ભાવનગર: શહેરમાંથી એક હૃદય કંપાવતો કિસ્સો સામે આવ્યો છે. સગી માતા જીવે છે અને છૂટાછેડા બાદ પિતા સાથે રહેતી સાવકી માતાએ ક્રૂરતા હદ વટાવી દીધી. બાળ કલ્યાણ વિભાગને જાણ થતાં સ્થળ પર પહોંચી તપાસ કરતા તેઓ પણ ચોંકી ગયા હતાં. બાળ કલ્યાણ વિભાગે પોલીસ ફરિયાદ બાદ સાવકી માતા હવે પોલીસ સકંજામાં છે. જાણો વિગતથી.
સાવકી માતાએ ક્રૂરતાની તમામ હદ વટાવી
બાળ કલ્યાણ વિભાગની સમિતિના સભ્ય અપાલાબેન સંજયભાઈ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, બાળ કલ્યાણ સમિતિને ભાવનગરની શ્રીરામ સોસાયટીની આજુબાજુના રહીશો દ્વારા ચાઈલ્ડ હેલ્પ લાઈનમાં એક કોલ આવ્યો હતો અને કોલના આધારે અમારી બાળ કલ્યાણ સમિતિના સભ્ય પ્રભાબેન અને અન્ય સભ્યો ત્યાં પહોંચ્યા હતાં અને બાળકીનો કબજો લીધો હતો. આઠ વર્ષની બાળકી ઉપર એની માતા દ્વારા અત્યાચાર થતા હતા અને એની જાણ થતા તરત જ બાળકીનો કબજો લઈ અને અત્રે બાળકીને અમે બાળ સંભાળ ગૃહમાં રાખેલી છે એની મમ્મી એને જમવાનું ન્હોતી આપતી અને મારકૂટ કરતી હતી. જ્યારે બાળકીનો કબજો મેળવ્યો ત્યારે તેના હાથ-પગ બાંધી અને મોઢા અને નાક ઉપર સેલોટેપ ફરતી વિટાળેલી હતી. બાળકી ખૂબ જ ગભરાયેલી હતી અને દયનીય હાલતમાં મળી આવી છે.
માસૂમને આપી ભરપૂર યાતના
અપાલાબેને વધુમાં જણાવ્યું હતું કે, બાળકીના પિતા શેરબજારનું કામ કરે છે અને તેની માતા સાવકી છે, એટલે તેના દ્વારા જ વારંવાર દીકરી ઉપર અત્યાચાર કરવામાં આવતા. બાળકીને જમવાનું ન આપે અને તેના માથાના વાળ પણ કાઢી નાખ્યા હતા, તેના નેણ પણ કાઢી નાખ્યા અને તેને ઘરનું તમામ કામ કરાવવામાં આવતું હતું. દીકરીનું નિવેદન એવું છે કે, તે ઘણા સમયથી તેની સાથે આવું થતુ હતું, પણ સંસ્થા પાસે વાત કાલે આવી અને તરત જ અમે લોકોએ કડક પગલા લીધા. જો કે દીકરીના એક વીડિયોમાં પિતા પણ તેને નહિ બોલાવતા હોવાનું સામે આવ્યું છે.
માસૂમ બાળકીની સગી માતા પણ હયાત
અપાલાબેને વધુમાં જણાવ્યું હતું કે, માસૂમની સગી માતા પણ હયાત છે, જે તેના પતિથી અલગ થઈ ગઈ છે, પણ એની બીજી કોઈ ડીટેલ છે નહિં એ વિશેષ અમને ખબર નથી. પોલીસ ફરિયાદ કરાવી છે ગઈકાલે અને હવે આગળ જોઈએ છીએ કાનૂની જે કંઈ કાર્યવાહી થશે એમાં દીકરીને ન્યાય મળે એવી અમારા લોકોનો પ્રયત્ન રહેશે તમામ લોકોનો.
હાલમાં જે કિસ્સો સામે આવ્યો છે, તેને લઈને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પરંતુ આવો કિસ્સો અગાઉ હજુ સુધી ક્યારેય ધ્યાનમાં આવ્યો નથી. આ પ્રથમ વખત એવી ઘટના સામે આવી છે. ખાસ કરીને નાના મોટા મજૂરી કરતા કે શિક્ષણને લઈને કેસ બાળ કલ્યાણ વિભાગમાં આવતા હોય છે. મહિનાના 7 થી 8 કેસો સામે આવે છે. અંદાજે વર્ષમાં 80 થી 100 જેટલા કેસો સામે આવતા હોય છે. પણ આ પ્રકારનો કેસ પ્રથમ વખત સામે આવ્યો છે મારા કાર્યકાળ દરમિયાન. બાળ કલ્યાણ માટેની ચાઇલ્ડ હેલ્પલાઇન પહેલા એનજીઓ પાસે હતી. ગત જુલાઈ માસથી બાળ કલ્યાણ વિભાગને હેલ્પલાઇન 1098 સોંપવામાં આવી છે. હવેથી અમારી પાસે સંપૂર્ણ સંચાલન રહેશે. - એન.બી.ચૌહાણ, બાળ કલ્યાણ વિભાગના અધિકારી
પોલીસે કરી સાવકી માતાની અટકાયત
ફરિયાદ નોંધાયા બાદ સાવકી માતાને અટક કરી લેવામાં આવી છે. જો કે ત્રણ વર્ષ પહેલા બાળકીના પિતાએ તેની પહેલી પત્ની સાથે છુટાછેડા લઈ લીધા બાદ આ દીકરી તેના પિતા સાથે રહેતી હતી. જો કે સાવકી માતાની પણ બે દીકરીઓ છે. પરંતુ આ દીકરીને હાથ પગ બાંધીને માર મારવામાં આવતો હતો અને ઘરના કામ કરાવવામાં આવતા હતા તેમજ જમવાનું પણ ઓછું આપવામાં આવતું હતું. જેને લઇને પોલીસે હવે ફરિયાદ બાદ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આર.આર.સિંઘાલ, ડીવાયએસપી ,ભાવનગર