ભાવનગરઃ અલંગ વિકાસ સત્તા મંડળની રચના બાદ 3 ટીપી સ્કીમ તૈયાર કરવામાં આવી છે. જેમાં મણાસ અને તેની આસપાસના 17 ગામોનો સમાવેશ કરાયો છે. આ 17 ગામો છેલ્લા 4 વર્ષથી અલંગ વિકાસ સત્તા મંડળ અને ટીપી સ્કીમનો વિરોધ નોંધાવી રહ્યા છે. આજે ફરી એક વખત મણાર ગામે એક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં માંગ કરવામાં આવી હતી કે અલગ વિકાસ સત્તામંડળ અને ટીપી સ્કીમ બંધ રાખવામાં આવે. આ માંગણી સંદર્ભે 17 ગામની ગ્રામ પંચાયતો દ્વારા એક સરખો ઠરાવ કરવામાં આવ્યો હતો.
![મણાર સહિત 17 ગામોએ એક સરખો ઠરાવ કરીને વિરોધ નોંધાવ્યો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/19-03-2024/21025176_b_aspera.jpg)
વિરોધ સંમેલનમાં કનુભાઈ કળસરીયાની હાજરીઃ ભાવનગર જિલ્લાના અલંગ નજીક આવેલા મણાર ગામે 17 ગામના ખેડૂત, આગેવાનો અને ગ્રામ્યજનો એકઠા થયા હતા. ખેડૂતોએ એકઠા થઈને એક સંમેલનનું આયોજન કર્યુ હતું. જેમાં અલગ વિકાસ સત્તા મંડળ અને ટીપી સ્કીમને લઈને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે મહુવાના ધારાસભ્ય કનુભાઈ કળસરીયા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કનુભાઈ મંચ ઉપરથી સૂચક વક્તવ્ય પણ આપ્યું હતું. કનુભાઈએ જણાવ્યું હતું કે, બધા પક્ષમાં બધા સરખા છે તેવા ખુલાસા સાથે હવે એક પણ પક્ષમાં નહી જોડાય અને હકની લડાઈ માટે આગળ રહેશે તેવું નિવેદન કર્યુ હતું. જ્યારે અન્ય ખેડૂત આગેવાનોએ પોતાની માંગને વળગી રહેવા તાકીદ કરી હતી.
![મણાર સહિત 17 ગામોએ એક સરખો ઠરાવ કરીને વિરોધ નોંધાવ્યો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/19-03-2024/21025176_d_aspera.jpg)
17 ગામો અને તેમના ઠરાવની માંગણીઃ અલંગ વિકાસ સત્તા મંડળની ટીપી સ્કીમ 17 ગામોને અસરકર્તા છે. આ 17 ગામોમાં મણાર, કઠવા, ત્રાપજ મથાવડા, ભાંખલ, ભારાપરા, અલંગ, પાંચ પીપળા, ચણિયાળા, ગરીબપુરા, સોસીયા, ગોરીયાળી, નવાગામ, કુકડ, માંડવા અને જસપરાનો સમાવેશ થાય છે. જો કે મણાર ગ્રામ પંચાયતે ઠરાવ કર્યો હતો કે "મણાર ગ્રામ પંચાયત છેલ્લા 4 વર્ષોથી વિરોધ કરી રહ્યું છે. ખેડૂતોની 4 વર્ષથી માંગ છે કે અલંગ વિકાસ સત્તા મંડળ બંધ કરવામાં આવે અને હાલની ટાઉન પ્લાનિંગ સ્કીમ પણ બંધ કરવામાં આવે. અમે આનો વિરોધ નોંધાવીએ છીએ. આ સાથે અલંગ મણાર ખેડૂતની જમીન અંગે જીઆઇડીસી સંપાદન કાર્યવાહી બંધ કરવા નામદાર હાઇકોર્ટ અને સરકારના ઠરાવ મુજબ જે તે ખેડૂતોને તેની જમીન રીગ્રાન્ટ કરવાની તથા વળતર સંબંધી સરકારના ઠરાવ છતા નિર્ણય મુજબ કાર્યવાહી 25 વર્ષથી વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પણ કારણ વગર તંત્ર દ્વારા કરવામાં આવતી નથી. જેનો પણ વિરોધ દર્શાવીએ છીએ.
![મણાર સહિત 17 ગામોએ એક સરખો ઠરાવ કરીને વિરોધ નોંધાવ્યો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/19-03-2024/21025176_c_aspera.jpg)
શું કહે છે અલંગ વિકાસ સત્તા મંડળના ચેરમેન?: અલંગ વિકાસ સત્તા મંડળના ચેરમેન હાલ પ્રાદેશિક કમિશનર ઈન્ચાર્જમાં છે. ચેરમેન અને પ્રાદેશિક કમિશનર ડી.એમ. સોલંકીએ જણાવ્યુ હતું કે, અલંગ અને જે ટીપીની રચના થયેલી છે એની આજુબાજુના 17 ગામોના ખેડૂતો વિરોધ કરી રહ્યા છે તે છેલ્લા 2 દિવસથી જાણવા મળ્યું છે. 3 ટીપી સ્કીમની પ્રાથમિક રીતે છે એના મુદ્દાને જાહેર કરવામાં આવેલા છે. જે નગર રચના અધિકારી છે એ વાંધા અરજીની સુનાવણી કરશે. જેમાં તેમના વાંધાઓ સાંભળવામાં આવશે અને ત્યાર પછી એનો યોગ્ય નિકાલ કરીને પછી કોઈ કાર્ય થતું હોય છે. એમને પણ સૂચના આપી છે આ બાબત ધ્યાનમાં આવ્યા પછી તરત જ કારોબારી અધિકારી જે છે, એ પ્રાંત અધિકારી તળાજા છે અને એમને પણ સૂચના આપી છે. એની રજૂઆત જે બાબતની છે એ ધ્યાનમાં રાખીને પછી આગળની પ્રક્રિયા કરવામાં આવશે.
સત્તા મંડળનો હેતુ વિકાસ કરવાનોઃ પ્રાદેશિક કમિશનર ડી. એમ. સોલંકીએ જણાવ્યું હતું કે, લોકો ચાર્જ ભરવાનો આવશે કે જમીનની કપાત થશે એ 2 મુદ્દે વિરોધ કરી રહ્યા છે. ઓથોરિટી હેઠળના ગામડાંઓનો એરીયા ડેવલપ કરવાનો સતા મંડળનો હેતુ છે. આ વિસ્તારનો યોગ્ય રીતે વિકાસ થાય અને વિકાસ માટે જમીન પણ ઉપલબ્ધ થાય અને બીજું કે સ્થાનિક કક્ષાએ જે ગ્રામ પંચાયત કે એ પ્રકારની જે વહીવટીને કામગીરી છે એ પણ વધારે સારી રીતે થશે. એનાથી કોઈ નુકસાન થવાને બદલે પદ્ધતિસરનો એ વિકાસ થશે.