બનાસકાંઠા: જિલ્લાના દાંતા તાલુકામાં બેફામ વાહનચાલકોના લીધે ઘણીવાર અકસ્માતો સર્જાતા હોય છે ત્યારે વધુ એક અકસ્માતમાં બાઈક ચાલક મોતને ભેટ્યો છે. અચાનક બાઈક આગળ શ્વાન આવી જતા બાઈક સ્લીપ મારી ગયું હતું જે બાદ પાછળ આવતું ડમ્પર તેના પર ફરી વળ્યું હતું.

બાઈક ચાલકનો ગયો જીવ: દાંતા તાલુકાના નવાવાસ ગામ પાસે હાઇવે માર્ગ અકસ્માત સામે આવ્યો હતો જેમાં બાઈક ચાલકનો અકસ્માત સર્જાયો હતો. રાજસ્થાનનો બાઈક ચાલક હાઇવે માર્ગથી પસાર થતો હતો તે દરમિયાન એકાએક શ્વાન બાઈક વચ્ચે આવતા બાઈક સવારે સ્ટેરીંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને બાઈક સાથે રોડ પર પટકાયો હતો જોકે આ સમયે પાછળથી આવતું ડમ્પર તેના પર ફરી વળ્યું હતું અને બાઈક ચાલકનુ કમકમાટીભર્યુ મોત નીપજ્યું હતું.
લાશને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાઈ: અકસ્માતની ઘટના બાદ ઘટના સ્થળે લોકોના ટોળેટોળાં એકત્ર થયા હતા અને સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી જે બાદ બાઈક ચાલકની લાશને નજીકની સરકારી હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડાઈ હતી. મૃતક રાજસ્થાનનો રહેવાસી હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. આ અંગે હવે પોલીસે અકસ્માત કેવી રીતે સર્જાયો તેમજ મૃતકના પરિજનો સાથે સંપર્ક કરવા સહિતની તમામ પ્રકારની તપાસના ચક્રો ગતિમાન કરી દીધા છે.