ભાવનગર : અમદાવાદ-ધોલેરા હાઈવે પર કાળુભારના પાણી છ અબોલના જીવ લેતા ગયા છે. નદીના પાણીમાં 6 જેટલી ગાયના મૃતદેહ તણાઈને આવ્યા છે, જે બે દિવસથી પાણીમાં તરી રહ્યા છે. જોકે, ત્રીજા દિવસે ચાર મૃતદેહ કોઈએ દૂર કર્યા છે. જોકે, આ મામલે પીધું વિભાગ, કલેકટર કચેરી અને માઢીયાના સરપંચ સહિતના લોકો અજાણ છે.
અગરિયામાં તરતા મૃતદેહ : ભાવનગરના અમદાવાદ ધોલેરા હાઈવે પર મીઠાના અગરિયા પાસે આવતા કાળુભાર નદીના પાણીના સાથે કેટલીક ગાયો તણાઈને આવી હતી. સ્થાનિક રામદેવસિંહ ગોહિલે જણાવ્યું કે, અત્યારે 6 ગાયોના મૃતદેહ મળ્યા છે. તપાસ કરીએ તો બીજા પણ પ્રાણીઓ નીકળી શકે છે. કાળુભારનું પાણી છોડતા ભાલ વિસ્તારમાં પાણી આવ્યું અને ફરતા ગામમાં બધી બાજુ અને વિવિધ વિસ્તારની ગાયો તણાઈને આવી હોય એવું લાગે છે.
નાયબ કલેકટરે મૌન સેવ્યું : બોટાદ જિલ્લાના ગઢડાનો કાળુભાર ડેમ ઓવરફ્લો થતા ગઢડાથી ભાવનગર જિલ્લામાં પસાર થઈને દરિયામાં ભળી જાય છે. ભાવનગરના ભાલ કહેવાતા માઢિયા નજીક નીકળતી કાળુભાર નદીમાં 6 જેટલી ગાયો તણાઈને આવ્યા બાદ મૃત હાલતમાં હાઇવે નજીક જોવા મળી રહી છે. આ મુદ્દે નાયબ કલેકટરને પૂછતાં કેમેરા સામે જવાબ આપવાની મનાઈ ફરમાવી હતી. પરંતુ માહિતી નહીં હોવાથી મૌખિક જણાવ્યું હતું કે, મારામાં આવતું નથી, મને ખ્યાલ નથી. આથી કશું કહ્યું નહીં.
લ્યો ! તંત્રને તો જાણ જ નથી : ગાયના મૃતદેહ કાળુભાર નદીમાં તણાઈ આવ્યા કે અન્ય કોઈ રીતે ગાયોના મોત થયા છે, આ જાણવા માટે જિલ્લા પંચાયતમાં પીધું વિભાગના અધિકારી બારૈયા સાહેબ સાથે ટેલિફોનિક વાતચીત કરતા તેમણે જણાવ્યું કે, અમને ખ્યાલ નથી ગાયો ક્યાં છે. જોકે મૃત હોય તો જે તે પંચાયતમાં તેને નિકાલ કરવાની કામગીરી આવે છે.
હાથ ઉંચા કરતા પદાધિકારીઓ : આ મામલે ETV Bharat એ માઢિયા સરપંચ બિપિન ચુડાસમા સાથે ટેલિફોનિક વાતચીત કરતા એમને જણાવ્યું કે, અમારો વિસ્તાર કાળુભાર નદી સુધીનો છે. ત્યારબાદનો વિસ્તાર અમારામાં આવતો નથી. નોંધનીય છે કે, ETV Bharat ના માધ્યમથી તંત્રને જાણ થઈ હતી કે, મૃત ગાયો હાઇવે નજીક પાણીમાં તરી રહી છે.