અંકલેશ્વર : રાજ્યભરમાં હાલતો ધોરણ 10 અને 12ના સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષા ચાલી રહી છે. તેવામાં અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ લાયન્સ ગુજરાતી માધ્યમ શાળામાં પરીક્ષા આપવા આવેલ વિદ્યાર્થિનીઓના હિજાબ કઢાવી નાખવામાં આવતા વિવાદ સર્જાયો હતો. વાલીના જણાવ્યાં પ્રમાણે ગઈકાલે તેમની પુત્રી બોર્ડની પરીક્ષામાં ગણિતનું પેપર આપવા માટે પરીક્ષા ખંડમાં પહોંચી હતી જ્યાં પરીક્ષા શરૂ થતા પહેલા 2થી 3 મહિલા સ્ટાફ તેમની પાસે આવ્યા હતાં અને ચેકિંગના નામે તેમના હિજાબ ઉતારવા માટે કહેવામાં આવ્યું હતું.પરીક્ષા ખંડના વચ્ચે જ તેમને હિજાબ કાઢવા માટે કહેવામાં આવતા તેઓનું માનસિક મનોબળ પરીક્ષા પહેલાં જ તૂટી ગયું હોવાના આક્ષેપ વાલીઓએ કર્યા છે.
ઈરાદાથી હિજાબ કઢાવ્યું હોવાનો આક્ષેપ: વાલીના જણાવ્યા મુજબ ચેકિંગ કરવામાં આવે તેમનાથી તેમને કોઈ વાંધો નથી, પરંતુ ત્યારબાદ તેમને હિજાબ રિટર્ન કરવામાં ન આવ્યું હતું અને પરીક્ષા પૂર્ણ થયા બાદ વિદ્યાર્થિનીઓએ આચાર્યની ઓફિસમાંથી હિજાબ રિટર્ન લેવા જવાની ફરજ પડી હતી. વધુમાં તેઓ ઉમેરે છે કે હાલમાં મુસ્લિમ સમાજનો પવિત્ર રમજાન માસ શરુ થયો છે અને મુસ્લિમ સમુદાયમાં હિજાબનું ચુસ્તપણે પાલન કરવાનું હોય છે જે અમારી પુત્રીઓ કરે છે. પરંતુ તે અરસામાં ચેકિંગના નામે હિજાબ કઢાવવામાં આવ્યું તે ચોક્કસ રીતે એક સમુદાયને નિશાન બનાવી ઈરાદાથી કરાયું હોવાનો કૃત્ય પ્રથમ દ્રષ્ટિએ જણાય છે તેમ તેઓએ કહ્યું હતું.
પરીક્ષા ખંડમાં 80 થી 85 ટકા ચહેરો દેખાવો જોઇએ : વાલીએ વધુમાં જણાવ્યું કે અમે શાળામાં આચાર્યને રજૂઆત કરવા પહોંચ્યા ત્યારે અમને જાણ કરવામાં આવી કે જિલ્લા શિક્ષણ વિભાગ તરફથી મળેલ સૂચનોને આધીન કાર્યવાહી કરવામાં આવી હતી. સીસીટીવી ફૂટેજમાં પરિક્ષાના નિયમો મુજબ 85 ટકા ચહેરો દેખાવો જોઇએ જે ન દેખાતા અને સીસીટીવી ચેક કરતા ઓપરેટરના ધ્યાને આવતા તેમણે ઓબઝર્વરને ધ્યાન દોર્યું હતું. ત્યારબાદ તેમના હિજાબ કઢાવવામાં આવ્યાં હતાં. ત્યારે અમારો પ્રશ્ન એ છે કે જ્યારે પાસપોર્ટ ડિપાર્ટમેન્ટ લઈ તમામ ડિપાર્ટમેન્ટમાં હિજાબ સાથેના ફોટો વેલીડ હોય તો પરીક્ષા ખંડમાં 80 થી 85 ટકા ચહેરો દેખાતો હોવા છતાં કેમ હિજાબ કઢાવી નાખવામાં આવ્યા ? વધુમાં તેમણે આ મામલે ઓબ્સર્વર અને તેમાં સામેલ અન્ય તમામને સસ્પેન્ડ કરવા માંગ કરી છે.
શાળાના આચાર્યની સ્પષ્ટતા : બીજી તરફ શાળાના આચાર્યના જણાવ્યા મુજબ આ તમામ પરીક્ષાના નિયમોનો પાલન જિલ્લા શિક્ષણ વિભાગની કચેરી તરફથી મળતી સૂચનાના આધારે થાય છે જેમાં શાળા કે શાળા મંડળની કોઈ ભૂમિકા રહેતી નથી. ગઈ કાલે જે ઘટના બની તે ઓબ્ઝર્વેરની ટીમને ધ્યાને આવતા હિજાબ ઉતારવામાં આવ્યા હતાં અને આજે વાલી આ બાબતે રજૂઆત કરવા આવ્યા હતાં. જેમને સાંભળવામાં આવ્યા છે અને તેઓ આ બાબતે જિલ્લા શિક્ષણ વિભાગમાં રજૂઆત કરે તે માટે માર્ગદર્શન અપાયું હોવાનું કહ્યું હતું.