કચ્છ : ઉનાળાની શરૂઆત થતાં જ ભુજમાં નર્મદાની લાઇનમાં ભંગાણ સર્જાયા હોવાનું સામે આવ્યું છે. ભુજ તાલુકાના કુકમા નજીક લાઇન તૂટતાં પાણીની કટોકટી સર્જાઈ શકે છે. તો આ ઉપરાંત ગત સાંજે ભુજોડી ઓવરબ્રિજ પાસેના ભૂડિયા ફાર્મ પાસેની ભુજ નગરપાલિકાની નર્મદાનાં નીરની લાઇનમાં ભંગાણને પગલે અંદાજે બે દિવસ ભુજમાં પાણી વિતરણ ખોરવાશે.
બંને લાઇનોને રીપેર કરવાનું કામ હાથ ધરાયું : ભુજ નગરપાલિકાની નર્મદાના પાણીની લાઇનની સાથોસાથ સાપેડા નજીક પણ નર્મદાની લાઇનમાં લીકેજ થયા હોવાનું જાણવા મળ્યું છે. ભુજ નગરપાલિકાને જાણ થતાં બંને લાઇનોને રીપેર કરવાનું કામ હાથ ધરાયું છે. નર્મદા નીર બંધ થતાં ભુજવાસીઓએ ટેન્કર પર આધારિત થવું પડશે. જોકે જેની પાસે પાણીના સ્ટોરેજ માટેના સ્ત્રોત છે તેમને 2 દિવસ સુધી કોઈ તકલીફ નહીં પડે પરંતુ ટેન્કર માટે પણ વ્યવસ્થાપન જળવાઈ રહે તેના માટે નગરપાલિકા દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.
35થી 40 ટેન્કરના ફેરાઓ : ભુજનો મુખ્ય આધાર માત્ર નર્મદાના નીર ઉપર જ છે. ભુજ નગરપાલિકા પાસે પોતાના 3 ટાંકા છે જેના રોજ 35 થી 40 જેટલા ફેરાઓ થતા હોય છે. એક ટેન્કરની કિંમત 200 રૂપિયા જેટલી લેવામાં આવે છે. નર્મદાની લાઇનમાં ભંગાણ સર્જાતા આગામી 2 દિવસ પાણી નહીં મળે તેથી લોકોને કરકસરપૂર્વક પાણીનો ઉપયોગ કરવા ભુજ નગરપાલિકા દ્વારા અપીલ કરવામાં આવી છે.
આવતીકાલ સુધીમાં સમારકામ પૂર્ણ કરાશે : આ બાબતે ભુજ નગરપાલિકાના ચીફ ઓફિસર જીગર પટેલે જણાવ્યું હતું કે, ભુજ નગરપાલીકાની નર્મદાની મેઇન લાઈઝનિંગ લાઇનમાં લીકેજ સર્જાયું છે. જેના માટે નગરપાલિકાની ટીમ દ્વારા સમારકામ હાથ ધરવામાં આવ્યું છે.પાણીની તકલીફ અંગે વાત કરતા જણાવ્યું હતું કે આવતીકાલ સાંજ સુધીમાં સમારકામ પૂર્ણ કરીને ફરીથી લાઈન મારફતે પાણી મળે તે માટે પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે જેથી કરીને લોકોને ઓછામાં ઓછી તકલીફ થાય અને ભવિષ્યમાં લાઈન શિફ્ટિંગ પણ કરવામાં આવશે. હાલમાં ભુજ નગરપાલિકા પાસે 3 ટેન્કર છે અને જરૂર જણાશે તો ભાડા પર ટેન્કર રાખીને લોકોને પાણી પહોંચાડવામાં આવશે.
કરકસરથી પાણીનો ઉપયોગ કરવા અપીલ : ભુજના લોકોને કરકસરપૂર્વક પાણીનો ઉપયોગ કરવા અપીલ કરતા ભુજ નગરપાલિકાના ઉપપ્રમુખ ઘનશ્યામ ઠકકરે જણાવ્યું હતું કે, નર્મદની મુખ્ય લાઇનમાં ભંગાણ સર્જાતા ભુજ શહેરને મળતું પાણી બંધ થઈ ગયું છે. તો કુકમા સંપથી નગરપાલિકાને મળતા પાણીની લાઈનમાં પણ ભંગાણ સર્જાતા ભુજમાં આવનારા 2 દિવસો માટે બંધ રહેવાનું છે. 2 દિવસ માટે ભુજમાં પાણી બંધ રહેવાનું છે ત્યારે ભુજની જનતાને કરકસરપૂર્વક પાણીનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવે છે.