છોટાઉદેપુર: સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારોને SC/ST અનામતમાં ક્રીમીલેયર દાખલ કરવાની મંજૂરી આપી હતી. જેના વિરોધમાં 21 ઓગસ્ટે ભારત બંધનું એલાન કરાયું હતું. જેમાં છોટાઉદેપુર જિલ્લામાંથી મિશ્ર પ્રતિસાદ મળ્યો છે.
SC/ST સમુદાયો આદેશથી નારાજ: સુપ્રીમ કોર્ટે થોડા દિવસો અગાઉ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ અનામતમાં ક્રીમીલેયર લાગુ કરવા માટે આદેશ આપ્યો હતો, જેના કારણે કેટલાક SC/ST સમુદાયો આ ચુકાદાથી નારાજ થયાં હતા અને સુપ્રીમ કોર્ટના આ નિર્ણય સામે વિરોધ દર્શાવવા આરક્ષણ બચાવો સંઘર્ષ સમિતિએ 21મી ઓગસ્ટના રોજ ભારત બંધની જાહેરાત કરી હતી.
ભારત બંધ એલાનને મિશ્ર પ્રતિસાદ: સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારને SC/ST અનામતમાં ક્રીમીલેયર દાખલ કરવાની મંજૂરી આપી છે. અગાઉ કોર્ટે કહ્યું હતું કે, જેને ખરેખર જરૂર છે તેમને અનામતમાં પ્રાથમિકતા મળવી જોઈએ. આ નિર્ણય બાદ અનામત વિષેની ચર્ચાએ જોર પકડ્યું હતું અને ભારત બંધનું એલાન આપનાર સંગઠનોએ આ નિર્ણયને પાછો ખેંચવાની માંગ કરી છે. દલિત અને આદિવાસી સમુદાયની અનામતના સંદર્ભમાં આપેલ ચુકાદાનાં વિરોધમાં 21ઓગસ્ટ ભારત બંધનાં અપાયેલા એલાનને મિશ્ર પ્રતિસાદ મળ્યો છે.
છોટાઉદેપુરના બજારો સજ્જડ બંધ: 21 ઓગસ્ટના રોજ ભારત બંધના એલાનનાં સમર્થનમાં છોટાઉદેપુર જિલ્લામાં નસવાડી તાલુકાના મુખ્ય ત્રણ બજાર, તણખલા,ગઢ બોરિયાદ બજારો સજ્જડ બંધ રહ્યા હતાં. જયારે બોડેલીનાં બજારો પણ સજ્જડ બંધ પાળ્યો હતો. તેમજ સંખેડા, જેતપુર, પાવી, કવાંટ અને છોટાઉદેપુરનાં બજારો રાબેતા મુજબ ખુલ્લા જોવા મળ્યા હતાં.
નાના મોટા વેપારીઓએ બંધને સમર્થન આપ્યું: આદિવાસી બાહુલ્ય વસ્તી ધરાવતા છોટાઉદેપુર જિલ્લામાં જય આદિવાસી મહાસંઘ દ્વારા ભારત બંધના એલાનને ટેકો આપવામાં આવ્યો હતો અને દલિત સમાજનાં લોકો સાથે મળી બોડેલી અને નસવાડીનાં વેપારીઓને અપીલ કરતાં નાના મોટા વેપારીઓ અને નાના ગલ્લા લારીવાળાઓએ આદિવાસી સમાજને બંધ રાખીને સમર્થન આપ્યું હતું.