જૂનાગઢ: દર છ વર્ષે એક વખત ભાજપ દ્વારા રાષ્ટ્રીય સદસ્યતા અભિયાનની શરૂઆત કરવામાં આવતી હોય છે. તે અંતર્ગત સપ્ટેમ્બર મહિનામાં બીજી તારીખે રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને વડાપ્રધાન મોદીએ ભાજપના પ્રાથમિક સદસ્ય તરીકે અભિયાનની શરૂઆત કરાવી હતી. 2 જી તારીખે રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલે ભાજપની સદસ્યતા ગ્રહણ કરીને ગુજરાતમાં ભાજપના સદસ્યતા અભિયાનની શરૂઆત કરાવી હતી ત્યારે આજે જુનાગઢ શહેર ભાજપ કાર્યાલય ખાતે સાંસદ રાજેશ ચુડાસમા સહિત જૂનાગઢ માંગરોળ કેશોદ અને માણાવદરના ધારાસભ્યની હાજરીમાં ભાજપના સદસ્યતા અભિયાનની શરૂઆત કરાવી હતી.
ઉપસ્થિત સાંસદ સહિત જીલ્લાના ધારાસભ્યો પૂર્વ મેયર પૂર્વ ધારાસભ્યો અને ભાજપમાં વર્ષોથી જોડાયેલા કાર્યકરોએ ફરી એક વખત ભાજપના સદસ્ય તરીકે તેમની નોંધણી કરાવીને સદસ્યતા અભિયાનની શરૂઆત કરાવી છે. ભાજપનું સદસ્યતા અભિયાન ઓનલાઈન માધ્યમથી પણ ચાલી રહ્યું છે. જેમાં પણ પક્ષના કાર્યકરો જોડાઈને ભાજપની સદસ્યતા ગ્રહણ કરી શકે છે.
દર છ વર્ષે એક વખત થાય છે અભિયાન: દર છ વર્ષે ભાજપ દ્વારા એક વખત સદસ્યતા નોંધણી અભિયાન રાષ્ટ્રીય સ્તરે શરૂ કરવામાં આવે છે જેમાં પક્ષમાં જોડાયેલા તમામ સદસ્યો ફરી એક વખત પક્ષમાં જોડાઈને ભાજપની સદસ્યતા પ્રાપ્ત કરે છે. આ વર્ષે સદસ્યતા અભિયાનમાં પક્ષનો કાર્યકર તેમના થકી 100 વ્યક્તિને પક્ષની સદસ્યતા અપાવે તેવા તમામ સદસ્યો આગામી સામાન્ય ચૂંટણીઓ માટે પક્ષના ઉમેદવાર તરીકે ટિકિટ માગવાનો અધિકારી બને છે. જે સભ્યોએ 100 કરતાં ઓછા સભ્યો સદસ્યતા અભિયાન દરમિયાન ભાજપમાં જોડયા હશે તે પક્ષનો કાર્યકર આગામી સામાન્ય ચૂંટણીઓ માટે પક્ષના ઉમેદવાર બનવા માટે ટિકિટની માંગણી કરી શકતો નથી જેને લઈને પણ ભાજપનું આ સદસ્યતા અભિયાન ચૂંટણી લડવા માંગતા ઉમેદવારો માટે પણ મહત્વનુ બને છે. આગામી સમયમાં સ્થાનિક સ્વરાજની સાથે જૂનાગઢ જિલ્લાની વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી તેમજ જૂનાગઢ કોર્પોરેશનની સામાન્ય ચૂંટણીઓ આવી રહી છે તેમાં પણ આ સદસ્યતા નોંધણી અભિયાન ટિકિટ વાચ્છુ સંભવિત ઉમેદવારો માટે મહત્વનુ બની શકે છે.
આ પણ વાંચો: