અમદાવાદ : ગુજરાત રાજ્યની 26 લોકસભા બેઠક પર ભાજપ અને ઈન્ડિયા ગઠબંધનના (ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના) ઉમેદવારોએ નામાંકન ભર્યા છે. આ 52 ઉમેદવારોનાં એફિડેવિટ ETV Bharat દ્વારા ચકાસ્યા, ત્યારે માલુમ થયું કે આ ઉમેદવારોની કુલ સહિયારી મિલકત મુજબ કેટલા ઉમેદવાર કરોડપતિ છે અને કોણ લખપતિ છે. સંપૂર્ણ વિગત માટે વાંચો ETV Bharat નો એનાલિટિકલ અહેવાલ
- પૂનમબેન માડમ
ગુજરાત લોકસભા ચૂંટણીમાં 26 બેઠકો પર ચૂંટણી લડી રહેલા ઉમેદવારોમાં સૌથી ધનાઢ્ય ઉમેદવાર જો કોઈ હોય તો તે જામનગર બેઠક પર ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી રહેલા સાંસદ પૂનમબેન માડમ છે.
પૂનમબેનની કુલ અસ્ક્યામત અંદાજે 1.48 અબજ (એટલે 147 કરોડ 70 લાખ) રૂપિયા થાય છે. જેમાં પૂનમબેન પાસે અંદાજે 87 કરોડ રૂપિયાની સ્થાવર મિલકત અને જંગમ મિલકત 61 કરોડ રૂપિયા આસપાસ છે. તેમની પાસે અંદાજે રૂપિયા 6 કરોડ રૂપિયાના હીરા-ઝવેરાત અને સોના-ચાંદીના દાગીના છે. પૂનમબેન અને તેમના પતિ પાસે સહિયારી હાથ પર રોકડ રકમ અંદાજે 5 લાખ રૂપિયાથી વધુ છે.
તદુપરાંત પૂનમબેન અને તેમના પતિ પાસે કુલ મળીને અંદાજે રૂપિયા 9.5 લાખ રૂપિયાના હથિયારો છે. જેમાં 32 બોરની બેરેટા પિસ્તોલ, 22 બોરની રાઇફલ, ડબલ-બેરલ 12 બોરની બે બંદૂકનો પણ સમાવેશ થાય છે. પૂનમબેન બેચલર ઓફ કોમર્સની સ્નાતક ડિગ્રી મહારાજ સયાજીરાવ યુનિવર્સિટી વડોદરાથી મેળવી છે. તેમજ પૂનમબેનના નામે હજુ સુધી કોઈ પોલીસ કેસ કે કોર્ટ કચેરીનો મામલો નોંધાયો નથી.
- અમિત શાહ
પૂનમબેન પછીના ક્રમે આવનાર ઉમેદવાર હાલના ભારત દેશના ગૃહપ્રધાન અને ગાંધીનગર લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર અમિત શાહ છે. તેમની સહિયારી મિલકત અંદાજે 66 કરોડ રૂપિયા છે. જેમાં તેમની સ્થાવર મિલકત લગભગ 23 કરોડ રૂપિયા અને જંગમ મિલકત અંદાજિત 43 કરોડ રૂપિયા છે.
અમિત શાહ અને તેમના પત્ની પાસે કુલ મળીને 2 કરોડ રૂપિયા આસપાસ હીરા-ઝવેરાત અને સોના-ચાંદીના દાગીનાઓ છે, સહિયારી હાથ પર રોકડ રકમ માત્ર 60 હજાર રૂપિયા છે. કરોડપતિ હોવા છતાં અમિત શાહ, તેમના ધર્મપત્ની કે તેમના પરિવારના નામે કોઈ વાહન નોંધાયેલ નથી. અમિત શાહે બેચલર ઓફ સાયન્સમાં બીજા વર્ષ સુધીનો અભ્યાસ કર્યો છે.
અમિત શાહ સામે નોંધાયેલા 3 કેસ વિશે તેમણે એફિડેવિટમાં વિગતો દર્શાવી છે. અમિત શાહ વિરુદ્ધ 2 કેસ પશ્ચિમ બંગાળના પૂરબા અને કલકત્તામાં અનુક્રમે વર્ષ 2018 અને 2019 ની સાલમાં નોંધાયેલા છે. જેમાં ઉશ્કેરણીજનક ભાષા અંગેનો આક્ષેપ તેમજ આક્ષેપિત બદનક્ષીજનક ઉચ્ચારણો કરવા અંગેના આરોપ આલેખવામાં આવ્યા હતા. એક અન્ય કેસ બિહારનાં બેગૂસરાયમાં નોંધવામાં આવ્યો હતો, જેમાં વર્ષ 2015 ની ચૂંટણી દરમિયાન લાલુ યાદવને "ચારા ચોર" કહેવા બદલ કેસ નોંધાયો હતો.
