ભાવનગર: શહેરમાં ચોમાસામાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની વિકટ સમસ્યા સર્જાય છે. ત્યારે મહાનગરપાલિકાએ એક સ્પેશિયલ પ્રોજેક્ટ માટે સરકારમાં સૈદ્ધાંતિક મંજૂરી માંગી છે. આ પ્રોજેક્ટના કારણે પાણી ભરાવાની સમસ્યા હલ થવાનું સત્તાધીશો જણાવી રહ્યા છે. મહાનગરપાલિકાએ સ્પેશિયલ પ્રોજેક્ટ માટે સરકારમાં 99 કરોડની માંગણી મૂકી છે. આખરે શું છે આ સ્પેશિયલ પ્રોજેક્ટ તેના વિશે આજે અમે આપને જણાવી રહ્યાં છીએ.
નીચાણવાળા વિસ્તારોમાં સમસ્યા વરસાદી પાણીની
ભાવનગર શહેરના ચોમાસામાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાય છે, ત્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુભાઈ રાબડીયાએ જણાવ્યું હતું કે, મહાનગરપાલિકા 13 વોર્ડમાં વિભાજીત થયેલી છે. ત્યારે વરસાદી પાણીના નિકાલ માટે કુંભારવાડા,કરચલિયા પરા અને રૂવા વોર્ડ મારફત દરિયામાં પાણી જાય છે. આ વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યાઓ છે. ત્યારે કરચલીયા પરામાં પાણીના નિકાલ માટે એક સ્પેશિયલ પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે, જેની સૈદ્ધાંતિક મંજૂરી માટે ઠરાવ કરીને સરકારમાં મોકલવામાં આવ્યો છે.
ભાવનગર મહાનગરપાલિકાનો સ્પેશિયલ પ્રોજેક્ટ
મહાનગરપાલિકાએ વરસાદના પાણીના નિકાલ માટે સ્પેશિયલ પ્રોજેક્ટ તૈયાર કર્યો છે, ત્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુભાઈ રાબડીયાએ જણાવ્યું હતું કે, સરકારમાં 99 કરોડના ગ્રાન્ટ માટેની સૈદ્ધાંતિક મંજૂરી માટે ઠરાવ કરીને મોકલવામાં આવ્યો છે. આ સ્પેશિયલ પ્રોજેક્ટમાં 34 કિલોમીટર સ્ટોર્મ લાઈન જેમાં 32 કિલોમીટરના પાઇપ નાખવામાં આવશે. એજન્સી પાસે ખાસ DPR બનાવવામાં આવ્યો છે અને સરકારમાં મોકલાયો છે. આ સાથે 21 કિમી ડ્રેનેજ લાઇન અને જૂની લાઇન અપગ્રેડેશન કરવામાં આવશે. જેમાં 300 થી 400 ડાયા મીટરના પાઇપ મુકાશે જે દરિયાઈ ગ્રીક સુધી લઈ જશે તેમજ 3 KM બોક્સ ડ્રેન બનાવવામાં આવશે અને જે છે એને જીવંત કરવાનું પ્લાનિંગ છે.
સ્પેશિયલ પ્રોજેકટની માંગ વચ્ચે રોડની કામગીરી
મહાનગરપાલિકા સ્પેશિયલ પ્રોજેક્ટ અંતર્ગત જે વિસ્તારમાં સ્ટ્રોમ લાઈન અને ડ્રેનેજ લાઇન બીછાવાની વાત થઈ રહી છે ત્યાં હાલ નવો રોડ બનાવવાની પણ કામગીરી ચાલુ છે, ત્યારે ખોટા ખર્ચાને લઈને સવાલ કરતાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુભાઈ રાબડીયાએ જણાવ્યું હતું કે હાલ મુખ્ય કરચલિયા પરાથી ટેકરી ચોક વૈશાલી સુધીનો રોડ અતિ ગંભીર હોવાથી બનાવવામાં આવી રહ્યો છે જેની ટેન્ડર પ્રક્રિયા થઈ ચૂકી છે. સ્પેશિયલ પ્રોજેક્ટ મંજૂરી માંગવામાં આવી છે તે આવ્યા બાદ ટેન્ડરિંગ થશે અને મહાનગરપાલિકાની મેથડ પ્રમાણે કામ શરૂ થશે જેને અંદાજે દોઢ વર્ષ લાગી શકે છે.
કરચલિયા પરામાં લોકો વરસાદી પાણીથી ત્રસ્ત
મહાનગરપાલિકા જે સ્પેશિયલ પ્રોજેકટ કરવા જઈ રહી છે, તે ખાસ કરચલીયા પરામાં આવવાનો છે ત્યારે ઈટીવી ભારતે કરચલિયા પરામાં રહેતા મહિલાની મુલાકાત લીધી હતી. જે સ્થળે પાણી ભરાય છે તેના સ્થાનિક મહિલા સાથે વાતચીત કરી હતી. સ્થાનિક મહિલા અનિતાબેન બાંભણીયાએ જણાવ્યું હતું કે અમે અહીંયા કરચલીયા પરા વિસ્તારમાં રહીએ છીએ અને ચોમાસામાં ખૂબ પાણી આવે છે અને ભરાય છે. પાણી ઘરમાં ઘૂસી જાય છે જેમાં જીવજંતુ પણ આવી જવાનો ડર રહે છે. ચોમાસામાં હાલવા ચાલવામાં પણ તકલીફ પડે છે. વાહનો ચાલતા નથી અમે લોકો આવી જાય તેવી સ્થિતિ રહેતી નથી. ઘરની બહાર નીકળી ન શકીએ તેવી પરિસ્થિતિ સર્જાય છે જેનો નિકાલ કરવો જોઈએ.