ભરૂચ: અંકલેશ્વર તાલુકામાં પસાર થતાં નેશનલ હાઈવે 8 પર એક મહિલા પોતાના તાજા જન્મેલા બાળક સાથે રજળતી હતી. સ્થાનિકોની નજર આ મહિલા પર જતાં તેમણે સખી વન સ્ટોપનો સંપર્ક કરી મહિલાને અને નવજાત બાળકને નજીકમાં આવેલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
5 દિવસ બાદ આશીર્વાદ માનવ મંદિર લવાઈઃ આ મહિલાને 5 દિવસ સખી વન સ્ટોપ અને બાળકને ચાઈલ્ડ કેરમાં રાખવામાં આવ્યું હતું. 5 દિવસ બાદ મહિલાના પરિવારનો કોઈ પત્તો ન લાગતાં મહિલાને કામરેજ તાલુકાના નવી પારડી ગામની સીમમાં આવેલ આશીર્વાદ માનવ મંદિર ખાતે લઈ જવામાં આવી હતી. આશીર્વાદ માનવ મંદિરના સ્ટાફ દ્વારા તુરત ડોકટરની ટીમને બોલાવી મહિલાનું આરોગ્ય પરિક્ષણ કરવામાં આવ્યું હતું.
પરિવાર સાથે પુનઃ મિલનઃ આ રજળતી મહિલાના પરિવાર સાથે મિલન કરવામાં આશીર્વાદ માનવ મંદિરની ટીમે સખત મહેનત કરી હતી. આખરે આ મહિલાના પિતાનો સંપર્ક થઈ શક્યો હતો. આ મહિલાના પિતા અને તેનો ભાઈ મધ્યપ્રદેશથી આ મહિલાને લેવા બાઈક પર નવી પારડી આવી પહોંચ્યા હતા. પિતાએ પોતાની દીકરી અને તેણીના બાળકને હેમખેમ આશ્રમમાં જોતા રાહતનો શ્વાસ લીધો હતો. પરિવારના પુનઃ મિલન વખતે લાગણી સભર દ્રશ્યો સર્જાયા હતા.
નોંધારાનો આધાર એટલે આશીર્વાદ માનવ મંદિરઃ ઉલ્લેખનિય છે કે કામરેજના પારડી ગામની સીમમાં આવેલ આશીર્વાદ માનવ મંદિર નોંધારાને આધાર પૂરો પાડી રહ્યું છે. ટ્રસ્ટી કિશોરભાઈએ જણાવ્યું હતું કે, અહીંયા મોટી સંખ્યામાં બિનવારસી તેમજ મંદ બુદ્ધિના લોકો આશરો લઈ રહ્યા છે. તેમણે અહીં ઘર જેવું વાતાવરણ પૂરું પાડવામાં આવી રહ્યું છે. તેમના પરિવારો સાથે પુનઃ મિલન થાય તેવા પ્રયત્નો આશીર્વાદ માનવ મંદિર દ્વારા કરવામાં આવી રહ્યા છે. આ મહિલાનું પરિવાર સાથે મિલન થાય એ દિશામાં અમારી ટીમ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં અમને સફળતા મળી હતી.