ગાંધીનગર : રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા વિરુદ્ધ રાજકોટ કોર્ટમાં બદનક્ષીની ફરિયાદ થઈ છે. લાઠી સ્ટેટના રાજવી પરિવારના વંશજો આદિત્યસિંહ વીરેન્દ્રસિંહ ગોહિલે IPC કલમ 499 અને 500 મુજબ વકીલ મારફત કરી કોર્ટમાં ફરિયાદ કરી છે. કોંગ્રેસ નેતા અને લાઠી સ્ટેટનાં રાજવી પરિવારના વંશજ આદિત્યસિંહ ગોહિલે રાજકોટ કોર્ટમાં ધસી જઈને પરશોત્તમ રૂપાલા સામે જાહેરસભામાં મત મેળવવાની લાલચે ક્ષત્રિય સમાજને નીચા દેખાડવા તેવો વિડીયો વાયરલ થયો છે તે અંગે આઈ.પી.સી.499,500 હેઠળ ફરિયાદ કરી છે.
ક્ષત્રિયોનું મહાસંમેલન : પરશોત્તમ રૂપાલા સામેના રોષને વાચા આપવા ત્રણ-ચાર દિવસ બાદ રાજકોટમાં ક્ષત્રિયોનું મહાસંમેલન યોજવા પણ જાહેર કરાયું છે. પરસોતમ રૂપાલા એ પણ ચૂંટણી પ્રચાર દરમિયાન કોઈ અજુગતી ઘટના ન બને તે માટે પોલીસ પ્લોટેકશન માગ્યું છે. આગામી દિવસોમાં આ વિવાદ વધુ વકરે તેવી સંભાવના છે. પરસોતમ રૂપાલાએ ક્યાંકને ક્યાંક ક્ષત્રિયોના વિરોધનો સામનો કરવો પડે તેવી શક્યતા છે.
ભાજપના ક્ષત્રિય આગેવાનો મૌન : સમગ્ર વિવાદમાં ક્ષત્રિય સમાજમાં ખૂબ જ રોષ છે. ભારતીય જનતા પાર્ટીમાં પણ અનેક ક્ષત્રિય આગેવાનો કાર્યરત છે. ક્ષત્રિય સમાજમાંથી અનેક ધારાસભ્ય ચૂંટણી જીત્યા છે. ક્ષત્રિય સમાજના ભાજપના આગેવાનોને હાલત ખરાબ થઈ છે. તેઓ અસમંજસમાં મુકાણા છે કે પક્ષ તરફ રહેવું કે સમાજ તરફ. હાલમાં ભૂપેન્દ્ર પટેલ સરકારમાં બળવંતસિંહ રાજપુત કેબિનેટ મંત્રી છે. જયરાજસિંહ જાડેજાના પત્ની ગીતાબા જાડેજા ગોંડલથી ધારાસભ્ય છે. વાઘોડિયાના પૂર્વ અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા તાજેતરમાં જ ભાજપમાં જોડાયા છે. ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને સુરેન્દ્રનગરના કિરીટસિંહ રાણા પણ ભાજપના જુના ક્ષત્રિય આગેવાન છે. જામનગર જિલ્લાના પૂર્વ ધારાસભ્ય હકુભા જાડેજા, કચ્છના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા પણ ક્ષત્રિય સમાજમાંથી આવે છે. આ બધા ક્ષત્રિય આગેવાનો તરફથી હજી સુધી કોઈ પણ નિવેદન આવ્યું નથી.
ક્ષત્રિય સમાજનો રોષ યથાવત : પરશોત્તમ રૂપાલાએ માફી માગી હોવા છતાં અભદ્ર ટીપ્પણી મામલે ક્ષત્રિય સમાજનો રોષ યથાવત છે. રાજ્યમાં રૂપાલા સામે ભારો રોષ દિવસેને દિવસે વધી રહ્યો છે. આદિત્યસિંહ ગોહિલે રાજકોટ જિલ્લામાં કોર્ટમાં રૂપાલા સામે બદનક્ષીનો દાવો કરતા મામલો વધુ ગરમાયો છે. ચૂંટણીમાં ગંભીર પરિણામો ભોગવવા પડશે તેવી ચીીમકી રાજપૂત અગ્રણીઓએ આપી છે. રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ પોતાના ચૂંટણીપ્રચાર દરમિયાન રાજકોટ ખાતે વાલ્મીકિ સમાજના એક સ્નેહમિલન સમારોહમાં સભા સંબોધતી વખતે આપેલા નિવેદન અંગે તાજેતરમાં વીડિયો જાહેર કરીને માફી માગવી પડી હતી. પરંતુ રાજપૂત સમાજમાં રૂપાલાના વિવાદિત નિવેદનને લઇ રોષ હજુ પણ યથાવત છે.
ભાજપ પ્રદેશ અધ્યક્ષેે ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક કરી : પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિય રાજાઓને લઇ આપેલા નિવેદન બાદ ક્ષત્રિય રાજપૂત સમાજ ભારે રોષે ભરાયો છે. ચૂંટણી સમયે ભાજપ નેતાનું નિવેદન ભારે પડી શકે છે જેને લઇને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ પણ આ મુદ્દાને લઇ એક્ટિવ થયા છે. તેઓ રાજકોટ પહોચ્યા હતાં અને વિવાદને લઇ ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક કરી હતી.