કચ્છ: ભુજની અદાણી સંચાલિત જી.કે. જનરલ હોસ્પિટલના રેસીડેન્ટ અને ઈન્ટર્ન ડૉક્ટરો હડતાલ પર ઉતર્યા છે. અહીં ડૉક્ટરો ડીન ઓફિસ આગળ અચોક્કસ મુદ્દાતના ધરણા પર બેઠા છે. GAIMSના રેસિડેન્ટ ડૉક્ટરો અને ઈન્ટર્ન ડૉક્ટરો એપ્રિલ 2024 થી ગુજરાત સરકારના નિયમો પ્રમાણે સ્ટાઈપેન્ડમાં થયેલ વધારો ચૂકવવાની માંગ સાથે હડતાળ પર ઉતર્યા છે.
રેસીડેન્ટ અને ઈન્ટર્ન ડોકટરોઓ હડતાલ પર ઉતર્યા: 1 એપ્રિલ 2024થી ગુજરાત સરકારના નિયમો અનુસાર મેડીકલ કોલેજના તબીબોને સ્ટાઈપેન્ડમાં વધારો ચૂકવવાનો છે. છતાં ભુજમાં GAIMS એટલે કે ગુજરાત અદાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ કોલેજમાં મેનેજમેન્ટ દ્વારા સ્ટાઈપેન્ડ વધારા અને એરીયર્સની ચુકવણી અંગે હજી સુધી કોઈ નક્કર પગલાં લેવામાં ન આવતા આજે જી.કે. જનરલ હોસ્પિટલમાં 300 ડૉક્ટરો હડતાલ પર ઉતર્યા હતા.
6 મહિનાનો સ્ટાઈપેન્ડનો વધારો ચૂકવવાનો બાકી: સરકારના નિયમ મુજબ સ્ટાઈપેન્ડમાં વધારો 1 એપ્રિલ 2024 થી અમલમાં આવી ગયો છે, પરંતુ ગેઇમ્સના (GAIMS) સંચાલક મંડળ દ્વારા 1 ઓક્ટોબર 2024થી તે અમલમાં આવશે તેવું જણાવવામાં આવ્યું હતું. જેથી કરીને ડૉક્ટરોને 1 ઓકટોબરથી સ્ટાઈપેન્ડનો વધારો ચૂકવવાનો છે, છતાં હજી સુધી ચૂકવવામાં આવ્યો નથી. જે અંગે ફરી રજુઆત કરવામાં આવતા ડીસેમ્બરના પગારમાં લાભ અપાશે તેવું મેનેજમેન્ટ દ્વારા જણાવવામાં આવ્યું હતું.
સતત રજૂઆતો કરવામાં આવી છતાં ઉકેલ નહીં: આમ તો 1 એપ્રિલથી ઓકટોબર મહિના સુધી એટલે કે 6 મહિનાનું એરીયર્સ ઓન ડૉક્ટરોને ચૂકવવાપાત્ર થાય છે, તે હજી સુધી આપવામાં આવ્યું નથી. ડૉક્ટરો દ્વારા છેલ્લા 2 મહિનાઓથી અગાઉના 6 મહિનાના એરીયર્સની ત્વરીત ચુકવણી કરવામાં આવે તેવી માંગ સાથે સતત રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ કોલેજના સંચાલક મંડળ દ્વારા માત્ર વાતો કરવામાં આવી છે કોઈ અમલવારી હજુ સુધી થઈ નથી.
