ભાવનગર: લાભ પાંચમથી મુહૂર્ત કરીને ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો છે, ત્યારે એક જ દિવસમાં આવેલી મબલખ આવકને કારણે યાર્ડ ભરચક થઈ ગયું છે.
ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં મગફળીની અધધ આવકને કારણે યાર્ડ હાઉસફુલ જેવી સ્થિતિમાં ભાસી રહ્યો છે, બીજી તરફ મગફળની નવી આવક નહિં લાવવા માટેના યાર્ડ તરફથી ખેડૂતોને સુચન કરાયું છે.
નવી મગફળી ન લાવવા સૂચના: આ અંગે ભાવનગર માર્કેટીંગ યાર્ડના ઇન્સ્પેકટર મયુરસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, અમારે દિવાળી પહેલા આક શરૂ થઈ ગઈ હતી. લાભ પાંચમના મુહૂર્તમાં અમે 30 હજાર ગુણીની આવક લીધી છે.
અમારે રોજની 3500 ગુણી વહેંચાય છે. નીચા ભાવ 900 રહે છે અને ઊંચા ભાવ 1700 રૂપિયાની આસપાસ રહ્યા છે. અમે 30 હજાર ગુણીની આવક લીધા બાદ સૂચના મળે નહીં ત્યાં સુધી નવી મગફળી નહીં લાવવા જણાવ્યું છે,
ખેડૂતોની હૈયા વરાળ: ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં મગફળીની આવક થઈ રહી છે. અલગ-અલગ મગફળીઓના ભાવ પણ અલગ-અલગ છે, ત્યારે યાર્ડમાં મગફળી લઈને આવેલા ખેડૂતો ભાવને પગલે પણ નિરાશા સાથે કકળાટ કરી રહ્યા છે.
બાડી ગામથી આવેલા મગફળી લઈને યાર્ડમાં આવેલા શીખરભાઈ નામના ખેડૂતે જણાવ્યું હતું કે, અમે 8 વિઘામાં મગફળી વાવી અને 1080 રૂપિયામાં વહેંચી છે. વિઘા દીઠ 60 હજારનો ખર્ચ છે. 8 વિઘામાં 20 હજાર રૂપિયા તૂટે છે. જો 1300 રૂપિયા ભાવ મળે તો ખર્ચ નીકળી શકે, બાકી નહિ.
વેપારીઓ પણ નિરાશ: ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં બિયારણ હેતુ મગફળી ખરીદી કરવા માટે વર્ષોથી તમિલનાડુ અને કર્ણાટકથી વેપારીઓ આવી રહ્યા છે, ત્યારે છેલ્લાં આઠ વર્ષથી આવતા તમિલનાડુના વ્યાપારી રવિભાઈએ જણાવ્યું હતું કે, આ યાર્ડમાં મગફળી લેવા વર્ષોથી આવીએ છીએ, વાવેતર માટે બિયારણ રૂપે લેવા અને બિહાર,મધ્યપ્રદેશ,તમિલનાડુમાં મોકલીએ છીએ, પણ આ વર્ષે મગફળી વરસાદને પગલે પલળી ગઈ છે એટલે સારી ગુણવત્તામાં જોવામાં નથી આવતી. થોડી ઘણી તોય ખરીદી કરી રહ્યા છીએ. આ વર્ષે ઓછી ખરીદી કરી છે.