કચ્છઃ કચ્છના જાણીતા લેખક-સંશોધક સંજયભાઈ ઠાકરના પુસ્તક કચ્છધરાની વિસ્મૃત વિરાસતઃ સેલોર-વાવ સ્થાપત્યને વિશ્વના સૌથી મોટા પુસ્તકાલય લાયબ્રેરી ઓફ કોંગ્રેસમાં સ્થાન મળ્યું છે. જે ગુજરાતના કલાજગત માટે ગૌરવપૂર્ણ બાબત છે. અમેરિકાના વાશિંગ્ટન ડીસીમાં આવેલ આ લાયબ્રેરીમાં 470 ભાષાઓને આવરી લેતાં 17.3 કરોડ જેટલાં પુસ્તકો, હસ્તપ્રતો, રેકોર્ડિંગ અને નકશાઓનો સંગ્રહ કરવામાં આવ્યો છે.
કચ્છના લેખકનું પુસ્તક પહોંચ્યું લાયબ્રેરી ઓફ કોંગ્રેસમાં વિશ્વનું સૌથી મોટું અને નામાંકિત પુસ્તકાલય લાયબ્રેરી ઓફ કોંગ્રેસ કે જે અમેરિકાના વાશિંગ્ટન ડીસીમાં આવેલું છે. લાયબ્રેરી ઓફ કોંગ્રેસ પુસ્તકાલયમાં કચ્છના જાણીતા લેખક, સંશોધક અને ઇતિહાસકાર સંજયભાઈ ઠાકર દ્વારા કચ્છની વાવ પર લિખિત કચ્છધરાની વિસ્મૃત વિરાસત: સેલોર-વાવ સ્થાપત્યને સ્થાન આપવામાં આવ્યું છે. નવેમ્બર 2023માં પ્રસિદ્ધ થયેલા આ પુસ્તકને લાયબ્રેરી ઓફ કોંગ્રેસમાં સ્થાન મળવાથી કચ્છની સાંસ્કૃતિક ધરોહરનું દસ્તાવેજીકરણ વૈશ્વિક સ્તરે પહોંચ્યું છે. સુરતની સંસ્થા દ્વારા દસ્તાવેજીકરણ સુરતની સંસ્થા કલાતીર્થ ટ્રસ્ટ કે જે ભારતીય કલા વારસો અને સાંસ્કૃતિક સંપદાના દસ્તાવેજીકરણ દ્વારા સાતત્યસભર જતન અને સંવર્ધન કરતી અને નિ:શુલ્ક જ્ઞાન વિતરણ કરે છે. આજ સુધી સુરતની સંસ્થા કલાતીર્થ ટ્રસ્ટ દ્વારા 20 કલાગંગોત્રી ગ્રંથો પ્રકાશિત કરવામાં આવ્યા છે જે પૈકી 13 જેટલા ગ્રંથોને અમેરિકા ખાતેની વાશિંગ્ટન ડીસીમાં આવેલી લાયબ્રેરી ઓફ કોંગ્રેસમાં સ્થાન મળ્યું છે.
224 વર્ષ જૂની લાયબ્રેરી ઓફ કોંગ્રેસઃ ઉલ્લેખનીય છે કે 224 વર્ષ અગાઉ એટલે કે વર્ષ 1800માં લાયબ્રેરી ઓફ કોંગ્રેસની સ્થાપના કરવામાં આવી હતી. દુનિયાભરમાં જાણીતી આ લાયબ્રેરી ઓફ કોંગ્રેસમાં વિશ્વની 470 ભાષાઓને આવરી લેતા 17.3 કરોડ જેટલાં પુસ્તકો, હસ્તપ્રતો, રેકોર્ડિંગ અને નકશાઓનો સંગ્રહ કરવામાં આવ્યો છે. લાયબ્રેરી ઓફ કોંગ્રેસમાં 3100 જેટલા કર્મચારીઓ કામ કરી રહ્યા છે.
લેખક અંગે જાણીએઃ 40 વર્ષ જેટલો શિક્ષણ ક્ષેત્રનો અનુભવ ધરાવતા સંજય ઠાકરનો જન્મ 18 જુલાઈ 1965ના રોજ ભુજમાં થયો હતો. તેઓએ એમ. એ., બી.એડ., પી. ટી.સી.નો અભ્યાસ કર્યો છે. તેમની પાસે 40 વર્ષ જેટલો શિક્ષણ ક્ષેત્રનો અનુભવ છે જે પૈકી 25 વર્ષથી તેઓ ભુજ ખાતેના જિલ્લા શિક્ષણ તાલીમ ભવનમાં ટીચર એજ્યુકેટર તરીકે કાર્યરત હતા. તો છેલ્લા બે વર્ષથી ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટના પ્રચાર્ય તરીકે કાર્યરત હતા. હાલમાં જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભુજના સેવાનિવૃત પૂર્વ પ્રાચાર્ય છે.
લિખિત પુસ્તકો: સંજયભાઈ ઠાકર દ્વારા અત્યાર સુધીમાં 10 જેટલા પુસ્તકો પ્રકાશિત કરવામાં આવ્યા છે. જેમાં બે દાયકાની દાસ્તાન, કચ્છની શતાબ્દી પ્રતિભાઓ, કચ્છ સાતદાયકાના 70 સીમાચિહ્ન, કચ્છના દ્વિભાષી સર્જકો, ઝૂમખો, આપણો જીલ્લો કચ્છ, અંકુર, કચ્છનો પ્રાદેશિક સાહિત્ય, પ્રેરણાપુષ્પ, કચ્છનો કેળવણીનો ઇતિહાસ, દુલાર અને કચ્છધરાની વિસ્તૃત વિરાસત: સેલોરવાવ સ્થાપત્ય.
પુરસ્કારો: વર્ષ 1988 માં સંજયભાઈ ઠાકરને ગુજરાત ઇતિહાસ પરિષદનું કેજી થાનકી પારિતોષિક એનાયત કરવામાં આવ્યું હતું. તો સૌરાષ્ટ્ર કચ્છ ઇતિહાસ પરિષદનો પન્નાલાલ પરીખ રોપ્યચંદ્રક પણ એનાયત કરવામાં આવ્યો હતો. વર્ષ 1994 ના સૌરાષ્ટ્ર કચ્છ ઇતિહાસ પરિષદના 11 માં અધિવેશન વખતે તેમનું વિશેષ સન્માન પણ કરવામાં આવ્યું હતું. વર્ષ 1995 માં પ્રથમ ફુલશંકર પટણી સંશોધન એવોર્ડ તેમને એનાયત કરવામાં આવ્યો હતો. વર્ષ 1999માં કચ્છ શક્તિ મુંબઈ સંશોધન એવોર્ડ પણ તેમને મેળવ્યો છે. વર્ષ 2006 માં ચંદ્રકાંત અંજારિયા મેમોરિયલ એવોર્ડ, વર્ષ 2012માં કચ્છ ઉમંગ સામયિકનો કચ્છ ગૌરવ એવોર્ડ, વર્ષ 2015માં ગુરુ ગરીમાં એવોર્ડ, વર્ષ 2022 માં તારામતી વિશનજી ગાલા સાહિત્ય કલા પુરસ્કાર, અતુલ્ય વારસો આઇડેન્ટિટી એવોર્ડ. તો વર્ષ 2023 માં સાંદિપની ગુરુ ગૌરવ એવોર્ડ અને કલા તીર્થ દ્વારા સંસ્કૃતિ સંવર્ધક એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.
મોટા ભાઈનો સાથઃ ખૂણે-ખૂણે ફરી વળી જોવા લાયક સ્થળોનો પરિચય વર્ષ 1992થી 1995ના વર્ષોમાં સંજયભાઈ ઠાકર અને એમના મોટા ભાઈ ભરત 'કુમાર' ઠાકર કામણગારા કચ્છ જિલ્લાના ઐતિહાસિક, પુરાતત્ત્વીય, ધાર્મિક અને આધુનિક પ્રવાસનધામો વિશે સ્થાનિક અખબારમાં 'ભ્રમણભૂમિ કચ્છ' કટાર લખતાં હતા. એ નિમિત્તે, ગુજરાતનો 24 ટકા જેટલો ભૂભાગ ધરાવનાર કચ્છનો વ્યાપક પ્રવાસ બન્ને ભાઈઓએ ખેડયો હતો. ખૂણે-ખૂણે ફરી વળી જોવા લાયક સ્થળોનો પરિચય રજૂ કરતાં હતા. ભૂકંપના અનેક વાવના સાંસ્કૃતિક વારસાને ભારે ઇજા કચ્છમાં ઠેર ઠેર પથરાયેલી સેલોર- વાવ સતત ધ્યાન ખેંચતી હતી. સ્થાપત્યકલા અને સખાવતની સાક્ષી એવી સૈકાઓ જૂની સેલોર-વાવની સ્થિતિ સારી નહોતી, તેની સંભાળ પણ લેવાતી નહોતી. એમાંયે 26 જાન્યુઆરી 2001ના કચ્છ-ગુજરાતના ભયાનક ભૂકંપે સેલોર- વાવના સાંસ્કૃતિક વારસાને ભારે ઇજા પહોંચાડી હતી. વાવ સાથે અનેક કડીબદ્ધ કથાઓ છેલ્લા 10 વર્ષથી સેલોર- વાવ વિશે ક્ષેત્રિયકાર્ય, સંદર્ભ ગ્રંથોનો અભ્યાસ, માહિતી એકત્રીકરણ અને જાત મુલાકાતનો સિલસિલો તેમણે શરૂ કર્યો હતો. જેમ જેમ તેમણે જુદી જુદી સેલોરની મુલાકાતોમાં આગળ વધતા ગયા તેમ તેમ અનેક નવી બાબતો તેમને જાણવા મળી, સેલોર-વાવના નિર્માણ પછવાડેની રોમાંચક કથાઓ પણ તેમને જાણવા મળી. દાન-પુણ્યની પ્રથમ પસંદગી અને પૂર્વજોની સમજણ પર ગૌરવની લાગણી બળવત્તર બની, પરંપરાગત જળસ્રોતના સ્થાનો અને તેના ઉપયોગની કડીબદ્ધ કથાઓની વિગતો નોંધવા લાગ્યા.
સ્ટેપ વેલને કચ્છમાં સેલોર શબ્દની વિશિષ્ટ ઓળખઃ સંજયભાઈએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં જેને વાવ એટલે કે સ્ટેપ વેલ, પગથિયાંવાળો કૂવો કહેવામાં આવે છે તેને કચ્છમાં સેલોર શબ્દની વિશિષ્ટ ઓળખ મળી છે. તે શબ્દની ભાળ કાઢવા પણ તેમણે અભ્યાસ કર્યો હતો. ગુજરાત રાજયની વાવ વિરાસત વિશે લખાયેલાં થોડાં પુસ્તકોમાં કચ્છનો અછડતો ઉલ્લેખ જ જોવા મળે છે, તેથી તેમને થયું કે, રણ વિસ્તારથી વિંટળાયેલા કચ્છના સુકા ગણાતાં વિસ્તારમાં તો સેલોરની મહત્તા કંઈ ઓર જ છે અને તેથી જ તે રાજમાર્ગ, ગાડાંવાટ, ધાર્મિક સ્થાનકો, તળાવો અને કવચિત ખાનગી વાડી, બંગલામાં જોવા મળે છે.
સેલોર-વાવ અનેક માટે આશીર્વાદરૂપ હતીઃ કચ્છમાં પાટણની રાણકીની વાવ કે અડાલજની રૂડીબાઈની વાવ જેટલી વિશાળ અને ભરચક શિલ્પ મંડિત વાવ ભલે નથી પણ જે છે તે તત્કાલીન સમાજના દાનધર્મ, શિલ્પ સૌંદર્ય, ઉપયોગી જલથાનક અને વાસ્તુ વૈભવ દર્શાવતી તો છે જ. આ સેલોર-વાવ વટેમાર્ગુઓ, રાહદારીઓ, વેપારી પોઠો અને પશુ- પક્ષીઓ માટે આશીર્વાદરૂપ બની રહી હતી.
દરેક સેલોરની સ્થતિ જુદી જુદીઃ સંજયભાઈ ઠાકરે અનેક સ્થાનિક બુઝુર્ગોની મુલાકાત લીધી હતી તો અનેક સ્થાનિક લોકોએ ખૂટતી માહિતી પૂરી પાડી હતી. કચ્છની કેટલીક સેલોર જિર્ણશિર્ણ હાલતમાં પોતાના ભવ્ય ભૂતકાળને સ્મરતી ઊભી છે, કેટલીક દટાઈ ગઈ છે, કેટલીકના ફક્ત અવશેષો જ જોવા મળે છે તો કેટલીક અડીખમ ઊભી છે, થોડીક જલસભર છે અને લોકોને મીઠું પાણી પણ આ વાવમાંથી મળી રહ્યું છે.
200 જેટલી સેલોર-વાવની ભાળ કચ્છમાં મળીઃ સંજયભાઈ ઠાકરના અભ્યાસ દરમિયાન લગભગ 200 જેટલી સેલોર-વાવની ભાળ કચ્છમાં મળી છે. આ ધરોહરનો સમાજને પરિચય કરાવવા, તેનો યોગ્ય રખરખાવ કરવા અને દસ્તાવેજીકરણના હેતુથી શકય એટલી બધી જ સેલોરનો પરિચય તેમણે આલેખ્યો છે. આવરી ન શકાયેલી અને પુરી દેવાયેલી સેલોરની સંખ્યાને ગણતરીમાં લઈએ તો એ બસોથીયે વધી જાય એમ છે.
કચ્છની સેલોર-વાવનો કલાવારસો સાચવવા અપીલઃ સંજયભાઈએ જણાવ્યું હતું કે, કચ્છની કલાસંસ્કૃતિ અને ઈતિહાસ તેમના લેખનનો મુખ્ય વિષય રહ્યા છે. તેમના દ્વારા 6 લિખિત અને 5 સંપાદિત પુસ્તકો પ્રગટ થયાં છે તે મહદ્અંશે કચ્છ વિષયક છે. આ પુસ્તક કલાતીર્થ ટ્રસ્ટ, સુરત જેવી પ્રતિષ્ઠિત સંસ્થા દ્વારા કલાગંગોત્રી ગ્રંથરૂપે પ્રકાશિત કરવામાં આવ્યું છે જે આનંદ અને ગૌરવની લાગણી જન્માવે છે. કચ્છની સેલોર-વાવનો કલાવારસો અને ધરોહરના જતન માટે કચ્છના દરેક લોકો પ્રયત્નશીલ બને તેવી અપીલ પણ તેમણે કરી હતી.