ભાવનગર: ઉનાળાના પ્રારંભના ભણકારા વચ્ચે ઉનાળુ પાક લેવા માટે પાણીની સ્થિતિ ખરેખર જિલ્લામાં શું છે તે જાણવું જરુરી છે. અમે ખાસ ભાવનગર જિલ્લામાં ડેમના પાણીની સ્થિતિ અને સિંચાઈ માટેના પાણીની સ્થિતિને લઈને અહેવાલ બનાવ્યો છે. જિલ્લાના દરેક ડેમોમાં પાણી કેટલું છે અને સૌથી મોટા ડેમ શેત્રુંજીમાંથી સિંચાઈ માટે પાણી વ્યવસ્થા આકરા ઉનાળામાં શું ? જાણો વિગતથી.
જિલ્લામાં ખાસ ઉનાળુ પાક અને ગત વર્ષની સ્થિતિ : ભાવનગર જિલ્લામાં વિવિધ તાલુકાઓમાં ડેમ આવેલા છે. જેમાં ઉનાળુ પાક કરવામાં આવતો હોય છે. ત્યારે ભાવનગર જિલ્લા પંચાયત ખેતીવાડી અધિકારી હીરેન દુમાળીયાએ જણાવ્યું હતું કે ઉનાળુ પાકમાં મગફળી, બાજરી, તલ, ડુંગળી, ઘાસચારો અને શાકભાજીનું વાવેતર ખાસ કરીને થાય છે. ચોમાસુ સારું રહ્યું હોય અને પાણી હોય તો ઉનાળુ પાક સારો મળે છે. ગત વર્ષે 8000 હેક્ટર બાજરી, 8,200 હેક્ટર મગફળી, 6500 હેક્ટર તલ, 6000 હેક્ટર ડુંગળી અને 2 હજાર હેક્ટરમાં શાકભાજી મળીને 53 હજાર હેક્ટરમાં વાવેતર થયું હતું. પાણીની માત્રાને આધારે જોવા જઈએ તો સરેરાશ 50 થી 60 હજાર હેક્ટરની વચ્ચે ઉનાળુ પાકનું વાવેતર થાય છે.
કુલ 13 ડેમો અને સિંચાઈ માટે સૌથી વધુ અસરકર્તા શેત્રુંજી ડેમ : ભાવનગર જિલ્લામાં જોઈએ તો 10 તાલુકા વચ્ચે 13 જેટલા ડેમો આવેલા છે. જેમાં ડેમનું પાણી પીવા માટે અને સિંચાઈ માટે પણ ઉપયોગમાં લેવાતું હોય છે. ત્યારે આ ડેમોમાં હાલ પાણીની સ્થિતિ 10 ટકાથી લઈને 70 ટકાની વચ્ચે છે.
સિંચાઈ વિભાગ હેઠળ છ ડેમ આવેલા છે. તેમાંથી ત્રણ ડેમમાં 50 ટકા કરતાં વધુ પાણી છે. બાકીના ત્રણ ડેમ ખાલી છે. આ ખાલી ડેમ હમીરપરા, રજાવળ અને જસપરા માંડવા છે. શેત્રુંજી સિંચાઈ યોજના મહત્વની યોજના છે. તેમાં જાન્યુઆરીથી પાણીની માંગણી કરવામાં આવી છે જે આપવામાં આવી રહ્યું છે. 2200 અરજીઓ ખેડૂતોની આવેલી હતી. આગામી દિવસોમાં 11000 હેક્ટર માટેની સિંચાઈની અમારી વ્યવસ્થા છે તેમાં 2500 હેક્ટર માટે અરજીઓ આવી ગઈ છે. હાલ શેત્રુંજી ડેમમાં 27.10 ઇંચ પાણીનો જથ્થો છે. જે માર્ચ એપ્રિલ સુધી ખેડૂતને પાણી માટે સિંચાઈ માટે આપી શકીએ તેમ છે. આ સાથે પીવાના પાણીનો જથ્થો પણ ઉપલબ્ધ છે...એ. એમ. બાલધીયા (સિચાઇ વિભાગના અધિકારી)
રાજ્ય સિંચાઈ વિભાગ હેઠળ ડેમો અને સિંચાઈ : ભાવનગર શહેરના બહુમાળી ભવન ખાતે રાજ્યના સિંચાઈ વિભાગની કચેરી ખાતે પણ અન્ય ડેમોને લઈને નજર રાખવામાં આવે છે. ત્યારે આ વિભાગના સિંચાઈ અધિકારી એચ એન સરવૈયાએ જણાવ્યું હતું કે તેમની નીચે આવતા ડેમોમાં શેત્રુંજી ડેમમાં 64 - 84 ટકા પાણી છે અને હાલમાં 810.90 ક્યુસેક કેનાલ દ્વારા પાણી આપવામાં પણ આવી રહ્યું છે. જ્યારે અન્ય સિંચાઈ માટેના ડેમ રંઘોળા, કાળુભાર,માલણકા, રોજકી, બગડ અને હણોલ છે. જ્યારે બગડ, પિંગળી, રજાવળ, ખારો અને લાખણકાએ સ્ટોરેજ માટેના પાણીના તળ ઊંચા આવે તે માટેના ડેમ છે. બગડ,માલણકા અને રોજકી ડેમથી 1500 હેક્ટરમાં સિંચાઈમાં પાણીનો લાભ થાય છે. બીજી તરફ જોઈએ તો બગડ ડેમથી 9 ગામોને, માલણકા ડેમથી 10 ગામોને, રોજકીથી 7 ગામોને, રંઘોળાથી 21 ગામોને, કાળુભાર ડેમથી 14 ગામને, પીંગળીથી 4 ગામના ખેડૂતોને સિંચાઈ માટેનું પાણી મળી રહે છે.
ભાવનગરના ડેમોમાં પાણીની સ્થિતિ ટકાવારીમાં :