સંતોષકારક ઉકેલ આજ સુધી ના આવતા હડતાળ: ડૉક્ટરો દ્વારા એરિયર્સ મુદ્દે ઘણી વખત વિવિધ અધિકારીઓ સાથે રજૂઆતો તેમજ ચર્ચા કરવામાં આવી હોવા છતાં કોઈ સંતોષકારક ઉકેલ આજ સુધી ન આવતા અંતે આજે ડૉક્ટરો હડતાલ પર ઉતર્યા છે. આજે 25 નવેમ્બરથી જી.કે. જનરલ હોસ્પિટલમાં ડૉક્ટરોએ તમામ કામગીરી બંધ કરી હડતાળ પર જવાનો નિર્ણય કર્યો છે. જોકે દર્દીઓને કોઈ હેરાનગતિ ન થાય તે માટે મેનેજમેન્ટને અગાઉથી જાણ કરાઈ હતી. ડૉક્ટરોના કહેવા પ્રમાણે, જો આ મુદ્દે સકારાત્મક ઉકેલ આવશે તો ડૉક્ટરો ફરી સેવા શરૂ કરવા પ્રતિબદ્ધ છે.
માંગ ઝડપથી સંતોષાય તો આ હડતાળ પૂર્ણ થાય: ઈન્ટર્ન ડૉ. ખુશાલીએ જણાવ્યું હતું કે, ઘણા સમયથી મેનેજમેન્ટ સાથે આ સ્ટાઈપેન્ડમાં વધારાના ચુકવણાને લઈને ચર્ચાઓ અને રજૂઆતો ચાલી રહી છે, પરંતુ હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી. ઉપરાંત હડતાળ પર ઉતરેલા કોઈ પણ ડૉક્ટરો એવું નથી ઈચ્છી રહ્યા કે કોઈ દર્દીને તકલીફ પડે, પરંતુ જો અમારી માંગ ઝડપથી સંતોષાય તો આ હડતાળ પૂર્ણ થાય અને દર્દીઓને સારવાર આપવા માટે ડ્યુટી ફરીથી જોઈન કરી શકાય. આ સાથે જ ડૉક્ટરોને પણ પોતાનું યોગ્ય વળતર મળી રહે.
એરિયર્સ પેટે અંદાજે 1 લાખ અને ઇન્ટર્ન ડૉક્ટરોને 20,000 રૂપિયા ચૂકવવાપાત્ર: રેસિડન્ટ ડૉક્ટર પાર્થ પોપટે જણાવ્યું હતું કે, નિયમ પ્રમાણે રેસીડેન્ટ ડૉક્ટરોને 6 મહિનાના એરિયર્સ પેટે અંદાજે 1 લાખ અને ઇન્ટર્ન ડોકટરને 20,000 રૂપિયા ચૂકવવાપાત્ર થાય છે. ટોટલ 3 કરોડ રૂપિયા જેટલું ચુકવણું બાકી છે, જે મેનેજમેન્ટ દ્વારા આપવામાં આવ્યું નથી. હવે જોવું એ રાખ્યું કે, મેનેજમેન્ટ દ્વારા હવે ડૉક્ટરોને ક્યારે સ્ટાઈપેન્ડની ચુકવણી આપવામાં આવશે.
મેડિકલ કાઉન્સિલ સમક્ષ ચુકવણી કરવાની ખાતરી: આ મુદ્દે મેનેજમેન્ટ જણાવે છે કે, જ્યારે અન્ય ખાનગી કોલેજો એરીયર્સ ચૂકવશે ત્યારે અદાણી મેડિકલ કોલેજના ડોક્ટર્સને પણ ચુકવની કરશે. જોકે અમુક ખાનગી કોલેજોએ એરીઅર્સની ચુકવણી કરી દીધી છે, ત્યારે ગુજરાત અદાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ કોલેજના મેનેજમેન્ટે નેશનલ મેડિકલ કાઉન્સિલ સમક્ષ ખાતરી આપી હતી કે, સરકારી કોલેજના સ્ટાઈપેન્ડના દરે સ્ટાઈપેન્ડ ચુકવવા માટે તેઓ બંધાયેલા છે, અને જો ભવિષ્યમાં પણ જો સ્ટાઈપેન્ડમાં વધારો થશે તો સરકારના નિયમ મુજબ સુધારેલ સ્ટાઈપેન્ડ ચૂકવવામાં આવશે.
આ પણ વાંચો: