ભરુચઃ પાલેજ પોલીસે 2 આરોપીઓને નશાકારક કફ સીરપનું ગેરકાયદેસર વેચાણ કરતાં ઝડપી લીધા છે. પોલીસે આરોપીઓ પાસેથી નશાકારક કફ સીરપની 510 નંગ બોટલ સહિત કુલ 77,950 રુપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
સમગ્ર ઘટનાક્રમઃ ભરૂચ પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઈન ભરૂચ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જેમાં પાલેજ પોલીસને મહત્વની સફળતા મળી છે. પાલેજના જહાંગીર પાર્કમાં કેટલાક ઈસમો ગેરકાયદેસર કફ સીરપનું વેચાણ કરી રહ્યા છે તેવી બાતમી પોલીસને મળી હતી. પોલીસે બાતમીને આધારે આ સ્થળ પર દરોડા પાડ્યા હતા. જ્યાં પોલીસને મકાન અને દુકાનમાંથી નશાકારક કફ સીરપની 510 નંગ બોટલ મળી આવી હતી. પોલીસે જહાંગીર પાર્કમાં રહેતા રિઝવાન પટેલ અને સુરતના વેર રોડ પર રહેતા ભાવેશ ખીજડીયાની ધરપકડ કરી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
77,950નો મુદ્દામાલ જપ્તઃ પોલીસે રૂપિયા 77,950નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ કફ સીરપ તેઓ ક્યાંથી લાવ્યા હતા તે સહિતની વિગતો મેળવવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ભરૂચ જિલ્લાના પાલેજ ખાતે આવેલા જહાંગીર પાર્ક સોસાયટી માંથી કોડીન કફ સીરપની બાટલી નંગ 510 કિંમત રૂ.77,950નો મુદ્દામાલ સાથે 2 આરોપીઓને પાલેજ પોલીસે ઝડપી પાડ્યા હતા. પોલીસે તેમના વિરુધ્ધ એનડીપીએસ એક્ટ મુજબનો ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે.
પોલીસે પંચોની રૂબરૂ પાલેજ સીટી રેસ્ટોરેન્ટની બાજુમાં આવેલા જહાંગીર પાર્કમાં આવેલા મકાન નંબર સી-5 માં રેડ કરી હતી. જેમાં પ્રથમ મકાનની આગળ આવેલી દુકાનમાં તપાસ કરતા ત્યાં એક ઈસમ નામે રિઝવાન મુબારક પટેલ મળી આવ્યો હતો. પોલીસે તેની હાજરીમાં દુકાનામાં તપાસ કરતા કાઉન્ટરના પ્લેટફોર્મ નીચે એક પ્લાસ્ટિકના બોક્સમાંથી 100 MLની 30 નંગ કફ સીરપની બોટલ્સ મળી આવી હતી. જેના પર કોડીન ફોસ્ફેટ અને ટ્રિપ્રોલિડીન હાઇડ્રોક્લોરાઇડ સીરપ કોડિકેલમ-ટી કફ સીરપ (ખાંડ મુક્ત) અને કિંમત રૂ.149 લખેલી હતી...સી. કે. પટેલ(ડીવાયએસપી, ભરૂચ)