ભાવનગર: ગુજરાતમાં ભાવનગરની ઓળખાણ ગાંઠિયાથી થાય છે. ત્યારે ભાવનગર શહેરમાં વહેલી સવારે ગાંઠિયાના સ્વાદને માણવાનું ભાવનગરવાસીઓ ચુકતા નથી. શહેરની કોઈ પણ ગલી ખાંચે ફાફડા અને વણેલા ગાંઠિયા બનાવતો એક વેપારી મળી જ જાય છે. ETV BHARATબે આવા જ એક વેપારીની દુકાનની મુલાકાત લીધી અને ગાંઠિયાના શોખીનોના મત પણ મેળવ્યા હતા.
સવારના નાસ્તા વગર ભાવનગર વાસી ઘરની બહાર નીકળતા નથી: ભાવનગરમાં સવારમાં બહાર નીકળેલો વ્યક્તિ ફાફડાની મજા લીધા વગર નથી રહેતો. ગુજરાતનું આ એવું શહેર છે કે જ્યાં સવારમાં ઘરે નાસ્તો કરીને નીકળ્યા બાદ પણ સંતોષ ગાંઠિયાથી થાય છે. ભાવનગરના ગાયત્રી મંદિર પાસે આવેલા અતુલભાઈ 20 વર્ષથી ફાફડા અને ગાંઠિયા બનાવે છે. જો કે એકલા ફાફડાની મજા નથી પણ તેની સાથે લટકાની કઢી, મરચા અને પોપૈયાનો સંભારો સ્વાદને ચટપટો બનાવે છે.
શહેરવાસીઓ માટે ફાફડા અને ગાંઠિયાની મજા: અતુલભાઈની દુકાને પોહચતા એક વ્યક્તિ મળી ગયા જેમનું નામ જણાવીને પોતાનો મત આમ વ્યક્ત કર્યો હતો. ભગીરથસિંહ સરવૈયાએ જણાવ્યું હતું કે,'આમ એવું છે કે લોકો સૌ સૌની રીતે નાસ્તો કરતા હોય છે, કોઈ ભાખરી ખાતા હોય, કોઈ રોટલી ખાતા હોય, અમુક ચવાણું, અલગ અલગ વસ્તુઓથી બધા ઘરે નાસ્તો કરતા જ હોય છે પણ એક ભાવનગરની એવી પરંપરા છે. નાસ્તો કર્યા બાદ કે ગમે ત્યાં મજૂરો છે, રોજમદારો છે, આ કેમ બંધાણ જેવું છે કે કાયમ ફાફડી સાથે મરચા, પોપૈયાનો સંભારો, બટેટા એ પહેલેથી ભાવનગરની અંદર ચાલ્યું આવે છે.'
ભાવનગરના લોકોને સંતોષ ગાંઠિયાના સ્વાદ બાદ મળે: ભગીરથસિંહે વધુમાં જણાવ્યું હતું કે, 'બહારગામથી કોઈ મહેમાન આવે, તો એમ કે પેલા મને નાસ્તામાં પાપડી, ફાફડા, ગાંઠિયા કે વણેલા ગાંઠિયા તમારા ભાવનગરના ખાવા છે. બહારગામ જતા હોય ત્યારે સામેવાળા એમ કે તમે જ્યારે આવો ત્યારે ભાવનગરના ગાંઠિયા લેતા આવજો. ભાવનગરના ગાંઠિયા પહેલીથી જ વખણાય છે. આ ફાફડી ગાંઠિયા, જલેબી એની સાથે પોપૈયાનો સંભારો, કઢી પછી બટેટા. એવું અલગ અલગ પ્રકારનું પણ મેં કીધું એમ ગમે તે માણસ હોય એને નાસ્તો ભલે ભાખરી ખાધી હોય પણ કામે ગયા પછી ત્યાં જઈને ગાંઠિયા ખાય પછી જ સંતોષ થાય. અમુક વડીલો તો સ્પેશિયલ સવારમાં અહીંયા ગાંઠિયા, કઢી 10 કે 20 રૂપિયાના ખાવા માટે આવે છે.'
બાવડામાં બળ હોય તો ગાંઠિયાનો વ્યવસાય થાય: અતુલભાઈની સાથે વાતચીત કરીને ફાફડા ગાંઠિયાની રેસિપી જાણવાનો પ્રયત્ન કર્યો ત્યારે ફાફડા ગાંઠિયા બનાવતા અતુલભાઈએ જણાવ્યું હતું કે,'અહીંયા 20 વર્ષથી હું ધંધો કરું છું અને ફાફડા બનાવવાની સિસ્ટમ ચણાનો લોટ, અજમા, હીંગ, તીખા, સોદાગર એનું બધું મિશ્રણ કરી લોટ બાંધવાનો હોય અને આ છેલ્લા 20 વર્ષથી ધંધો કરું છું.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે,'ફાફડા ગાંઠિયા બનવવામાં મહેનત મેઇન બાવડામાં છે અને હથેળીમાં છે. હથેળીથી ફાફડા બનાવવાના હોય છે એની હથેળીની જે કારીગરી છે એમાં થોડીક મહેનત વધારે લાગે છે. રેસિડેન્ટ વાળા આવે છે, અહીંયાંથી જે નીકળે એ પણ આવે છે,બહારગામના પણ આવે છે. ભાવ 400 રૂપિયાના કિલો છે અને 40 ના 100 ગ્રામ છે. અંદાજે રોજના 100 થી 150 લોકો આવે છે.'
આ પણ વાંચો: