જૂનાગઢ: ગીર વિસ્તારમાં જુનાગઢ, અમરેલી અને સોમનાથ જિલ્લાના 197 જેટલા ગામોમાં ઈકોઝોન લગાવવાની જાહેરાત કરવામાં આવી છે. ભારત સરકારે ઇકોઝોનનું ગેજેટ નોટિફિકેશન જાહેર કરતાની સાથે જ ખેડૂતોમાં વિરોધ શરૂ થયો છે. અસરગ્રસ્ત 197 ગામના ખેડૂતો વિરોધ કરી રહ્યા હતા. જેમાં ભાજપ કોંગ્રેસના નેતાઓ પણ જોડાયા છે.
આજે ભારતીય કિસાન સંઘે પણ ઇકોઝોનના વિરોધમાં અને ખેડૂતો અને અસરગ્રસ્ત ગામ લોકોની તરફેણમાં કાયદો પરત ખેંચવાની માંગ કરી છે અને સમગ્ર મામલામાં ભારતીય કિસાન સંઘ ખેડૂતોને સાથ આપવા માટે ઉગ્ર અને જલદ આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
ઇકોઝોનના વિરોધમાં ભારતીય કિસાન સંઘ: કેન્દ્ર સરકારે ઇકો સેન્સિટિવ ઝોનની અમલવારીનો ગેજેટ નોટિફિકેશન જાહેર કર્યો હતો. હવે સરકારના આ નોટિફિકેશન સામે ખૂબ વિરોધ થઈ રહ્યો છે. ગઇકાલથી જ ઇકો સેન્સિટિવ ઝોનમાં આવતા 197 જેટલા ગામના ખેડૂતો અને લોકોએ વિરોધ શરૂ કર્યો છે.
ભારતીય કિસાન સંઘ ઉગ્ર આંદોલન કરશે: આ ઘટનામાં ભાજપ અને કોંગ્રેસના નેતાઓની સાથે ઇકોઝોનમાં આવતા ગામડાઓની ગ્રામ પંચાયતોએ પણ ઇકોઝોનની અમલવારી પરત લેવામાં આવે તેવી માંગ સાથેનો ઠરાવ કર્યો છે. જેમાં હવે ભારતીય કિસાન સંઘ પણ સામેલ થયું છે. આજે ભારતીય કિસાન સંઘે ખેડૂતો અને અસરગ્રસ્ત ગામ લોકોના હિતમાં સરકાર કાયદો પરત ખેંચે નહીંતર ખેડૂતોની તરફેણમાં ભારતીય કિસાન સંઘ ઉગ્ર અને જલદ આંદોલન કરશે તેવી ચિમકી ઉચ્ચારી છે.
ઇકોઝોનથી ખેડૂતોને અનેક મુશ્કેલી: ઇકોઝોનથી ખેડૂતોને અનેક મુશ્કેલી પડશે, તેવા દાવા સાથે ભારતીય કિસાન સંઘના અગ્રણી અને પ્રદેશ પ્રવક્તા મનસુખભાઈ પટોડીયાએ સમગ્ર કાયદો ખેડૂતો અને ગામડાના હિતમાં પરત લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. ઈકોઝોનના કાયદાની અમલવારીથી ગીર પંથકનો ખેડૂત પોતાના ખેતરમાં કૃષિ પાકો ઉત્પાદન લેવાની સાથે તેને બજાર સુધી પહોંચાડવામાં અસમર્થ બનશે.
ખેડૂતોને વગર માંગી જેલ મળશે!: વધુમાં ખેડૂત ટ્રેક્ટર જેવા સાધનો પણ પોતાના ખેતરમાં અવરજવર નહીં કરી શકે. શેરડીનું ઉત્પાદન કરતા ખેડૂતો પોતાના ખેતરમાં ગોળનું ઉત્પાદન કરીને આર્થિક કમાણી કરી રહ્યા છે, તેને પણ હવે ઇકોઝોનની અમલવારીથી બંધ કરવી પડશે. અકસ્માતે કોઈપણ વન્ય પ્રાણીનું મોત ખેડૂતના ખેતરમાં થાય તો ખેડૂતને આજે પણ જેલમાં મોકલી દેવામાં આવે છે. ત્યારે ઇકોઝોનના કાયદાથી ખેડૂતોને વગર માંગી જેલ મળી શકે છે.
આ સિવાય બીજી અનેક વિસંગતતાઓ છે. કે જે ઇકોજનના કાયદાથી ખેડૂત ન માત્ર ખેતીથી પરંતુ પોતાના જીવન નિર્વાહન માટે પણ પરાધીન બનતો જોવા મળશે. ખેડૂતોને પરાધીન બનાવતો આ કાયદો ક્યારેય સ્વીકાર્ય નથી. કેન્દ્રની સરકાર તાકીદે નિર્ણય કરે નહીં તો ભારતીય કિસાન સંઘ કાયદાના વિરોધમાં ઉગ્ર અને જલદ આંદોલન કરતાં ખચકાશે નહીં તેવી ચિમકી પણ મનસુખભાઈ પટોડીયા એ ઉચ્ચારી છે.
આ પણ વાંચો: