ભાવનગર: ઉનાળાની પૂર્ણાહુતિ બાદ ચોમાસાનો પ્રારંભ થયો છે. ભાવનગર શહેર અને જિલ્લામાં મેઘરાજા દસ્તક દઈને જતા રહ્યા છે. ત્યારે ચોમાસામાં વરસાદથી ભીંજાવાથી બચવા માટે છત્રી અને રેઇનકોટની બજારમાં માંગ વધી રહી છે. વાદળછાયું વાતાવરણ સર્જાવાને પગલે લોકો બજારમાં છત્રી અને રેઇનકોટની ખરીદી કરતા નજરે પડ્યા છે.
ચોમાસા પહેલા છત્રી અને રેઇનકોટની ખરીદી: ચોમાસામાં પોતાનું રોજિંદુ કાર્ય યથાવત્ રાખવા માટે લોકો વરસાદથી ભીંજાતા બચી શકાય તે માટે છત્રી અને રેઇનકોટનો ઉપયોગ કરે છે. ત્યારે ભાવનગરની બજારોમાં છત્રી અને રેઇનકોટની ખરીદીમાં ધીરે ધીરે ગ્રાહકોની ભીડ વધી રહી છે. છત્રી ખરીદવા આવેલા હકુભાઈ રાણાભાઈ ખમણે જણાવ્યું હતું કે છત્રીમાં તો ગઈ સાલ કરતા આ વર્ષે થોડી મોંઘવારી આવી છે. 10 થી 15 ટકાનો વધારો થયો છે. કારણ કે બધી જ વસ્તુઓમાં મોંઘવારી આવી એટલે છત્રીમાં પણ થોડીક મોંઘવારી આવી છે. વરસાદ નજીક આવી ગયો છે તો મોટાભાઈ કહે કે છત્રી લેવી છે.. અત્યારે આ લોકો કહે છે કે સો રૂપિયાથી માંડીને 350 રુરિયા સુધીની છત્રી આવે છે અને માલ પણ સારો આવે છે.
છત્રીના ભાવમાં વધારો: ભાવનગરના મુખ્ય બજારમાં આવેલી દુકાનના માલિક સમીરભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે ભાવમાં એમ સમજો કે 8 થી 10 ટકાનો વધારો થયો છે. છત્રી અને રેઇનકોટમાં ગ્રાહકની માંગ એવી છે કે છત્રી અને રેઇનકોટમાં અમે જરાય ભીંજાવવા ન જોઈએ. એવા રેઇનકોટ અને એવી છત્રી મજબૂત ટકાઉ અને ઇન્ડિયન અમારી પાસે તમને બધી મળી રહેશે. છત્રી અને ફેન્સી રેઇનકોટમાં બધી વેરાઈટી મળી જશે. ભાવમાં જોઈએ તો અલગ અલગ 200, 225, 250, 300 સુધીની છત્રીમાં રેન્જ હોય છે.
રેઇનકોટમાં વેરાયટીની સાથે ભાવમાં વધારો: દુકાનદાર અને દુકાનના માલિક સમીરભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે રેઇનકોટની આપણે વાત કરીએ તો બાળકોના રેઇનકોટમાં 150 રૂપિયાથી માંડીને 500, 600, 700, 800 સુધીના બધા ફેન્સી, મજબૂત અને ટકાઉ રેનકોટ અમારી પાસે ઉપલબ્ધ છે, અને બધી વેરાઈટીમાં છે. લેડીઝ રેઇનકોટ, બાળકોના રેઇનકોટ, જેન્સ રેઇનકોટ અને ફરવા જતી વખતે એટલે કે ટ્રાવેલિંગમાં બહુ કંફટેબલ અને સારા ટ્રેકિંગ માટેના રેઇનકોટ કહેવાય એ પણ અમારી પાસે ઉપલબ્ધ છે. જેની કિંમત છે ફક્ત અને ફક્ત રૂપિયા 150. બાળકો માટે છોટા ભીમ, સ્પાઇડરમેન વગેરે જેવા રેઇનકોટ પણ ઉપલબ્ધ છે.