ભાવનગરઃ શહેરના ઘોઘા ગેટના મુખ્ય રસ્તાને 2 આખલાઓએ યુદ્ધનું મેદાન બનાવી દેતા અફરાતફરી મચી ગઈ હતી. રાહદારીઓના જીવ તાળવે ચોંટી ગયો હતો. રખડતાં ઢોરોની સમસ્યાનું નિરાકરણ લાવવામાં છેલ્લા 27 વર્ષથી શાસનમાં રહેલા ભાજપ અસફળ રહી છે. વિપક્ષે આ ઘટના સંદર્ભે સત્તા પક્ષ પર આકરા વાકપ્રહાર કર્યા છે જ્યારે સત્તા પક્ષે "કામગીરી થઈ રહી છે" તેવો સરકારી જવાબ આપીને કોઈપણ પ્રકારના નક્કર ઉકેલની ગેરંટી આપવાનું ટાળ્યું છે.
રાહદારીઓને જીવ અધ્ધરઃ ભાવનગર શહેરનો મુખ્ય વિસ્તાર એટલે ઘોઘા ગેટ ચોક. આ વિસ્તારને 2 આખલાઓ અખાડામાં ફેરવી કાઢ્યો હતો. આખલાઓની વચ્ચેનું યુદ્ધ ઘણી મિનિટો સુધી ચાલ્યું હતું. ઘોઘા ગેટ ચોકની વચ્ચે બાખડતા બે આખલાઓને પગલે રસ્તા પર નીકળતા રાહદારીઓના જીવ તાળવે ચોટી ગયા હતા. વાહન ચાલકો પણ સાચવીને વાહનો હંકારતા નજરે પડતા હતા. સૌ કોઈ યુદ્ધના મેદાનના છેડેથી સ્પર્શીને ઝડપથી નીકળવા તત્પર હતા. વર્ષોથી સત્તામાં રહેલા શાસકો આ સમસ્યા હલ કરવામાં કેમ પાછા પડી રહ્યા છે તેવો સવાલ લોકોમાં ચર્ચાતો હતો.
શહેરના મધ્ય ઘોઘા ગેટ ચોકમાં 2 આખલાઓ વચ્ચે યુદ્ધ જોવા મળ્યું હતું. મહા નગર પાલિકામાં દર મહિને 55 લાખ રુપિયા જેટલી માતબર રકમ ખર્ચ કરવામાં આવે છે. રખડતાં ઢોરોને લીધે અનેક લોકોના જીવ ગયા છે અને અનેક લોકોને ઈજાઓ થઈ છે. અનેક નાગરિકોએ પોતાના સ્વજન ગુમાવ્યા છે. સરકારે ઘર સુધી પહોંચીને રજીસ્ટ્રેશન કરવા માટે કહ્યું છે પણ ક્યાંક મહા નગર પાલિકાને ઢોર પકડાય તેમાં સંતોષ હોય તેમ લાગી રહ્યું છે. મને લાગે છે કે મહા નગર પાલિકાના અધિકારીઓને તેમાં કોઈ ગતાગમ નથી...પ્રકાશ વાઘાણી(પૂર્વ પ્રમુખ, ભાવનગર શહેર કૉંગ્રેસ)
મહા નગર પાલિકા રખડતાં ઢોરને પગલે પોલીસી બેઝ્ડ કામ કરી રહી છે. શહેરમાં 3 ઢોરના ડબ્બા કાર્યરત છે. જેમાં 2600 થી વધારે ઢોર છે. દર મહિને 55 લાખ જેટલો ખર્ચો ઢોરોના નીરણ અને નિભાવ પાછળ કરવામાં આવે છે. દોઢ કરોડના ખર્ચે નવો ઢોર ડબ્બો પણ બનાવવામાં આવી રહ્યો છે. સરકારના નવા નિયમ પ્રમાણે 1600થી વધારે આજુબાજુની પાંજરાપોળમાં ઢોર મુકવામાં આવ્યા છે. સરકારના પરિપત્ર પ્રમાણે 780 લોકોને નોટિસ ફટકારી છે. તેમાં 115ની અમલવારી થઈ છે. કુલ રજીસ્ટ્રેશન માટે 2100 લોકો સામે આવ્યા છે...રાજુ રાબડીયા(ચેરમેન, સ્ટેન્ડિંગ કમિટી, ભાવનગર મનપા)
નક્કર પ્લાનિંગનો અભાવઃ આગામી દિવસોમાં કુંભારવાડામાં નવો ઢોર ડબ્બો બની રહ્યો છે. તેની અમલવારી ખાસ આખલાઓ માટે જ કરવામાં આવશે. જો કે આખલાઓ માટે ખાસ ડબ્બો બનાવવામાં આવશે તો શું આજ દિન સુધી આખલાઓ પકડવામાં નહોતા આવતા? આ સવાલ પણ ઉપસ્થિત થાય છે. જો કે જે રીતે શહેરમાં ઢોર અને રખડતાં આખલાઓ મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યા છે તેને લઈને મહા નગર પાલિકાનું કોઈ પ્લાનિંગ નહિ હોવાનું ભાસે છે. છેવટે તો રસ્તા પર નીકળતી પ્રજાને રખડતાં ઢોર વચ્ચે પીસાતા રહેવાનું અટકશે નહિ તેવું લાગી રહ્યું છે.