ભાવનગરઃ શહેરમાં વર્ષોથી ભગવાન રામની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે. તાજેતરમાં અયોધ્યામાં ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા થયા બાદ આ પ્રથમ રામનવમી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. અનેક ફલોટ સાથે શોભાયાત્રામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત જોવા મળ્યો હતો.
મહાઆરતી બાદ શોભાયાત્રાનું પ્રસ્થાનઃ ભાવનગર શહેરના વાઘાવાડી રોડ ઉપર પરિમલ ચોક નજીક આવેલા તપસી બાપુની વાડી ખાતે ભગવાન રામના મંદિરમાં બપોરે અને સાંજે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. જો કે સાંજના સમયે વર્ષોથી નીતિ નિયમ પ્રમાણે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા રામની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે. અયોધ્યામાં ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા બાદ પ્રથમ રામનવમીએ નિકળનારી ભગવાન રામની શોભાયાત્રાને પ્રસ્થાન કરાવવા માટે સાધુ સંતો અને રામભક્ત મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. શોભાયાત્રામાં કેસરિયો માહોલ જોવા મળ્યો હતો.
શહેરના મહત્વના વિસ્તારોનો સમાવેશઃ ભાવનગર શહેરમાં પરિમલ ચોક થી નીકળેલી ભગવાન રામની શોભાયાત્રા વાઘાવાડી રોડ ઉપર થઈને કાળાનાળા, નીલમબાગ સર્કલ, ચાવડી ગેટ,પાનવાડી થઈ જશોનાથ પહોંચી હતી અને ત્યાંથી આગળ પ્રસ્થાન પામી હતી. યોજાયેલી શોભાયાત્રામાં વિવિધ ફ્લોટ જોવા મળતા હતા. ભગવાન રામના, ભોળાનાથના, શહીદ સ્મારકના ફ્લોટ જોવા મળતા હતા. ડીજેના તાલ સાથે કેસરી ધ્વજા સાથે રામ ભક્તો શોભાયાત્રામાં જોડાયા હતા.
ચુસ્ત પોલીસ બંદોબસ્તઃ અયોધ્યામાં ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા બાદ પ્રથમ રામનવમી હોય અને શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હોવાને પગલે પોલીસ દ્વારા છેલ્લા ઘણા દિવસોથી ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવતું હતું. પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત વચ્ચે શોભાયાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવી હતી.
વિશ્વ હિન્દુ પરિષદના નેતા કિરીટભાઈ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, 1992માં બાબરી ધ્વંસ થયો એ પહેલા અનેક રામ જ્યોતિ યાત્રા, રામ પાદુકા યાત્રા જેવા કાર્યક્રમો થયા હતા. "રામલલ્લા આયેંગે મંદિર હમ વહી બનાયેંગે"ના સુત્રો સાથે પણ કાર્યક્રમો થયા હતા. આજે નિજ મંદિરમાં ભગવાન રામ બિરાજમાન છે. હિન્દુ સમાજમાં અતિ ઉત્સાહ છે અને માનવ મહેરામણ વધાવવા આતુર છે. ત્યારે શોભાયાત્રાને વધાવવા અનેક લોકો પહોંચી રહ્યા છે.