વડોદરા: નર્મદાના એકતાનગર સ્થિત ભારત રત્ન સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી હવે વિશ્વભરમાં પ્રખ્યાત બની છે, અનેક દેશોના લોકો આ પ્રતિમાને નિહાળી ચુક્યા છે, ત્યારે ભૂટાનના રાજા અને વડાપ્રધાન પણ સ્ટેચ્યૂ ઓફ યુનિટી જોવા માટે ખાસ ગુજરાતના મહેમાન બન્યા હતાં.
It is a pleasure to welcome His Majesty, @king_jigme Khesar Namgyel Wangchuk, and His Excellency, Prime Minister @tsheringtobgay of Bhutan, to Gujarat. pic.twitter.com/ksST2wvvbD
— Jagdish Vishwakarma (@MLAJagdish) July 22, 2024
ભૂતાનના રાજા રાજા જીગ્મે ખેસર નામગ્યેલ વાંગચૂક અને વડાપ્રધાન શેરિંગ તોબગે ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આજે વડોદરા આવી પહોંચ્યા હતા. વડોદરા એરપોર્ટ ખાતે તેમનું આગમન થતાં ગુજરાતની આગવી પરંપરા ગરબા સાથે તેમનું ઉષ્માસભર સ્વાગત કરવામાં આવ્યું હતું. ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિને પ્રદર્શિત કરતા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પ્રદર્શિત કરવામાં આવ્યા હતા જે નિહાળીની તેઓ અભિભૂત થઈ ગયાં હતાં.
આ બંને મહાનુભાવો વડોદરા એરપોર્ટ ઉપર આવી પહોંચતા પરંપરાગત ગુજરાતી ગરબા અને ઢોલના નાદ સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.વડોદરા એરપોર્ટ પર ટૂંકા રોકાણ બાદ આ બંને મહાનુભાવો એકતાનગર જવાના રવાના થયા હતા.
આ અવસરે પ્રોટોકોલ રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્મા, મેયર પિન્કીબેન સોની, ભારતના ભૂતાન ખાતેના રાજદૂત સુધાકર દલેલા, વિદેશ મંત્રાલયના સંયુક્ત સચિવ અનુરાગ શ્રીવાસ્તવ, વિદેશ મંત્રાલયના ચીફ પ્રોટોકોલ ઓફિસર નિરજકુમાર ઝા, જિલ્લા કલેકટર બીજલ શાહ, શહેર પોલીસ કમિશનર નરસિંમ્હા કોમાર, હેડ ઓફ ચાન્સરી સંજય થીનલે સહિતના ઉચ્ચ અધિકારીઓએ મહાનુભાવોને આવકાર્યા હતા. આ પ્રસંગે ચીફ પ્રોટોકોલ ઓફિસર જ્વલંત ત્રિવેદી સહિત ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.