સુરત: વેલંજા-પારડી રોડ, અંત્રોલી ખાતે 500 કરોડના ખર્ચે 31 વિઘા જમીનમાં 2000 દીકરા-દીકરીઓ માટેના છાત્રાલય (ઈન્સ્ટીટ્યૂટ), સિવિલ સર્વિસ કેન્દ્ર, જ્યૂડીશરી, સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ, ડિફેન્સ એકેડેમી, સ્કીલ ડેવલપમેન્ટ, વર્કશોપ સહિતની તમામ આધુનિક શૈક્ષણિક સુવિધાયુક્ત પ્રથમ ફેઝના સરદારધામનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું.
કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવિયા, કેન્દ્રીય પશુપાલન, મત્સ્ય વિભાગના મંત્રી પરષોત્તમભાઈ રૂપાલા, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી, શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા, મુખ્ય દાતા જયંતીભાઈ બાબરીયા, સરદારધામના પ્રમુખસેવક ગગજીભાઈ સુતરીયા અને અગ્રણી દાતાઓના હસ્તે શાસ્ત્રોક્ત વિધિ સાથે સરદારધામ યુવા સંગઠનના આ પ્રકલ્પનું ભૂમિપૂજન સંપન્ન થયું હતું.
આ વેળાએ દાતાઓ દ્વારા એક જ દિવસમાં 68 કરોડનું દાન જાહેર કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય દાતા જયંતીભાઈ બાબરીયાએ 11 કરોડ, સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ માટે ફોરમબેન વરસાણી(આફ્રિકા)એ 5 કરોડ સહિત સેંકડો દાતાઓએ રૂ.બે કરોડથી લઇને રૂ.૨૫ લાખનું દાન આપ્યું છે. આગામી 15 દિવસોમાં વધુ 32 કરોડનું ફંડ પ્રાપ્ત થશે.
આ પ્રસંગે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવિયાએ જણાવ્યું કે, શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત દ્વારા વર્ષોથી વિવિધ સામાજિક પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે. દક્ષિણ ગુજરાતને આવરી લેતા સરદારધામ થકી યુવાઓ સમાજ અને દેશનું ભાવિ ઘડાશે. રાષ્ટ્ર માટે સરદાર સાહેબના પ્રદાનનું સ્મરણ કરતા કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે, ગુજરાત સરદાર પટેલના વારસાને આગળ વધારી રહ્યું છે. પરસ્પર સહયોગ અને પરિશ્રમથી આગળ વધવું એ સરદાર સાહેબનો સ્વભાવ હતો, જેને આગળ વધારતા સરદાર સંતાનોએ 'રાષ્ટ્રપ્રથમ'નો જીવનમંત્ર અપનાવ્યો છે.
ગુજરાતમાં સરદારધામ અને કેળવણીધામ જેવા આધુનિક પ્રકલ્પો 'સૌના સાથ, સૌના વિકાસ અને સૌના વિશ્વાસ'ની વિભાવના સાર્થક કરી રહ્યા છે એમ જણાવી જ્ઞાનશક્તિના ઉમદા સાહસમાં સમાજશક્તિ પણ જોડાવાથી સોનામાં સુગંધ ભળી હોવાનું જણાવી મંત્રીએ પાટીદાર સમાજના અગ્રણીઓને અભિનંદન પાઠવ્યા હતાં.
કેન્દ્રીય પશુપાલન, મત્સ્ય વિભાગના મંત્રી પરષોત્તમભાઈ રૂપાલાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનએ વિકસિત ભારત: 2047 નો સંકલ્પ લીધો છે, જેમાં સરદારધામ જેવા શ્રેષ્ઠ શૈક્ષણિક પ્રકલ્પો પૂરક બનશે અને વિકસિત ભારતની યાત્રાને બળ આપશે. સમાજના આગેવાનોએ શિક્ષણના આ યજ્ઞમાં ખુલ્લા હાથે દાન કરીને શિક્ષણની યજ્ઞવેદીમાં આહુતિ આપીને સમાજનું ઋણ અદા કર્યુ છે. અભ્યાસકીય તાલીમ, માર્ગદર્શન અને પ્રોત્સાહન માટે ઉત્તમ વ્યવસ્થા નિર્માણ માટે ડગ માંડનાર સમાજ શ્રેષ્ઠીઓની પહેલ બદલ સૌને શુભેચ્છા પાઠવી હતી.