ભાવનગર: જિલ્લામાં વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને મેઘરાજાની વરસવાની જોરદાર શરૂઆત થઈ હતી. ભાવનગર શહેરમાં ખાસ કરીને આરટીઓ સર્કલ, કુંભારવાડા અંડર બ્રિજ સહિત અન્ય નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યાઓ ઊભી થઈ હતી. સવારથી શરૂ થયેલા વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. પરંતુ વરસાદે મહાનગરપાલિકાની કામગીરીની પોલ ખુલી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે.
કાળું પાણી ભારે વરસાદમાં થયું વહેતુ: ભાવનગર શહેરમાં સવારે વરસાદી ઝાપટાઓની શરૂઆત થઈ હતી. પરંતુ ત્યારબાદ બપોરના 12 કલાક પછી કાળા વાદળોનો ઘેરાવો થયો હતો અને તેની સાથે વરસાદ વરસવાની શરૂઆત થઈ હતી. જેને પગલે શહેરમાં રસ્તાઓ પર ઠેર ઠેર પાણી વહેતા થયા હતા. ત્યારે ભાવનગરના અક્ષર પાર્ક પાસે આવેલા રેલવેના અંડર બ્રિજ નીચે કાળુ પાણી વહેતું થયું હતું. જાણે કોઈ કાળા કલરના ઓઇલની નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા હતા. લોકો તેમાંથી પસાર થતાં પણ નજરે પડ્યા હતા. સ્થાનિકે જણાવ્યું હતું કે મહાનગરપાલિકાના ડ્રેનેજનું પાણી ઉભરાઈને બહાર આવ્યું છે, જે વહી રહ્યું છે. તેને પગલે રોગચાળાની ભીતિ પણ અક્ષર પાર્કના સ્થાનિકો સેવી રહ્યા છે. વહેતું કાળું ડ્રેનેજનું પાણી વરસાદના પાણીની સાથે વહેતુ થતા મહાનગરપાલિકાની ઘોર બેદરકારીને છતી કરતું હતું.
જાણો ક્યાં કેટલો પડ્યો વરસાદ