સુરત : રાજ્ય સરકાર દ્વારા રાસાયણિક ખેતી ત્યજીને પ્રાકૃતિક ખેતી કરવા માટે રાજ્યભરના ખેડૂતોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. જિલ્લાના આત્મા પ્રોજેક્ટ હેઠળ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થાય તે માટે તાલીમ સાથે માર્ગદર્શક શિબિર યોજવામાં આવી રહી છે. ત્યારે જિલ્લામાં હજારો ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે.
પ્રગતિશીલ ખેડૂત નિલેશ પટેલ : આ વાત પ્રાકૃતિક ખેતી કરી આર્થિક રીતે સમૃદ્ધ બનેલા ખેડૂતની છે. બારડોલી તાલુકાના મસાડ ગામના ખેડૂત નિલેશભાઈ પટેલે વર્ષ 2019 થી પ્રાકૃતિક પદ્ધતિ થકી આંબાની ખેતીમાં સારી આવક મેળવી રહ્યા છે. આશરે 14 વિઘામાં પથરાયેલા 1400 આંબામાં નિલેશભાઈએ કેસર, જમ્બો કેસર, લંગડો, તોતા પૂરી, દશેરી, આમ્રપાલી જેવી કેરીની વિવિધ જાતનું વાવેતર કયું છે. જેમાં ઘરે બેઠા વેચાણ દ્વારા જ તેઓ આર્થિક રીતે સમૃદ્ધ બન્યા છે.
કેરીની પ્રાકૃતિક ખેતી : પ્રાકૃતિક ખેતી વિશે વાત કરતા નિલેશભાઈ જણાવે છે કે, ઝેરી રસાયણોના ઉપયોગને કારણે પાક, જમીન, પર્યાવરણ અને સમગ્ર માનવજાતિને થતા નુકસાનથી બચવા અમે પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા હતા. જેમાં રક્ષાકવચ, જીવામૃત, ડી કમ્પોસ્ટ, વર્મી કમ્પોસ્ટ જેવી પ્રાકૃતિક દવાઓનો ઉપયોગ કરવાથી અમારી જમીન પોચી અને ફળદ્રુપ થઈ છે. પ્રાકૃતિક ખેતી અપનાવવાથી જમીનની ગુણવત્તા સુધરી અને આંબાને સારું પોષણ મળ્યું છે.
ઘર બેઠા ધરખમ આવક : નિલેશભાઈએ વધુમાં જણાવ્યું કે, પ્રાકૃતિક ખેતીથી કેરીનો પાક, તેનું ફળ અને તેની મીઠાશ વધે છે. જેથી તેની માંગમાં પણ વધારો થયો અને વેચાણ સારું આવવાથી અમારી આવકમાં ધરખમ વૃદ્ધિ થઈ છે. અમારી કેરી ઝેરી રસાયણો મુક્ત અને ઉત્તમ ગુણવત્તા ધરાવતી હોવાને કારણે ઘરે બેઠા જ તેનું વેચાણ થઈ જાય છે. અમારા અને આસપાસના ગામોના લોકો પહેલાથી જ પોતાનો ઓર્ડર નોંધાવી દેતા હોવાથી અમારે ક્યારેય વેચાણ અર્થે ગામની બહાર જવું પડતું નથી.
આંબાની માવજત પદ્ધતિ : આંબાની માવજત અંગે વાત કરતા નિલેશભાઈએ કહ્યું કે, આંબાના થડની સાફ સફાઈ રાખવી ખૂબ આવશ્યક છે. વર્ષમાં એક વાર ઓર્ગેનિક ખોળ અને થડના મૂળમાં મંટોળું નાંખવાથી ઝાડની મજબૂતાઈ સારી રહે છે. વરસાદ ચાલુ થાય ત્યારે 21 દિવસના આંતરે અમે જીવામૃત નાંખીએ છીએ. તેમજ વરસાદ પહેલા અને પછી લીંબોળીના તેલનો સ્પ્રે કરવાથી જીવજંતુઓ દુર રહે છે. સાથે જ ચોમાસામાં ઝાડની આજુબાજુથી બિનજરૂરી વનસ્પતિનો એકવાર નિકાલ કરીએ છીએ, જેથી બિનજરૂરી વેલ વધી ઝાડને વીંટળાય ન જાય.
ખેડૂતો માટે પ્રેરણાદાયી ઉદાહરણ : વધુમાં તેમણે કહ્યું કે, કેરી આવતા પહેલા આંબા પર ફૂલ આવે ત્યારે અને કેરી લખોટા જેવી થાય ત્યારે એક વાર આંબાને પાણી આપવું જરૂરી છે. ત્યારબાદ જો વરસાદ પાછો ખેંચાય તો જ ફરી પાણી આપવું. વર્ષે એક વાર દરેક આંબાની ડાળખીઓનું પ્રુનિંગ પણ કરવું જરૂરી છે. જેથી વર્ષ દરમિયાન આંબાનો વિસ્તાર સારો વધે છે. પ્રાકૃતિક ખેતી અપનાવી ખુશહાલ નિલેશભાઈ પોતાના વિસ્તારના તેમજ રાજ્યના પ્રાકૃતિક ખેતીમાં રસ ધરાવતા અન્ય ખેડૂતો માટે પણ પ્રેરણારૂપ બન્યા છે.