ભાવનગર : વર્ષ 2023 ના જુલાઈ માસમાં તળાજા તાલુકાના પિંગળી ગામમાં તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરીને વૃદ્ધ દંપતીની હત્યા કરવામાં આવી હતી. આ બનાવ સંદર્ભે વૃદ્ધ દંપતીના પુત્રએ તળાજા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે આરોપીઓની તપાસ હાથ ધરી હતી. આ ડબલ મર્ડર કેસમાં છેલ્લા છ મહિનાથી નાસતા ફરતા છ આરોપીઓને પોલીસે ઝડપી લીધા છે. સમગ્ર ઘટના પાછળના કારણો પણ પ્રાથમિક તપાસમાં સામે આવ્યા છે.
તળાજા ડબલ મર્ડર કેસ : આ અંગે મળતી માહિતી અનુસાર તળાજા તાલુકાના પીંગલી ગામે રહેતા શીવાભાઈ રાઠોડ અને વસંતબેન રાઠોડની 10 જુલાઈની મોડી રાત્રે હત્યા થઈ હતી. જેને પગલે મૃતકના પુત્ર સંજયભાઈ રાઠોડે તળાજા પોલીસ સ્ટેશનમાં લૂંટ અને હત્યાની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે ગુનો નોંધી પોલીસે અનેક ટીમ બનાવી આરોપીઓની તપાસ હાથ ધરી હતી. જોકે છ મહિનાથી આરોપી ફરાર રહેતા સમગ્ર મામલો ચર્ચામાં રહ્યો હતો.
પોલીસ કાર્યવાહી : તળાજાના પિંગળી ગામે બનેલા ડબલ મર્ડર કેસના આરોપીઓને પકડવા પોલીસ માટે એક પડકાર બની ગયો હતો. ત્યારે ભાવનગરના DSP હર્ષદ પટેલે જણાવ્યું હતું કે, ભાવનગરની LCB, SOG, પેરોલ ફ્લો સ્કોર્ડ અને તળાજા પોલીસે થ્રી આર્મી થિયરી અપનાવીને અને હ્યુમન સોર્સના માધ્યમથી આરોપીઓ સુધી પહોંચવામાં સફળતા મેળવી છે. તળાજા તાલુકાના ભદ્રાવળ પિંગળી રોડ ઉપર મોટી માંડવાળી ચોકડી પાસે બે શંકાસ્પદ લોકોની પૂછતાછ કરતા પિંગળી ગામે બનેલી ઘટનાની કબૂલાત આપી હતી. જેના આધારે પોલીસે કુલ છ શખ્સોને ઝડપી લીધા છે.
છ હત્યારા ઝડપાયા : ડબલ મર્ડર કેસના આરોપીઓમાં થોરાળી ગામના 44 વર્ષીય જોરું કમાભાઈ પરમાર, 35 વર્ષીય દીપા ઉર્ફે દીપકો કમાભાઈ પરમાર, 25 વર્ષીય મેરુ ઉર્ફ મેરીયો કમાભાઈ પરમાર તથા પીપરલા ગામનો 55 વર્ષીય ભુપત બચુભાઈ વાઘેલા, સાવરકુંડલાનો 25 વર્ષીય પ્રતાપ ઉર્ફે બોડો સામંતભાઈ ધોળકિયા અને પિંગળી ગામનો 44 વર્ષીય રણજીત કનુભાઈ યાદવ સંડોવાયેલા છે. જ્યારે હજુ ફરાર એક શખ્સ રતન ઉર્ફે રત્નો ભૂપતભાઈ વાઘેલાને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
વૃદ્ધ દંપતીની હત્યાનું કારણ ? ભાવનગર પોલીસે છ મહિનાથી હત્યાના આરોપીઓને ઝડપવા માટે 13 ગામના વિસ્તારના સીસીટીવી પણ ખંખોળ્યા હતા. જોકે અંતે હ્યુમન સોર્સના આધારે જોરુ પરમાર અને દીપા પરમાર ઝડપાઈ ગયા હતા. તેમની પૂછપરછ કરતા સમગ્ર મામલાનો ભેદ ખુલ્યો હતો. ભાવનગર DSP હર્ષદ પટેલે જણાવ્યું હતું કે, પૂછતાછમાં સામે આવ્યું હતું કે પીંગળી ગામના રહેવાસી રણજીત કનુભાઈ યાદવે વૃદ્ધ દંપતીની હત્યા કરવા માટે 5 લાખ રૂપિયાની સોપારી આપી હતી. જેથી આરોપીઓએ ડબલ હત્યા કેસને અંજામ આપ્યો હતો. મૃતકનો મોબાઈલ અને ઘરેણાં હજુ મળ્યા નથી.