- નિતેશ લાલણ
લખપતિ નેતાઓમાં સૌથી નીચેના સ્થાને કચ્છ લોકસભા બેઠકના કોંગી ઉમેદવાર નિતેશ લાલણ છે. તેમની અસ્ક્યામત અંદાજે 20 લાખ રૂપિયાની આસપાસ છે. જેમાં નિતેશ લાલણે 2.50 લાખ રૂપિયાની સ્થાવર મિલકત અને માત્ર 17.5 લાખ રૂપિયાની જંગમ મિલકત દર્શાવી છે. લાલણ દંપતી પાસે અંદાજે 7.15 લાખ રૂપિયાના સોના-ચાંદીના ઘરેણાં છે, તેમજ હાથ પર રોકડ રકમ અંદાજે 1.9 લાખ રૂપિયાની છે. લાલણ પરિવારના નામે કોઈ વાહન નોંધાયેલ નથી. ઉપરાંત નિતેશ લાલણ સાથે કોઈ પોલીસ કેસ કે કોર્ટ કચેરીનાં મામલા પણ લાગુ પડતા નથી. નિતેશ લાલણ 12મું ધોરણ પાસ છે.
- ચૈતર વસાવા
નિતેશ લાલણથી ઉપરનાં ક્રમે ભરૂચ લોકસભા બેઠક પર ઈન્ડિયા ગઠબંધનના સંયુક્ત ઉમેદવાર આપ નેતા ચૈતર વસાવા છે. ચૈતર વસાવાની સહિયારી મિલકત 52 લાખ રૂપિયા છે. જેમાં તેમની સ્થાવર મિલકત 20 લાખ રૂપિયા, તેમજ જંગમ મિલકત 32 લાખ રૂપિયાની છે. વસાવા દંપતી પાસે અંદાજે 13.30 લાખના સોના-ચાંદીના ઘરેણાં અને હાથ પર રોકડ રકમ અંદાજે 4.5 લાખ રૂપિયાની છે. ચૈતર વસાવા પાસે અંદાજે 6 લાખ રૂપિયા કિંમતની મોટરકાર છે. ચૈતર વસાવા પર 13 જેટલા ગુના નોંધાયા છે. ચૈતર વસાવા સ્નાતક છે અને બેચલર ઓફ રૂરલ સ્ટડીઝની ડિગ્રી ધરાવે છે.
લોકસભા ચૂંટણી 2024 : જ્યારે લોકસભા કે વિધાનસભા ચૂંટણી આવે ત્યારે ઉમેદવારોની એફિડેવિટમાં આલેખાયેલી વિગતોને ધ્યાને લઈને પ્રજામાં એક પ્રકારની ચર્ચા ચકડોળે ચડે છે. મતદાતાઓના મનમાં અનેક તર્ક-વિતર્ક ઉભા થતા હોય છે. એક તરફ જ્યારે ઈન્ડિયા ગઠબંધન ભારતમાં વધતી જતી બેરોજગારી, મોંઘવારી અને ભ્રષ્ટાચારના મુદ્દે 2024 લોકસભાની ચૂંટણી લડી રહ્યું છે. ત્યારે એફિડેવિટ થકી બહાર આવતી ઉમેદવારોની નાણાકીય વિગતોને ધ્યાને લઈને આવનાર ચૂંટણીમાં મતદાતાઓ મતદાન કરવા જશે કે પછી આ મુદ્દાને દરકિનાર કરીને વિકાસ અને પ્રગતિના મુદ્દા સાથે ધર્મ અને રાષ્ટ્રવાદવાળી રાજનીતિથી પ્રેરાઈને એ દિશામાં મતદાન કરશે ?
(અત્રે ઉલ્લેખનીય છે કે, આ અહેવાલ માત્ર 2024 લોકસભા ચૂંટણીને લઈને ઉમેદવારો તરફથી ઉમેદવારીપત્રક ભરતી વખતે ચૂંટણી અધિકારીને રજૂ કરવામાં આવેલા એફિડેવિટ મુજબ છે. એટલે ઉમેદવારોની પાછલા પાંચ વર્ષમાં થયેલી ધનવૃદ્ધિ વગેરેની વિગતો આ લેખમાં ઉપલબ્ધ નથી)