ભાવનગરઃ આજે ભાવનગરમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ બોર્ડની બેઠક યોજાઈ હતી. જેમાં વિપક્ષે સરકાર પર આકરા વાકપ્રહાર કર્યા હતા. સરકારી શાળાઓ ખાનગી શાળાને ટક્કર મારે તેવી બનાવવાના સરકારના દાવા છે. જો કે આવું કરવાને બદલે ખાનગી શાળામાં સરકારી શાળાના બાળકો ભણે તેવી CET પરીક્ષા લેવાઈ રહી છે. આ પરીક્ષામાં મેરિટમાં આવેલ વિદ્યાર્થીઓને ખાનગી શાળામાં મુકવામાં આવે છે અને 20000 રુપિયા જેટલી માતબર રકમની સ્કોલર શિપ પણ આપવામાં આવે છે. આ આક્ષેપ બાદ વિપક્ષે બોર્ડની બેઠકમાંથી વોકઆઉટ કર્યુ હતું.
સ્કોલરશિપમાં અસમાનતાઃ વિપક્ષે સ્કોલરશિપમાં અસમાનતા હોવાનો આક્ષેપ પણ કર્યો હતો. જો વિદ્યાર્થી સરકારી શાળામાં અભ્યાસ કરે તો માત્ર 5000 રુપિયા જેટલી સ્કોલરશિપ. જ્યારે ખાનગી શાળામાં અભ્યાસ કરે તો 20000 રુપિયા જેટલી માતબર રકમની સ્કોલરશિપ. આ અસમાનતાને લીધે વિદ્યાર્થીઓ સરકારી શાળાઓમાંથી ખાનગી શાળાઓમાં અભ્યાસ કરવા પ્રેરાશે. સરકારી શાળાઓ બંધ કરવાનો વારો આવશે. તેવા વાકપ્રહારો વિપક્ષે કર્યા છે.
સ્પષ્ટ દેખાય છે કે સરકાર સરકારી શાળાની વિરોધમાં કામ કરી રહી છે. સરકારી શાળાના વિદ્યાર્થીઓ CET પરીક્ષા પાસ કર્યા બાદ સૈનિક સ્કૂલ, ખાનગી સ્કૂલ અથવા તો અન્ય ઓપ્શનમાં જાય છે. ધોરણ 5 અને 6ના વિદ્યાર્થીઓ માટે આ પરીક્ષા લેવામાં આવે છે. તેનો સીધો મતલબ છે કે સરકારી શાળાના સારા વિદ્યાર્થીઓ ખાનગી શાળાઓમાં જતા રહેશે. સરકારને સરકારી શાળાને એમને એમ રાખવી છે અને ખાનગી સ્કૂલને 20,000ની સ્કોલરશિપ આપવી છે. આમ, સરકાર ખાનગી શાળાને પ્રોત્સાહન આપી રહી છે...પ્રકાશ વાઘાણી(સભ્ય વિપક્ષ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, ભાવનગર)
શાસક પક્ષનો પ્રત્યુત્તરઃ વિપક્ષના આ આક્ષેપ બાદ શાસક પક્ષ જણાવે છે કે, CET પરીક્ષા બાદ વિદ્યાર્થી સરકારે, શિક્ષણ વિભાગે આઈડેન્ટિફાઈ કરેલ શાળામાં અભ્યાસ કરશે તે વિદ્યાર્થી માટે ફાયદાકારક જ છે. વિદ્યાર્થીને વધુ ભૌગોલિક સુવિધાઓ મળશે, ઉચ્ચ વર્ગના અન્ય વિદ્યાર્થીઓ સાથે અભ્યાસ કરવાનો લાભ પણ મેળવશે.
CET ટેસ્ટમાં જે બાળકો પાસ થતા હોય તે બાળકો માલેતુજારોના બાળકો સાથે ભણે છે, તેવી આ એક યોજના છે. સરકારી શાળામાંથી વિદ્યાર્થીઓ સરકારે આઈડેન્ટિફાઈ કરેલ શાળામાં જશે. જ્યાં વધુ ભૌગોલિક સુવિધા મેળવશે. સરકારી શાળામાં વિદ્યાર્થીઓને 5,000 સ્કોલરશિપ મળવાપાત્ર છે. આ તો વિપક્ષે ખોટી પેટમાં ચૂક જ ઊભી કરવી છે...શિશિર ત્રિવેદી (ચેરમેન,નગર પ્રાથમીક શિક્ષણ સમિતિ,ભાવનગર)