બારડોલી : લોકસભા ચૂંટણી માટે ભાજપની પ્રથમ યાદી આજે મોડી સાંજે જાહેર કરવામાં આવી છે. જેમાં 195 ઉમેદવારોના નામ છે. વડાપ્રધાન મોદી વારાણસીથી ચૂંટણી લડશે. બે પૂર્વ મુખ્યમંત્રીને ટિકિટ આપવામાં આવી છે. જેમાં 28 મહિલાઓ, 47 યુવાનો, 27 એસસી, 18 એસટી અને 57 ઓબીસી ઉમેદવારો સામેલ છે.આ યાદીમાં ઉત્તરપ્રદેશની 51, પશ્ચિમ બંગાળની 20, મધ્યપ્રદેશની 24, ગુજરાતની 15, રાજસ્થાનની 15, કેરળની 12, તેલંગાણાની 9, આસામની 11, દિલ્હીની 5, જમ્મુ-કાશ્મીરની 2 . ઉત્તરાખંડની 3. અરુણાચલની 2, ગોવાની 1, ત્રિપુરાની 1, આંદામાનની 1, દમણ અને દીવની 1 બેઠક શામેલ છે.
ફરી પ્રભુ વસાવાને ટિકિટ : 23 બારડોલી લોકસભા બેઠક પરથી પ્રભુ વસાવાના નામની જાહેરાત કરવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે મોડી સાંજે લોકસભા ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી હતી. જેમાં બારડોલી બેઠક પર પ્રભુ વસાવાને રિપીટ કરવામાં આવ્યા છે. તેઓ બે ટર્મથી બારડોલી બેઠક પર સાંસદ છે. તેમણે મિકેનિકલ એન્જીનિયરીંગનો અભ્યાસ કર્યો છે.
તુષાર ચૌધરીને હરાવ્યાં હતાં : પ્રભુ વસાવા 2007માં સોનગઢ વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે ધારાસભ્ય ચૂંટાયા હતા. નવા સીમાંકન બાદ સોનગઢ બેઠક નાબૂદ થઈને નવી માંડવી બેઠક અસ્તિત્વમાં આવતા 2012માં તેઓ માંડવી વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય બન્યા હતાં. આ સમયગાળા દરમ્યાન તેઓ સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ તરીકે પણ કાર્યરત હતાં. પરંતુ 2014ની લોકસભા ચૂંટણી સમયે ધારાસભ્ય પદેથી રાજીનામું આપી કોંગ્રેસ સાથે છેડો ફાડયો હતો અને ત્યારબાદ તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતાં. જેમાં તેમને લોટરી લાગી હોય તેમ ભાજપે બારડોલી લોકસભા બેઠકના ઉમેદવાર જાહેર કર્યા હતાં અને તેમણે આ ચૂંટણીમાં 124895 મતોથી તુષાર ચૌધરીને હરાવ્યા હતાં. બાદમાં વર્ષ 2019માં વધુ લીડ એટ્લે કે 215974 મતોથી તુષાર ચૌધરીને હરાવ્યા હતાં. બે ટર્મ દરમ્યાન કોઈ પણ જાતના વિવાદ વગર કામ કરવા બદલ તેમની પસંદગી કરવામાં આવી હોવાનું ચર્ચાય રહ્યું છે.
કાર્યકરો દ્વારા ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી : પ્રભુ વસાવાના નામની જાહેરાત થતાં જ ભાજપના કાર્યકરો ગેલમાં આવી ગયા હતાં. સાંસદ પ્રભુ વસાવાના કાર્યાલય બહાર એકઠા થયેલ ભાજપના કાર્યકરોએ એક જ ચાલે પ્રભુ વસાવા જ ચાલેના નારા સાથે ફટાકડા ફોડી, મીઠાઈ વહેચી એકબીજાના મોં મીઠા કરાવ્યા હતાં. ફરી એકવાર 23 બારડોલી લોકસભા બેઠક પર ભાજપનો ભગવો લહેરાશે અને 5 લાખની લીડથી જીત થશે તેવી આશા વ્યક્ત કરી હતી.