જૂનાગઢઃ ઈન્દોરના મહારાણી અહલ્યાબાઈ હોલકર એક પ્રખર શિવભકત હતા. તેમણે જીવનકાળ દરમિયાન અનેક શિવ મંદિરો બંધાવ્યા હતા. જે પૈકી એક એટલે જૂનું સોમનાથ મંદિર. મંદિરના વિધ્વંશ બાદ પ્રથમ વખત મહારાણી અહલ્યાબાઈ હોલકરે સોમનાથ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું.
પ્રખર શિવભક્તઃ ઈન્દોરના મહારાણી અને પ્રખર શિવભક્ત એવા અહલ્યાબાઈ હોલકરની આજે 299મી જન્મજયંતી છે. અહલ્યાબાઈ હોલકરનો જન્મ 31 મે 1725ના દિવસે થયો હતો. 70 વર્ષની ઉંમરે 13 ઓગષ્ટ 1795ના દિવસે તેમનો સ્વર્ગવાસ થયો હતો. તેમના જીવનકાળ દરમિયાન તેમણે અનેક શિવ મંદિરો સમગ્ર ભારત વર્ષમાં બંધાવ્યા હતા. તેથી જ આજે પણ અહલ્યા બાઈ હોલકર ને પ્રખર શિવભક્ત તરીકે ઓળખવામાં આવે છે.
પ્રેરણાદાયી જીવનઃ ખૂબ જ નાની વયે ઈન્દોરની ગાદી સંભાળ્યા બાદ અહલ્યાબાઈ હોલકરે ખૂબ જ વીરતાનો પરિચય આપ્યો હતો. યુદ્ધના મોરચે સૈનિકોની આગેવાની લઈને યુદ્ધમાં વિજય પણ પ્રાપ્ત કર્યા હતા. અહલ્યાબાઈ હોલકરને પ્રજા વત્સલ રાજવી ગણવામાં આવે છે. રાજ્યના ખજાનાનો ઉપયોગ રાજ્યની પ્રજાના હિતમાં થાય તે માટે તેઓ ખૂબ જ કર્તવ્યશીલ રહેતા હતા. અહલ્યાબાઈ હોલકરની નોંધ જવાહરલાલ નહેરુએ તેમના પુસ્તક 'ડિસ્કવરી ઓફ ઈન્ડિયા'માં કરીને લખ્યું હતું કે, મધ્યયુગના ઈતિહાસમાં માતૃશ્રી અહલ્યાબાઈ એક દંતકથા સમાન છે.
પ્રધાનને સોંપી જવાબદારીઃ વિધર્મીઓ દ્વારા સોમનાથ મંદિર પર અંતિમ ચડાઈ કરવામાં આવી ત્યાર બાદ સોમનાથમાં નવું મંદિર બનાવવાની શરૂઆત 1782માં કરવામાં આવી. આ મંદિરના નિર્માણની તમામ જવાબદારી અહલ્યાબાઈ હોલકરે તેમના પ્રધાન કૃષ્ણજી બાજીને સોંપી હતી. મંદિરનું નિર્માણ પૂર્ણ થાય ત્યાં સુધી તેમને પ્રભાસ પાટણ મોકલ્યા હતા. વિધ્વંશકારીઓએ જે મંદિર પર હુમલો કરીને નષ્ટ કર્યુ હતું તે જગ્યા પર નવું મંદિર બનાવવું શક્ય ન હતું જેથી અહલ્યાબાઈ દ્વારા જે શિવ મંદિર સોમનાથમાં બનાવવામાં આવેલું છે અને જેને જૂના સોમનાથ તરીકે ઓળખવામાં આવે છે તે મુખ્ય સોમનાથ મંદિરથી થોડી દૂર આજે પણ શિવભક્તો માટે આસ્થાનું કેન્દ્ર છે.
6 વર્ષ ચાલ્યું હતું નિર્માણકાર્યઃ મંદિરનું નિર્માણકાર્ય 6 વર્ષ ચાલ્યું હતું. 1788માં જૂના સોમનાથ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી. સોમનાથ મહાદેવના શિવલિંગ જૂના મંદિરમાં નીચે ભુગર્ભમાં સ્થાપિત કરાયા બાદ ઉપર તરફ મહારાણીએ પોતાના નામથી અહલ્યેશ્વર મહાદેવ શિવલિંગની પણ સ્થાપના કરાવી હતી.