ભાવનગર: ભાવનગર જિલ્લામાં ઉનાળામાં કાળઝાળ ગરમીમાં 44 ડિગ્રી સુધી લોકોએ તાપ સહન કર્યા છે. ત્યાર બાદ વિધિવત રીતે ચોમાસાનો પ્રારંભ થયો છે. જિલ્લામાં મેઘરાજાના શ્રી ગણેશ થયા હતા. ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. ચોમાસાના પ્રારંભથી લોકોમાં આનંદ છવાયો હતો. અને ગરમીમાંથી લોકોને રાહત મળી હતી. જો કે જિલ્લામાં ભારે પવને તારાજી સર્જી હતી.
બપોર બાદ વાતાવરણમાં પલટો: ભાવનગરમાં સવારથી આકરા બફારાની વચ્ચે લોકો પોતાનો સમય વ્યતીત કરતા હતા. ત્યારે બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. અચાનક કાળા ડિબાંગ વાદળો ધસી આવ્યા હતા. સાંજ થતાં જ ભાવનગર શહેરના પશ્ચિમ વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ વરસતા લોકોમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી. આકરા તાપ અને બફારાની વચ્ચે ગાજવીજ સાથે શહેરમાં નહીવત વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.
વરસાદ વરસતા જગતનો તાત ખુશ: ભાવનગર શહેરના પશ્ચિમ વિસ્તારમાં નહિવત જેવો વરસાદ વરસતા વાતાવરણ બદલાઈ ગયું હતું. ત્યારે ઉમરાળા પંથકમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. વલભીપુર પંથક અને સિહોર પંથકમાં પણ ગાજવીજ સાથે વરસાદ વરસતા લોકોને ગરમી અને બફારામાંથી રાહત મળી હતી. ત્યારે જિલ્લામાં જગતનો તાત ખુશખુશાલ થઈ ગયો હતો. ભાવનગરના સરકારી ચોપડે ઉમરાળા પંથકમાં કુલ 11mm વરસાદ નોંધાયો છે, જ્યારે શિહોર પંથકમાં 8 mm વરસાદ નોંધાયો છે.
વરસાદને પગલે વેપારીઓને હાલાકી: શહેરમાં મેઘરાજાની એન્ટ્રી પહેલા પવનની એન્ટ્રી થઈ હતી. ભારે પવન ફૂંકાતા વાજડી જેવો માહોલ સર્જાયો હતો. ત્યારે જિલ્લામાં આજે રવિવારના દિવસે ધાર્મિક સ્થળ ખોડીયાર મંદિર ખાતે પણ ગાજ વીજ સાથે વરસાદ વરસતા ફુલ વેચતા વેપારીઓના તાલપત્રી અને ચીજ વસ્તુઓ ભીંજાઈ ગઈ હતી. જ્યારે અન્ય વેપારીઓને પણ વાજડી સાથે આવેલા પવનને કારણે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
ઉમરાળામાં ભારે પવને સર્જી તારાજી: ભાવનગર જિલ્લાના ઉમરાળામાં ભારે પવન સાથે વરસાદ થયો હતો. ત્યારે ઉમરાળાના સરપંચ ધમેન્દ્રભાઈ હેજમે જણાવ્યું હતું કે વરસાદ પહેલા આવેલા ભારે પવનને કારણે ઉમરાળામાં અનેક વૃક્ષો ધરાશાયી થઈ ગયા છે. વલભીપુર થી ઉમરાળાના માર્ગ ઉપર પણ વૃક્ષો ધરાશાઇ થયા છે. જ્યારે ઉમરાળા ગામમાં રસ્તા વચ્ચે પડેલા મહાકાય વૃક્ષને પગલે ગામ લોકો દ્વારા તેને ખસેડવાની જાત મહેનત હાથ ધરવામાં આવી હતી. ત્યારે સૌથી ગંભીર કહી શકાય તેવી ઘટના ઉમરાળા પ્રાથમિક શાળાના ઓરડાના પતરાઓ ઉડી ગયા હતા. આરોગ્ય કેન્દ્રનું મુખ્ય બોર્ડ પણ નીચે પડી ગયું હતું. ગામમાં મોટા ભાગે વીજ પોલ તૂટી ગયા છે. જે અકસ્માતને નોતરું આપી શકે છે. આમ ઉમરાળામાં આવેલા પ્રથમ વરસાદના ભારે પવનને કારણે ભારે નુકસાન થયું છે.