ભાવનગર : ભાવનગર વાહન વ્યવહાર નિગમ એટલે આરટીઓ કચેરીમાં છેલ્લા ઘણા દિવસોથી ટુવ્હીલર લાયસન્સ માટેની પ્રક્રિયા બંધ છે. ટુવ્હીલર લાયસન્સ કઢાવવા માંગતા અરજદારો માટે રૂકજાવની સ્થિતિ છે. ભાવનગર આરટીઓ કચેરીમાં રોજની કેટલી અરજીઓ હોય છે અને હજુ કેટલા દિવસ કામગીરી ઠપ રહેવાની છે તે જાણી લો.
ટુવ્હીલર બંધ ફોર વ્હીલર કામગીરી ચાલુ : ભાવનગર આરટીઓ કચેરીમાં હાલમાં ફોર વ્હીલરના લાયસન્સ માટેની કામગીરી થાય છે. પરંતુ ટુ વ્હીલર લાયસન્સ માટેની પ્રક્રિયા બંધ છે. ટુવ્હીલર લાયસન્સ માટે આપવામાં આવતા ટેસ્ટની સાઇટ 8 નમ્બર જેવી બંધ છે. તાળું મારી રાખવામાં આવ્યું છે. જો કે હાલમાં કોઈ અરજદાર પણ આરટીઓ જોવા મળતા નથી, પરંતુ ફોર વ્હીલર અરજદારોની પ્રક્રિયા થતી જોવા મળી રહી છે. છેલ્લા ત્રણ ચાર દિવસથી અરજદારો ટુવ્હીલરના આવતા હોય અને પરત જતા હોવાનું સ્થાનિક આરટીઓના સૂત્રોમાંથી જાણવા મળ્યું હતું. છેલ્લા બે દિવસથી અરજદારો હવે આવી રહ્યાં નથી. ત્યારે ટુવ્હીલર લાયસન્સ પ્રક્રિયા માટે નડતર બનેલી એરર ક્યારે દૂર થશે તેના પર સૌની નજર મંડાયેલી છે.
આરટીઓમાં ટુવ્હીલર લાયસન્સ પ્રક્રિયા કેમ બંધ : ભાવનગરમાં છેલ્લા ઘણા દિવસોથી ટુવ્હીલર લાયસન્સ કાઢવાની પ્રક્રિયા બંધ છે. આ મુદ્દે આરટીઓ અધિકારી ઇન્દ્રજીત ટાંકે જણાવ્યું હતું.
આપણે ચાર દિવસથી કામગીરી બંધ છે તેમાં ટેકનિકલ એરર પ્રોબ્લેમ છે. વડી કચેરી તથા દિલ્હી એનઆઇસી દ્વારા તે ત્વરિત કાર્ય ચાલુ થાય તે માટેના પ્રયત્નો ચાલુ છે અને જે પણ અપોઇન્ટમેન્ટ હોય છે તે અપોઈન્ટમેન્ટ આગલા દિવસોમાં રિસીડ્યુલ કરી દેવામાં આવે છે જેથી અરજદારને કોઈ ધક્કો ખાવાનો રહેતો નથી અને તેમના મોબાઈલના મેસેજ જતો રહે છે...ઇન્દ્રજીત ટાંક ( આરટીઓ, ભાવનગર )
રોજના કેટલા અરજદારો અને હજુ કેટલા દિવસ : ભાવનગરના આરટીઓ અધિકારી ઇન્દ્રજીત ટાંકે જણાવ્યું કે ભાવનગરમાં રોજના આશરે 80 થી 100 અરજદારની અપોઇન્ટમેન્ટ રહે છે પણ આગળના દિવસે અપોઇન્ટમેન્ટ રિશીડ્યુલ કરી દેવામાં આવે છે. જેથી અરજદારને કોઈ ધક્કો ખાવાનો રહેતો નથી અને તેમને મોબાઇલ દ્વારા મેસેજ મળી જાય છે. હજુ વડી કચેરીની જાણ મુજબ શુક્રવાર સુધી કામગીરી ચાલનાર છે. જો કે શુક્રવાર સુધી કામગીરી ચાલે એટલર બીજા દિવસે શનિવાર અને પછી રવિવાર એટલે અરજદારોને આવતા નવા સપ્તાહના પ્રારંભમાં લાયસન્સ પ્રક્રિયામાં આવવું પડે તો નવાઈ નહીં.