કર્યો હતો હુમલામાં બંને પોલીસ જવાનોને નાની મોટી ઇજાઓ થવા પામી છે. ઇજાગ્રસ્ત પોલીસ જવાન દ્વારા કુખ્યાત બુટલેગર સંજય ચૌહાણ અને અન્ય નવ વ્યક્તિઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરાઈ છે.
પોલીસે હાથ ધરી તપાસ
પોલીસ પર હુમલાના કેસમાં હવે સોમનાથ પોલીસ તપાસ કરી રહી છે. મયંકસિંહ અને ગોપાલસિંહ નામના બંને કર્મચારીઓ કુખ્યાત બુટલેગર સંજય ચૌહાણ તેની માલિકીની વાડીમાં આવેલા મકાનમાં હથિયાર છુપાવ્યું છે તેવી પાકી બાતમીને આધારે સર્ચ કરી રહ્યા હતા ત્યારે ચાર મહિલા સહિત મુખ્ય બુટલેગર સંજય ચૌહાણના કેટલાક મળતીયાઓ દ્વારા હુમલો કરાયો હતો. જેમાં બંને પોલીસ કર્મચારીને નાની મોટી ઇજાઓ થઈ હતી. જેના સંદર્ભે કર્મચારી મયંકસિંહની ફરિયાદને આધારે પોલીસે ચાર મહિલા સહિત ત્રણ પુરુષને પકડી પાડ્યા છે. સમગ્ર મામલામાં મુખ્ય આરોપી સંજય ચૌહાણ સહિત અન્ય બે આરોપી ફરાર છે જેને પકડી પાડવા માટે સોમનાથ પોલીસે સમગ્ર જિલ્લામાં સર્ચ હાથ ધર્યું છે.