સુરત : સુરત 24 લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલે સુરત શહેર બાદ હવે ગ્રામ્ય વિસ્તારમાં ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા છે. ઓલપાડ તાલુકાના સરોલી ગામમાં સુપ્રસિદ્ધ સાંઈબાબાના મંદિરે દર્શન કર્યા બાદ જાહેર સભા સંબોધી હતી.
લોકસભા ચૂંટણી પ્રચાર : લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે. હવે તમામ પક્ષના ઉમેદવાર પોત પોતાના વિસ્તારમાં ચૂંટણી પ્રચાર પ્રસારમાં વ્યસ્ત થઈ ગયા છે. 24 સુરત લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ પણ શહેરી વિસ્તાર બાદ પોતાના મત વિસ્તાર ઓલપાડ વિધાનસભાના ગ્રામ્ય વિસ્તારમાં આજથી ચૂંટણી પ્રચારની શરૂઆત થઈ છે.
ગ્રામ્ય વિસ્તારમાં ભાજપ ઉમેદવાર : ભાજપ ઉમેદવાર મુકેશ દલાલે ઓલપાડ તાલુકાના સરોલી ગામથી સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં પ્રચારની શરૂઆત કરી છે. સરોલી ગામમાં આવેલા પ્રસિદ્ધ સાંઈબાબા મંદિરે દર્શન કર્યા બાદ સરોલી ગામમાં સભાને સંબોધન કર્યું હતું.
ગામના ચોરા પર બેઠક : મુકેશ દલાલ સાથે ચૂંટણી પ્રચારમાં વર્તમાન સાંસદ દર્શના જરદોશ તેમજ આ વિસ્તારના ધારાસભ્ય અને રાજ્ય પ્રધાન મૂકેશ પટેલ પણ જોડાયા હતા. ઓલપાડના સોસક સહિતના ગામોમાં ચોરા પર બેસી ગ્રામ પંચાયતના સરપંચ સાથે વિકાસના કામોને લઈને ચર્ચા કરી રજૂઆત સાંભળી હતી.
મુકેશ દલાલ : સુરત લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલે જણાવ્યું હતું કે, મારું નામ જાહેર થયાના પ્રથમ દિવસથી જ ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો હતો. આજરોજ ઓલપાડના ગ્રામ્ય વિસ્તારમાં પ્રચાર શરૂ કર્યો છે. ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ઓલપાડ તાલુકામાં 1.50 લાખની લીડ મળશે તેવું અનુમાન છે.