તાપી : બારડોલી લોકસભા બેઠક પર ભાજપના પ્રભુ વસાવાની સામે કોંગ્રેસ દ્વારા યુવા ઉમેદવાર સિદ્ધાર્થ ચૌધરીને મેદાને ઉતાર્યા છે. તેમની ઉમેદવારીને લઈને યુવાઓમાં જોશ જોવા મળી રહ્યો છે. સોનગઢ તાલુકાના એક ગામમાં આયોજિત લગ્ન પ્રસંગ દરમિયાન સિદ્ધાર્થ ચૌધરીના નામનું ગીત વાગતા આદિવાસી સમાજના લોકો ઝૂમી ઉઠ્યા હતા.
સિદ્ધાર્થ ચૌધરીનો ક્રેઝ : સોનગઢ તાલુકાના એક ગામમાં આયોજિત લગ્ન પ્રસંગ દરમિયાન બારડોલી લોકસભા બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર સિદ્ધાર્થ ચૌધરી છવાયા હતા. અહીં તેમના નામનું ગીત વાગતા પ્રસંગમાં ઉપસ્થિત મોટી સંખ્યામાં યુવાનો તથા આદિવાસી સમાજના લોકો ઝૂમી ઉઠ્યા હતા.
કોણ છે સિદ્ધાર્થ ચૌધરી ? સિદ્ધાર્થ ચૌધરી તાપી જિલ્લામાં આદિવાસી સમાજ સાથે વર્ષોથી સંકળાયેલા છે. સિદ્ધાર્થ ચૌધરીના પિતા અમરસિંહ ઝેડ. ચૌધરી પૂર્વ ધારાસભ્ય અને સંસદ સભ્ય રહી ચૂક્યા છે. આજે પણ આશરે 78 વર્ષની વયે તેઓ સમાજના કાર્યમાં આગળ જોવા મળે છે. ત્યારે આ વિસ્તારમાં તેમના પુત્ર સિદ્ધાર્થ ચૌધરીને ટિકિટ મળતા લોકો પ્રચારમાં કોઈ કસર છોડી રહ્યા નથી.
કોંગ્રેસ ઉમેદવારનો દાવો : સિદ્ધાર્થ ચૌધરીએ ટેલિફોનિક માહિતી આપતા જણાવ્યું હતું કે, છેલ્લા 10 વર્ષથી ભાજપના સાંસદે સ્થાનિક પ્રશ્નોની કોઈ રજૂઆત કેન્દ્ર લેવલે કરી નથી. ત્યારે સ્થાનિકો જાગૃત થયા છે અને મારા માટે લોકોનો પ્રેમ છે કે મારા નામના ગીત પર લોકો ઝૂમ્યા છે. એ જ બતાવે છે કે લોકો હવે પરિવર્તન માંગે છે અને મને અને કોંગ્રેસ પાર્ટીને જીતાડશે.