ભાવનગર : કલાનગરી ભાવનગર શહેરના બાળ કલાકારો આંતરરાષ્ટ્રીય કક્ષાએ સિદ્ધિ મેળવતા રહ્યા છે. ત્યારે ભાવનગરમાં પાંચમા ધોરણમાં અભ્યાસ કરતી તુલસી વાછાણીએ આંતરરાષ્ટ્રીય ચિત્ર સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે. નાની ઉંમરે તુલસીએ મોટી સિદ્ધિ હાંસલ કરતા માતા પિતાએ ગૌરવની લાગણી સાથે ખુશી વ્યક્ત કરી છે. પરંતુ તુલસીએ એવું કયું ચિત્ર બનાવ્યું જેને ગોલ્ડ મેડલ મળ્યો ? ચાલો જાણીએ
આંતરરાષ્ટ્રીય પેઇન્ટિંગ સ્પર્ધા : સમગ્ર વિશ્વમાં વિવિધ આંતરરાષ્ટ્રીય પેઇન્ટિંગ સ્પર્ધા યોજવામાં આવતી હોય છે. હાલમાં 7મી ઇન્ટરનેશનલ પેઇન્ટિંગ કોમ્પિટિશન રોમાનીયા ખાતે યોજાઈ હતી. ચિત્ર શિક્ષક ધર્મેન્દ્રભાઈ ચૌહાણે જણાવ્યું કે, 7 મી ઇન્ટરનેશનલ પેઇન્ટિંગ કોમ્પિટિશનમાં 111 દેશના 91 હજાર બાળકોએ ભાગ લીધો હતો. 9 થી 15 વર્ષના ગ્રુપમાં ભાવનગરની તુલસી વાછાણીએ પોતાનું ચિત્ર મોકલીને ગોલ્ડ મેડલ મેળવ્યો છે. તુલસી તુલિક ફોર ચાઈલ્ડ આર્ટમાં ચિત્ર ક્ષેત્રે શિક્ષણ પણ મેળવી રહી છે. તુલસીની સિદ્ધિથી તેના શિક્ષકે પણ ખુશી વ્યક્ત કરી હતી.
તુલસીનું અદ્ભુત ચિત્ર : તુલસીની સિદ્ધિને લઈને તેના પિતા નીરવ વાછાણીએ જણાવ્યું હતું કે, તુલસી નાનપણથી ચિત્ર પ્રત્યે લાગણી અને ભાવના ધરાવે છે. નાનપણથી ચિત્ર બનાવતી આવી છે. હાલમાં તેને રોમાનિયામાં ગોલ્ડ મેડલ મેળવ્યો, જેને લઈને ખૂબ ખુશી છે. જોકે ગોલ્ડ મેડલ મેળવનાર તુલસીએ જણાવ્યું હતું કે, હું રોમાનિયામાં ગોલ્ડ મેડલ મેળવી ખુશ છું. મેં બાળકો ચિત્રના વર્ગ ખંડમાં સાહેબ બેઠા હોય અને બાળકો ચિત્ર બનાવતા હોય કે કલર પૂરતા હોય તેવું ચિત્ર બનાવ્યું હતું. મને એમાં સર્ટિફિકેટ અને મેડલ મળ્યો છે.
નાની ઉંમરે મેળવી મોટી પ્રસિદ્ધિ : ભાવનગર શહેરના ફાતિમા કોન્વેન્ટ સ્કૂલમાં તુલસી અભ્યાસ કરે છે. ધોરણ 5 માં અભ્યાસ કરતી તુલસીએ અગાવ પણ જાપાન, પોર્ટુગલ, તુર્કી, મેસીડોનીયા, બલગેરીયા અને રશિયા જેવા દેશોમાં યોજાતી આંતરરાષ્ટ્રીય પેઇન્ટિંગ સ્પર્ધામાં ભાગ લઈને સર્ટિફિકેટ મેળવેલા છે. તુલસીથી મોટી બહેન પણ છે અને માતા બિરજુબેનના સાથ સહકારથી તુલસી ચિત્ર ક્ષેત્રે આગળ વધી રહી છે. ત્યારે હાલમાં ગોલ્ડ મેડલની સિદ્ધિ પ્રાપ્ત થતા સમગ્ર પરિવારમાં આનંદની લાગણી ફેલાઈ છે.