રાજકોટ: ઉપલેટા તાલુકાના ભાયાવદર ગામ કે જે નગરપાલિકા સંચાલિત ગામ છે ત્યાં લોકોને પીવાના પાણીની સુવિધાઓ મળી રહે અને પાણીની સમસ્યાનો સામનો ન કરવો પડે તેમજ પીવાના પાણીને લઈને લોકોને હાલાકી ન પડે તે માટે નગરપાલિકા દ્વારા પાણીનો એક સંપ મંજૂર કરવામાં આવ્યો છે. ત્યારે આ સંપનું કામ અંદાજે ત્રણ કરોડ બાણું લાખ રૂપિયાનું હોવાની માહિતીઓ સામે આવી છે, ત્યારે આ કામની અંદર લોટ પાણીને લાકડા થઈ રહ્યા હોવાના આક્ષેપ સાથે ભાયાવદર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ દ્વારા આ મામલે તંત્રને અગાઉ પણ લેખિત રજૂઆત કરી હોવાનું સામે આવ્યું હતું. જે બાદ પણ આ કામ શરૂ કરીને કોન્ટ્રાક્ટ આપતા નબળા કામ અંગેની ફરિયાદ કરી છે.
હલકી કક્ષાનું મટીરીયલ વપરવાનો આક્ષેપ: ભાયાવદર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને ભાજપના આગેવાન નયન જીવાણીએ જણાવ્યું હતું કે, 'ભાયાવદર નગરપાલિકા હસ્તકનું પાણી પુરવઠા વિભાગનું કામ ચાલી રહ્યું છે જેમાં આ કામ કુલ ત્રણ કરોડ રૂપિયા કરતા વધુનું છે. જેમાં આ કામ માટે જે એજન્સી દ્વારા કામ ચલાવવામાં આવી રહ્યું છે તે એજન્સી નબળી અને હલકી ગુણવત્તા વાળું મટીરીયલ વાપરી નબળું કામ કરી રહી છે. આ એજન્સી અગાઉ પણ ભાયાવદરમાં અનેક કામ કરી ગયેલ છે જે કામો થોડા સમયમાં બંધ થઈ ગયેલ છે, ખરાબ થઈ ગયેલ છે અને ઘણા કામ જે પૂર્ણ થયા બાદ થોડા સમયમાં બંધ હાલતમાં છે ત્યારે આ બાબતે અમે અગાઉ પણ આ એજન્સીને કામ ન આપવા લેખિત ફરિયાદો કરી છે. છતાં પણ આ એજન્સીએ કામ આપવામાં આવ્યું છે અને અહીંયા પબ્લિક માટે બનાવાઈ રહેલ સુવિધાઓમાં હાલ પણ નબળું કામ થઈ રહ્યું છે.
ચકાસણી માટે નમૂના લેવાયા: આ અંગે ભાયાવદર નગરપાલિકાના ચીફ ઓફિસર ડી.એન. કંડોલિયા દ્વારા જણાવવામાં આવ્યું છે કે, 'નગરપાલિકા દ્વારા મારૂતિ કંપનીને 03 કરોડ 92 લાખનું કામ સોંપવામાં આવ્યું છે. આ કામમાં નિયમ મુજબ કામ થાય છે અને નિયમ મુજબની ખરીદી કરી અને કામગીરી પણ યોગ્ય થઈ રહી છે. આ સાથે એવું જણાવ્યું છે કે, કે આક્ષેપો કરવામાં આવ્યા છે તે પાયા વિહોણા છે તે છતાં પણ ઉપલી કચેરીના એન્જિનિયરોએ આ મામલે નમૂનાઓ લીધા છે તેમજ એ નમૂનાઓ ફેલ જશે, તો કંપની ઉપર કાર્યવાહી પણ કરવામાં આવશે તેવું જણાવ્યું છે.
એન્જિનિયરો દ્વારા તપાસ કરાવાઈ: ભાયાવદર નગરપાલિકા દ્વારા લોકોને સુખાકારી મળે તે માટે પાણી પુરવઠા વિભાગનું એક કામ મંજૂર થયેલ હતું. જેનું વર્તમાન સમયની અંદર કામ ચાલી રહ્યું છે ત્યારે આ કામની અંદર પાલિકાના પૂર્વ પ્રમુખે સ્થળ તપાસ કરતા આ કામની અંદર નબળી ગુણવત્તા અને હલકું મટીરીયલ વાપરી કામ કરવામાં આવી રહ્યું છે. જેને લઇને તેમના દ્વારા ઉચ્ચ કક્ષાએ ફરિયાદ કરવામાં આવી હતી. જે બાદ તેમની ફરિયાદને ધ્યાને લઈને ઉચ્ચ કચેરીઓના એન્જિનિયરો દ્વારા આ અંગેની સ્થળ તપાસ કરી સેમ્પલો લેવાયા છે અને આ મામલે આગળની કાર્યવાહી પણ હાથ ધરી છે.
સ્થાનિકોના જણાવ્યું હતું કે અહીંયા મારુતિ એજન્સી રાજકીય આગેવાનો સાથે ભાગીદારી ધરાવતી હોય અને ભ્રષ્ટાચાર કરવા માટે એજન્સી સાથે તેમજ મંજૂરી આપનાર અધિકારીઓ અને કામની દેખરેખ કરનાર કર્મચારીઓને ભાગીદારી આપી ડરાવી, દબાવી, ધમકાવી કોઈપણ ભોગે ભ્રષ્ટાચાર કરવામાં આ કામગીરી થઈ રહી છે ત્યારે આ મામલામાં ભાજપના જ આગેવાને તમામને વિરોધ કરતા સમગ્ર બાબતની અંદર ભારે ચર્ચાનો વિષય પણ શરૂ થયો છે.
એજન્સી વિરૂદ્ધ સવાલો ઉઠ્યા: આ સાથે સૂત્ર પાસે તેવી પણ માહિતી મળી રહી છે કે, આ એજન્સીએ અગાઉ જેટલા પણ કામ કર્યા છે, તે કામમાં ઘણા કામો હજુ પણ પૂર્ણ થયા નથી અને પૂર્ણ થયા છે તે કામો બંધ હાલતમાં ખરાબ હાલતમાં કે થોડા સમયની અંદર ખરાબ થઈ ચૂક્યા હોવાનું પણ સામે આવ્યું છે ત્યારે હવે જોવાનું એ રહ્યું કે આ મામલે એજન્સી સામે અગાઉથી જ વાંધો ઉપાડ્યા બાદ મંજૂરી આપી હોવાથી અધિકારીઓ પણ સંપૂર્ણ શંકાના દાયરામાં છે અને અધિકારીઓ પણ આ મામલે રાજનેતાઓ અને અધિકારીઓ સાથે મળી લોકોના સુખાકારી માટે બનેલા કામમાં ભ્રષ્ટાચારના ભાગીદારી બની રહ્યા હોવાની પણ ચર્ચાઓ શરૂ થઈ છે.
આ પણ વાંચો: