ભરૂચ: અંકલેશ્વરના જીતાલી વિસ્તારમાં છઠ પુજાના દિવસથી ગુમ થયેલ 8 વર્ષના બાળકનો વિક્ષત હાલતમાં મૃતદેહ પાડોશીના મકાનમાં લોખંડની પેટીમાંથી મળી આવતા ચકચાર મચી જવા પામી છે. ઘટનાને લઈને પોલીસે પાડોશી વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધીને તેની અટકાયત કરી હતી. ચોંકાવનારી બાબત એ છે કે જે પાડોશી યુવક પર હત્યાનો આરોપ લાગ્યો છે તે CRPF કોન્સ્ટેબલ છે અને તાજેતરમાં દિવાળીની રજા હોવાથી પોતાના ઘરે આવ્યો હતો.
ઘરની બહાર રમતો બાળક અચાનક ગુમ થયો
અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામમાં આવેલી ગ્રીન સીટી ટાઉનશિપમાં રહેતા ભીષમ રાજભરનો 8 વર્ષીય બાળક શુભ 6 નવેમ્બરના રોજ બપોરના સમયે ઘરની બહાર રમતો હતો. જોકે ત્યારબાદથી તે ગુમ થયો હતો. બાળકના પિતા સહીત પરિવારજનોએ વ્યાપક શોધખોળ કરી છતાં તેનો પતો ન મળતા અંતે અંકલેશ્વર રૂરલ પોલીસ મથકે બાળક ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. બાળક ગુમ થયાની ફરિયાદ બાદ રૂરલ પોલીસે પણ સધન શોધખોળના ચક્રો ગતિમાન કર્યા હતા.
વોટ્સએપ પર પિતા પાસે ખંડણીની માંગ
બાળકના પિતાના જણાવ્યા પ્રમાણે કોઈ અજ્ઞાત મોબાઈલ ઉપરથી વોટ્સઅપ ઉપર તેમના બાળકનું અપહરણ કરાયુ છે અને છોડાવવા માટે રૂ.5 લાખની ખંડણીની માંગ કરવામાં આવી હતી. અપહરણની આશંકા સામે આવતા અંકલેશ્વર રૂરલ પોલીસ તેમજ ભરૂચ એલ.સી.બી.પોલીસે એ દિશામાં તપાસ હાથ ધરી હતી. જે મોબાઈલ ઉપરથી ખંડણીનો મેસેજ આવ્યો હતો તેને ટ્રેસ કરાતા તેનુ લોકેશન ઘરની આસપાસ જ આવતા પોલીસે વધુ સઘન તપાસ હાથ ધરી હતી. જેમાં મૃતક બાળકના ઘરથી ત્રીજા ઘરે તપાસ કરતા બાળકની નિર્મમ હત્યા થઇ હોવાનો ઘટસ્ફોટ થયો હતો.
પાડોશના ઘરમાંથી મળ્યો બાળકનો મૃતદેહ
રૂમમાંથી તીવ્ર ગંધ આવતા પોલીસે પલંગ નીચે મુકેલી લોખંડની પેટીને ખોલતા તેમાંથી હાથ પગ બાંધેલા તેમજ મોં ઉપર સિલ્વર ટેપ બાંધેલી હાલતમાં બાળકનો મૃતદેહ અંત્યંત વિક્ષત હાલતમાં મળી આવ્યો હતો. પોલીસે લોખંડની પેટીમાંથી મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો. તેમજ વધુ તપાસ અર્થે બાળકના મૃતદેહને સુરત ફોરેન્સિક વિભાગ ખાતે લઇ જવાયો હતો. પોલીસે લાશ મળ્યા બાદ તુરંત હત્યારા પાડોશી શૈલેન્દ્ર રાજપુતની અટકાયત કરી હતી અને કડક પુછપરછ કરતા આ નિર્મમ હત્યાનો ચોંકાવનારો ભેદ ઉકેલાયો હતો.
શેરબજારમાં નુકસાન થતા કર્યું બાળકનું અપહરણ
ઘટના અંગે અંકલેશ્વરના DySP ડો. કુશલ ઓઝાએ જણાવ્યું કે, પોલીસની પુછપરછ દરમિયાન હત્યારા પાડોશીએ કબૂલ્યું હતું કે, તેને શેરબજાર સહિત ઓનલાઇન સટ્ટામાં હારી જતા આર્થિક નુકશાન થયું હતું અને તેને ભરપાઈ કરવા બેંકમાંથી લોન લીધી હતી અને લોનના હપ્તા ભરવા રૂપિયાની જરૂર પડતા બાળકનું અપહરણ કરી રૂ. પાંચ લાખની માંગણી માગી હતી. બાળકને અપહરણ કરી હાથ પગ બાંધી બુમ ના પાડે તે માટે તેનું મોં સિલ્વર ટેપથી બાંધી દીધુ હતુ અને લોખંડની પેટીમાં મુકી દીધો હતો. પરંતુ ગુંગળામણને કારણે બાળકનું અપહરણના દિવસે જ મોત નીપજ્યુ હતુ. બાળક ગુમ થયા બાદ વિવિધ પોલીસ ટુકડી સતત ઘટના સ્થળે તપાસમાં હતી, જેને કારણે હત્યારો લાશને કોઈ કાળે સગેવગે કરી શક્યો નહોતો.
ઉલ્લેખનીય છે કે હત્યારો શૈલેન્દ્ર રાજપુત સી.આર.પી.એફ.માં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. હાલ તેની પોસ્ટિંગ મઘ્ય પ્રદેશના ગ્વાલીયર ખાતે છે. દિવાળીની રજા હોવાથી તે અંકલેશ્વર આવ્યો હતો. અંકલેશ્વર રૂરલ પોલીસે હત્યારાની ધડપકડ કરી હત્યાનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ પણ વાંચો: